મહારાષ્ટ્રની શિવસેનાનાં બંને જુથો વચ્ચે ફરી એકવાર વાકયુદ્ધ શરૂ થતું જોવા મળી રહ્યું છે. શિવસેના સાંસદ રાહુલ શેવાળેએ ચોંકાવનારો ખુલાસો કરીને કહ્યું છે કે, પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે હોસ્પિટલમાં હતા ત્યારે યુવરાજ આદિત્ય ઠાકરે સ્વિત્ઝર્લેન્ડના પબમાં મોજ માણી રહ્યા હતા. હાલ શિવસેના સાંસદ દ્વારા આપવામાં આવેલું આ નિવેદન લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
અહેવાલો મુજબ, શેવાળેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે “ઉદ્ધવ વારંવાર કહી રહ્યા છે કે અમે તેમની સાથે દગો કર્યો છે. પરંતુ જ્યારે ઉદ્ધવ ઠાકરે જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે યુવરાજ આદિત્ય સ્વિત્ઝરલેન્ડના પબમાં મોજ માણી રહ્યા હતા. વાસ્તવમાં ત્યાં ઉદ્યોગ મંત્રીઓની કોન્ફરન્સ હતી, પરંતુ પર્યાવરણ મંત્રી આદિત્ય પોતે ત્યાં ગયા હતા. યુવરાજ મસ્તી કરી રહ્યા હતા. અહીં જ્યારે ઉદ્ધવ ઠાકરેનું ઓપરેશન ચાલુ હતું ત્યારે આદિત્ય ત્યાં પબમાં ફરી રહ્યા હતા. આ અંગેની તમામ વિગતો રજૂ કરવામાં આવશે.” શેવાળેના આરોપો બાદ હવે જોવાનું એ રહેશે કે શિંદે જુથ આદિત્ય ઠાકરે વિરુદ્ધ કેવા પ્રકારના પુરાવાઓ રજૂ કરે છે. શેવાળેએ કરેલા દાવા મુજબ આદિત્ય ઠાકરે સાથે એક મહિલા સાંસદ પણ ગયાં હતાં.
MP Rahul Shewale said Aaditya Thackeray was enjoying in Switzerland when Uddhav Thackeray was hospitalised – अस्पताल में भर्ती थे उद्धव ठाकरे, तब स्विट्जरलैंड के पब में मस्ती कर रहे थे आदित्य: शिवसेना सांसद राहुल शेवाले https://t.co/VgNFqFCu5V
— Jayesh Patel (@Jayesh2205Patel) October 7, 2022
નોંધનીય છે કે મહારાષ્ટ્રના પૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે 22 મે 2022ના રોજ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં મહારાષ્ટ્ર પેવેલિયનનું ઉદ્ઘાટન કરવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. વાસ્તવમાં, શેવાળેનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કમાં દશેરા રેલી દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધ્યું હતું.
રેલીમાં સીએમ શિંદે પર કટાક્ષ કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, “મને એક જ વાત હેરાન કરે છે કે જ્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ત્યારે મેં જે લોકોને (રાજ્યની) જવાબદારી આપી તેઓ અચાનક ‘કટપ્પા’ બની ગયા અને અમારી સાથે વિશ્વાસઘાત કર્યો. તેઓ એમ વિચારી રહ્યા હતા કે હું ક્યારેય હોસ્પિટલમાંથી પાછો નહીં આવું.”
બીજી તરફ, દશેરા રેલીમાં પોતાના સમર્થકોને સંબોધિત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ પોતાને કટપ્પા કહેવા પર ઉદ્ધવ ઠાકરે પર વળતો પ્રહાર કર્યો હતો. સીએમ શિંદેએ કહ્યું હતું કે, “તેઓ મને કટપ્પા કહીને સંબોધે છે. કટપ્પા પણ આત્મસન્માન ધરાવતા હતા અને તમારા (ઉદ્ધવ) જેવા બેવડાં ધોરણો ધરાવતા ન હતા.” આ રેલીમાં બાળ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરે પણ મંચ પર હાજર હતા.
નોંધનીય છે કે આ વર્ષે જૂનમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 40 ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારથી શિંદે જૂથ દાવો કરે છે કે અસલ શિવસેનાનું નેતૃત્વ તેમની સાથે છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે તેમના પોતાના જૂથને વાસ્તવિક શિવસેના ગણાવી રહ્યા છે.