થોડા દિવસ પહેલા જ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ને ભારત તરફથી આધિકારિક રીતે ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. ગુજરાતી દિગ્દર્શક પાન નલિનની આ ફિલ્મે RRR અને ધ કાશ્મીર ફાઇલ્સ જેવી દિગ્ગજ ફિલ્મોને પછાડીને આ સ્થાન મેળવ્યું છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી જે બાદ દેશ વિદેશના સૌ ફિલ્મ રસિકોએ તેને વધાવી હતી. પરંતુ કેટલાક ગુજરાતદ્વેષીઓ અહીંયા પણ ગુજરાત વિરુદ્ધ દક્ષિણ ભારત કરવાના મલીન ઈરાદાઓ લઈને સોશિયલ મીડિયા પર ઉતરી પડ્યા હતા.
સમગ્ર દેશ માટે આનંદ અને ગૌરવની આ ક્ષણને રાજકીય રંગ આપવામાં ઘણા લોકોએ મહારત હાંસલ કરી છે. આ વખતે આ કામ કર્યું છે તેલંગાણાની રાજકીય પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) એ. TRSના મોટા નેતાઓએ આ સમગ્ર ઘટનાક્રમને ભારતને તોડવાની મંશાથી ગુજરાત વિરુદ્ધ દક્ષિણ ભારત રંગ આપવાની કુચેષ્ટા કરી છે.
Our RRR lost to Gujarati film Chhello Show in the race for oscar. Our Kazipet denied coach factory. Gujarat gets a locomotive factory. Our Hyderabad lost WHO centre to Jamnagar in Gujarat. Our Hyderabad International arbitration tribunal gets a competitor in GIFT city in Gujarat.
— Prof. K.Nageshwar (@K_Nageshwar) September 21, 2022
આ સમગ્ર વિવાદની શરૂઆત થઇ જયારે તેલંગાણાના પૂર્વ MLC પ્રોફેસર કે. નાગેશ્વરે દ્વેષપૂર્ણ ટ્વીટ કરી હતી કે, “આપણી RRR ગુજરાતી ફિલ્મ છેલ્લો શો સામે ઓસ્કારની રેસમાં હારી ગઈ.” આ સાથે તેમને ઘણી અસંગત બાબતો પણ પોતાની ટ્વીટમાં ઉમેરીને વિષયને ગુજરાત વિરુદ્ધ દક્ષિણ ભારત જેવો રંગ આપવાનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો. તેમણે આગળ લખ્યું કે, “આપણી કાઝીપેટે કોચ ફેક્ટરીને નકારી કાઢી, ગુજરાતને લોકોમોટિવ ફેક્ટરી મળે છે. આપણું હૈદરાબાદ ગુજરાતના જામનગર સામે WHO કેન્દ્ર ગુમાવે છે. આપણું હૈદરાબાદ ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલને ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં હરીફ મળે છે.”
તેમની સમગ્ર ટ્વિટની એનાલિસિસ કરવામાં આવે તો તેમણે ભાર દઈને દક્ષિણ ભારત પ્રત્યે ‘આપણું, આપણી’ કરીને પોતીકાપણુ દર્શાવ્યું હતું અને અન્ય, ખાસ કરીને ગુજરાત માટે દ્વેષ દર્શાવ્યો હતો.
Not a single BJP joker from Telangana has the guts to demand what is rightfully ours
— KTR (@KTRTRS) September 22, 2022
Ever Ready to carry Chappals of their Gujarati Bosses but can’t summon the courage to demand Telangana’s rights
Gujarat is the epicentre of Modiverse https://t.co/zlSLvndhJZ
આ બાદ તેલંગાણા સરકારના મંત્રી અને TRSના કાર્યકારી અધ્યક્ષ કે. ટી. રામા રાવ (KTR) પણ આવો દ્વેષ દર્શાવવામાં પાછળ રહ્યા ન હતા. તેમણે પ્રોફેસર કે. નાગેશ્વરની ટ્વીટને ક્વોટ કરીને ખુબ જ ખરાબ ભાષામાં ગુજરાત અને ભાજપ માટે ઝેર ઓક્યું હતું. તેમણે તેલંગાણાના ભાજપા કાર્યકર્તાઓને જૉકર કહ્યા હતા ને લખ્યું હતું કે, “તેલંગાણાના એક પણ બીજેપી જોકરમાં એવી હિંમત નથી કે જે યોગ્યતાની દ્રષ્ટિએ આપણું છે તેની માંગ કરી શકે.”
ગુજરાત માટે દ્વેષ બતાવતા તેમણે આગળ લખ્યું હતું કે, “તેમના ગુજરાતી બોસની ચપ્પલ લઈ જવા માટે હંમેશા તૈયાર છે પરંતુ તેલંગાણાના અધિકારોની માંગ કરવાની હિંમત ભેગી કરી શકતા નથી. ગુજરાત મોદીવર્સનું કેન્દ્ર છે.”
BJP, TRS LOCK HORNS OVER INDIA OSCAR ENTRY
— Mirror Now (@MirrorNow) September 22, 2022
“It’s absolutely Modi fear with #TRS. They are feeling the heat of #BJP in #Telangana.” :S S Sriram, Political Analyst to @shreyadhoundial pic.twitter.com/a3lNLMMLtq
TRS નેતા KTRની આ ટિપ્પણી બાદ રાજ્યનો રાજકીય માહોલ ગરમાયો હતો. દરેક સમાચાર ચેનલોમાં આ વિષયની ચર્ચા શરૂ થઇ ગઈ હતી. આવી જ એક ચર્ચામાં રાજકીય વિશ્લેષક એસ એસ શ્રીરામે કહ્યું કે, “ટીઆરએસથી મોદીને ડર છે. તેઓ તેલંગાણામાં BJPની ગરમી અનુભવી રહ્યા છે.”
આ ઉપરાંત અન્ય ઘણા લોકોએ આ વિષયને રાજકીય અને પ્રાન્તવાદી રંગ આપવાનો પ્રયત્ન કર્યો હતો. @rkpTheGod નામના એક ટ્વીટર અકાઉન્ટે આ ફિલ્મને સીધે સીધી ગૃહ મંત્રી અમિત શાહની પસંદ ગણાવી દીધી હતી.
એક કથિત તેલુગુ ન્યુઝ પોર્ટલ @Telugu360 એ તો ત્યારે હદ કરી જયારે તેણે આ વિષયના અનુસંધાને એમ લખ્યું કે ભારતના વેપાર, રાજનીતિ, ક્રિકેટ અને ફિલ્મો પર ગુજરાતીઓ કબ્જો કરીને બેઠા છે!
અન્ય એક TRS નેતા અને તેલંગાણાના MLA ચંતી ક્રાંતિ કિરણે તો એટલે સુધી આરોપ લગાવી દીધો કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે એટલે જ આ ગુજરાતી ફિલ્મને નોમિનેટ કરવામાં આવી છે.
ન માત્ર ટ્વીટર પરંતુ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ અમુક ખાસ લોકોએ વિષયને ગુજરાત વિરુદ્ધ દક્ષિણ ભારત રંગ આપવા આ રીતનું રીતસરનું કેમ્પેઇન ચલાવ્યું હતું. એક ફેસબુક એકાઉન્ટ @Fukkard એ લખ્યું હતું કે RRR સામે એક અજાણ ગુજરાતી ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ કરવું એ દક્ષીણ ભારતની ફિલ્મોનું અપમાન કરવા બરાબર છે.
જાણો કેમ આ બધા દાવાઓમાં નથી દમ
હાલ સોશિયલ મીડિયા ઉપર બતાવેલ ટિપ્પણીઓથી છલકાઈ રહ્યું છે. અમુક ખાસ લોકો આને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું અપમાન ગણાવી રહ્યા છે અને ગુજરાત માટે કૂણું વલણ ગણાવી રહ્યા છે. ત્યારે જો આપણે આંકડાઓ પર નજર નાખીએ તો, છેલ્લા અમુક દાયકાઓમાં ભારત તરફથી ઓસ્કાર માટે નોમિનેટ થયેલ મોટાભાગની ફિલ્મો દક્ષિણ ભારતમાંથી જ છે.
આંકડાઓ સાથે કહીએ તો છેલ્લા અમુક દાયકાઓમાં દક્ષિણ ભારતમાંથી કુલ 14 ફિલ્મોને ઓસ્કાર માટે નોમિનેટ કરાઈ છે. જેમાંથી 10 તમિલ, 3 મલીયાલમ અને એક તેલુગુ છે. બીજી બાજુ આ જ સમયગાળામાં છેલ્લો શો એ માત્ર એવી બીજી ગુજરાતી ફિલ્મ છે જે ઓસ્કાર માટે નોમિનેટ થઇ હોય. આમ દક્ષિણ ભારત અથવા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અપમાનની વાત ગળે ઉતરે એવી નથી.
હવે વાત રહી કે કઈ રીતે ‘છેલ્લો શો’ RRR અને ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મોને પછાડીને ઓસ્કાર માટે નોમિનેટ થઇ? તો તે વિષે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક ખ્યાતનામ ફોટોગ્રાફર પારસ શાહ વિસ્તારથી જણાવે છે.
The maker of this film has only made international films to date! He knows and is known in international film circuits more than any so-called cinephile who is abusing him and his film without seeing it.
— Paras Shah (@parashah91) September 22, 2022
શાહ લખે છે કે જે લોકો ફિલ્મ છેલ્લો શોને બદનામ કરી રહ્યા છે તેઓ જાણતા નથી કે પાન નલિન એ હોલીવુડ માટે નવું નામ નથી. “રોબર્ટ ડી નીરોએ, વિશ્વએ આજ સુધી જોયેલા શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, તેમના પ્રતિષ્ઠિત ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં છેલ્લો શોને ઓપનિંગ ફિલ્મ બનાવી હતી!” તેમ શાહ જોડે છે.
શાહ આગળ જણાવે છે કે, “આ ફિલ્મના નિર્માતાએ હમણાં સુધી માત્ર આંતરરાષ્ટ્રીય ફિલ્મો જ બનાવી છે. તે કોઈપણ કહેવાતા સિનેફાઈલ કરતાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સર્કિટ વિષે તે વધુ જાણે છે અને જાણીતા પણ છે.”
નોંધનીય છે કે ભારતમાં ફિલ્મ ‘છેલ્લો શો’ 14 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે. સિનેમાઘરો ઉપરાંત તે ઓટીટી પ્લેટફોર્મ MUBI પર રિલીઝ થશે. માટે શક્ય છે કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આ ફિલ્મ એકવાર જોયા બાદ ઘણા લોકોના વિચાર બદલાઈ પણ જાય.