ચંદીગઢમાં કતલખાનાંમાંથી માંસ લઇ જતી ગાડીમાં જ ભગવાનને ચડાવવામાં આવતાં ફૂલ પણ લઇ જવાતાં હોવાનો મામલો સામે આવ્યા બાદ રોષ ફાટી નીકળ્યો હતો. આ મામલે હિંદુઓએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા ઉપરાંત ગંભીર ગુનો પણ ગણાવ્યો છે. તેમજ ચંદીગઢ નગર નિગમ સામે પણ સવાલો ઉઠ્યા છે.
અમર ઉજાલાના એક રિપોર્ટ અનુસાર, ચંદીગઢમાં છેલ્લા લગભગ એક મહિનાથી શહેરનાં વિવિધ મંદિરો અને પૂજાસ્થળોએ ભગવાનને ચડાવવામાં આવતાં ફૂલ એક જગ્યાએ એકઠાં કરવામાં આવે છે, જ્યાં મહિલાઓ તેમાંથી અગરબત્તી અને દીવડા વગેરે તૈયાર કરે છે. આ માટે નગર નિગમે નેશનલ અર્બન એમ્પ્લોયમેન્ટ સ્કીમ અને સ્વચ્છ ભારત મિશન હેઠળ મહિલાઓને તાલીમ પણ આપી છે. તેમજ જે ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે તેનું વેચાણ પણ કરવામાં આવે છે.
જોકે, વિવાદ એટલા માટે થયો છે કારણ કે ચંદીગઢમાં વિવિધ મંદિરોમાંથી ફૂલ એકઠાં કરીને કેન્દ્ર સુધી પહોંચાડવા માટે જે ગાડીઓ વાપરવામાં આવે છે, તે જ ગાડી કતલખાનાંમાંથી વિવિધ મીટ માર્કેટમાં માંસ પણ પહોંચાડે છે.
નગર નિગમે ગત 8 સપ્ટેમ્બરના રોજ પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી એક ગાડીની તસ્વીર ટ્વિટ કરી હતી. આ એ જ ગાડી હોવાનું કહેવાય છે જેમાં માંસ પણ લઇ જવામાં આવે છે. તસ્વીરમાં આ ગાડીમાં ફૂલો લઇ જવાતાં નજરે પડે છે. ફોટો સાથે લખવામાં આવ્યું હતું કે, આ ફૂલ શીતળા માતા મંદિર, ઠાકુરદ્વારા મંદિર અને શનિદરવ મંદિરમાંથી નગર નિગમની ટીમે એકત્રિત કર્યાં છે.
Teams of MCC collecting Floral waste from Shitala Mata Mandir – MHC, Thakur Dwara Mandir, Shani Dev Mandir – Housing Board Chawk, Sector 13 Manimajra. @NULM_MoHUA @MoHUA_India @SwachSurvekshan @SwachSurvekshan pic.twitter.com/h5e3djQwrb
— Municipal Corporation Chandigarh (@MCChandigarh) September 8, 2022
આ અંગે ભારતીય જનતા પાર્ટી ચંદીગઢના અધ્યક્ષ અરૂણ સૂદે જણાવ્યું હતું કે, જો મીટની ગાડીમાં જ ફૂલો લઇ જવામાં આવી રહ્યાં હોય તો આ ધાર્મિક ભાવનાઓ સાથે ખિલવાડ ઉપરાંત એક ગંભીર ગુનો પણ છે. નગર નિગમે સબંધિત અધિકારી સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ. આ બહુ ખોટું છે.
ઉપરાંત, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી હોવાનું કહીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
આ અંગે નગર નિગમના સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, મારી પાસે પણ આવી તસ્વીર આવી હતી. આ આંતરિક વિખવાદના કારણે કરવામાં આવેલ ટીખળ હોય તેમ લાગે છે. મામલાની તપાસ કરાવીશું. પૂજાસ્થળોએથી ફૂલ ઉઠાવવા માટેની અને માંસ માટેની ગાડીઓ અલગ-અલગ છે.