ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાર્ટીના પ્રચાર માટે લગભગ દર અઠવાડિયે ગુજરાત આવી રહ્યા છે અને અહીં જાતજાતના વાયદા કરી રહ્યા છે. તાજેતરમાં પણ તેઓ ગુજરાત આવ્યા હતા ત્યારે અમુક વાયદા કર્યા હતા. પરંતુ હવે આ વાયદાઓ મામલે પંજાબના ખેડૂત સંગઠનો કેજરીવાલની સામે પડ્યા છે અને કહ્યું છે કે તેઓ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
ગત 8 અને 9 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હતા. ત્યારે શનિવારે (8 ઓક્ટોબર 2022) કેજરીવાલે એક સભામાં દાવો કરતાં કહ્યું હતું કે, પંજાબમાં તેમની પાર્ટીની સરકાર પાંચ પાક પર એમએસપી આપી રહી છે અને જો ગુજરાતની જનતા વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’ને મત આપશે તો અહીંના ખેડૂતોને પણ આ લાભ આપવામાં આવશે.
.@BhagwantMann જીએ પંજાબમાં 5 પાક પર MSP આપી છે.
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 8, 2022
🌾ગુજરાતમાં પણ 5 પાકથી શરુ કરી, તમામ પાક ઉપર MSP આપીશું.
⚡️ખેડૂતોને બપોરમાં 12 કલાક વીજળી આપીશું.
💧સિંચાઇની વ્યવસ્થા કરીશું.
🚜પાક નુકશાન થવા પર 50,000 પ્રતિ હેક્ટર વળતર આપીશું. – @ArvindKejriwal #GujaratWithAAP pic.twitter.com/Ox74hF4Yzl
જેની ઉપર પંજાબના ખેડૂત સંગઠનોએ કેજરીવાલની આ ગેરેન્ટી મામલે પ્રતિક્રિયા આપતાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉપર ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ઘઉં, ડાંગ અને કપાસ પર કેન્દ્ર સરકાર દ્વારા MSP આપવામાં આવે છે જ્યારે મકાઈ પર કોઈ MSP નથી. તેમણે એમ પણ કહ્યું કે, મગ ઉપર MSP હોવા છતાં ખેડૂતોએ બહુ ઓછી કિંમતે તેને વેચવા પડી રહ્યા છે.
BKU નેતા જોગિન્દર સિંહે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની સરકારે મગ પર MSP આપવાનો વાયદો કર્યો હતો પરંતુ ખેડૂતોને મળી રહી નથી. તેમણે કહ્યું, “અમે તમામ પાક પર MSPની માંગ કરી રહ્યા છીએ, પરંતુ પંજાબમાં માત્ર ઘઉં અને ડાંગર પર જ મળી રહી છે. કપાસ સિવાય કોઈ પાક પર ખેડૂતોને મોંમાંગી કિંમત મળતી નથી.”
અન્ય એક સંગઠનના ઉપપ્રમુખે કહ્યું કે, પંજાબમાં પાંચ પાક પર MSP આપવાની વાત હાસ્યાસ્પદ અને સંપૂર્ણ રીતે અસત્ય છે.
બીજી તરફ, ભાજપ અને શિરોમણી અકાલી દળે પણ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. શિરોમણી અકાલી દળના પ્રવક્તા ડૉ. દલજીતસિંહ ચીમાએ કહ્યું કે, પંજાબના ખેડૂતો દેવામાં ડૂબ્યા છે, પરંતુ કેજરીવાલ ગુજરાનતા ખેડૂતો સામે જૂઠું બોલીને તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે ગુજરાતના ખેડૂતોને પંજાબ આવીને જમીની હકીકત જાણવાની અપીલ કરી હતી.
દલજીતસિંહ ચીમાએ કહ્યું કે, સીએમ ભગવંત માને ખેડૂતોને મગ વાવવાની અપીલ કરીને સંપૂર્ણ પાક 7250માં ખરીદવાનો વાયદો કર્યો હતો, પરંતુ સરકારે આ પાકનો 10 ટકા હિસ્સો પણ નથી ખરીદ્યો. તેમણે કહ્યું કે, પંજાબ સરકાર મકાઈની ખરીદીના વાયદા પરથી પણ ફરી ગઈ છે.
આ અંગે ભાજપ નેતા હારજીત સિંહે કહ્યું કે, આમ આદમી પાર્ટી જેવું દિલ્હીમાં કરે છે એ જ રીતે જુઠ્ઠાણું ફેલાવીને ખોટા વાયદાઓ કરી રહી છે. કેજરીવાલ અને ભગવંત માને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દેવું જોઈએ.