Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ : ફેનિલની સજા યથાવત રાખવા ગુજરાત સરકાર હાઇકોર્ટમાં,...

    ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ : ફેનિલની સજા યથાવત રાખવા ગુજરાત સરકાર હાઇકોર્ટમાં, સુરત કોર્ટે સંભળાવી છે ફાંસીની સજા

    ગ્રીષ્માના હત્યારા ફેનિલને સજા સંભળાવતા કોર્ટે આ કેસને રેરેસ્ટ ઑફ ધ રેર કેસ ગણાવ્યો હતો. કોર્ટે ગુનાની ગંભીરતાને જોતાં ગુનેગારને ફાંસીની સજા ફટકારી હતી. જે બાદ તેને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. હાલ તે લાજપોર જેલમાં જ બંધ છે.

    - Advertisement -

    સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ મામલે યુવતીની સરાજાહેર હત્યા કરી નાંખનાર ફેનિલ ગોયાણીને સુરતની સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. હવે ફેનિલની આ સજા યથાવત રાખવા માટે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી છે. આ મામલે હવે આગામી સમયમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    અત્રે નોંધનીય છે કે કાયદા અનુસાર રાજ્ય સરકારે મૃત્યુદંડની સજા મામલે હાઇકોર્ટમાંથી અનુમતિ લેવી પડે છે, અને જેના વગર સજાનો અમલ થઇ શકતો નથી. ગત પાંચમી મૅના રોજ સુરતની સેશન્સ કોર્ટે ફેનિલને ફાંસીની સજા સંભળાવી હતી. હાલ ફેનિલ ગોયાણી સુરત પાસેના લાજપોર સ્થિત મધ્યસ્થ જેલમાં બંધ છે. 

    ફેનિલ ગોયાણીએ ગત 14મી ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. ફેનિલ યુવતીના પ્રેમમાં હતો અને જે મામલે યુવતીએ ઇનકાર કરતા તેણે ગ્રીષ્માના ઘરે ધસી જઈને ધમાલ કરી હતી અને ત્યારબાદ જાહેરમાં સેંકડો લોકોની સામે ચપ્પુ વડે યુવતીનું ગળું રહેંસી નાંખ્યું હતું. જ્યાં સ્થળ પર જ યુવતીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. તદુપરાંત, ફેનિલે યુવતીના કાકા અને ભાઈ ઉપર પણ હુમલો કર્યો હતો.

    - Advertisement -

    યુવતીની હત્યા કરી નાંખ્યા બાદ હત્યારા ફેનિલે પણ ચપ્પુ વડે ઘા મારી નસ કાપી નાંખવાના પ્રયાસ કર્યા હતા. જોકે, તે પહેલા તેને પકડી લેવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી સાજો થયા બાદ પોલીસે તેને હિરાસતમાં લીધો હતો અને ત્યારબાદ તેને સાથે રાખીને તપાસ શરૂ કરી હતી. 

    ફેનિલ ગોયાણીની ધરપકડ કરવામાં આવ્યા બાદ માત્ર છ દિવસની અંદર પોલીસે 2500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 190 સાક્ષી, 27 પ્રત્યક્ષદર્શી, 25 પંચનામાં, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, એની ઓડિયો-ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા જોડવામાં આવ્યા હતા. જે બાદ 23 ફેબ્રુઆરીના રોજ કેસ કઠોર કોર્ટમાંથી સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 

    જે બાદ 28 એપ્રિલના રોજથી ટ્રાયલ શરૂ થઇ હતી, જે 6 એપ્રિલ સુધી ચાલી હતી. જે બાદ બંને પક્ષે દલીઓ પૂર્ણ થયા બાદ 21 એપ્રિલના રોજ ફેનિલને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને પાંચમી મૅના રોજ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી. 

    ગ્રીષ્માના હત્યારા ફેનિલને સજા સંભળાવતા કોર્ટે આ કેસને રેરેસ્ટ ઑફ ધ રેર કેસ ગણાવ્યો હતો. કોર્ટે ગુનાની ગંભીરતાને જોતાં ગુનેગારને ફાંસીની સજા ફટકારી હતી. જે બાદ તેને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. હાલ તે લાજપોર જેલમાં જ બંધ છે.

    ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ મામલે ફેનિલને સુરતની કોર્ટ તરફથી ફાંસીની સજા સંભળાવવામાં આવ્યા બાદ કાયદા અનુસાર હવે સરકાર હાઇકોર્ટમાં પહોંચી છે, જ્યાંથી ફેનિલની સજાનું કન્ફર્મેશન મેળવવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં