આજે સવારથી પંજાબના મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સીટી ચર્ચામાં છે. અહીં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના સ્નાન કરતી વખતેના વિડીયો વાયરલ થયાનું સામે આવ્યા બાદ હોબાળો મચ્યો હતો. આ વિવાદ મામલે યુનિવર્સીટી, રાષ્ટ્રીય મહિલા આયોગથી માંડીને સરકારનાં પણ નિવેદનો સામે આવી ચૂક્યાં છે. જોકે, એમાં ખાસ બાબત એ છે કે હોસ્ટેલ મેનેજર અને પોલીસનાં નિવેદનો એકબીજા સાથે મેળ ખાતાં નથી. જેના કારણે મામલો વધુ જટિલ બનતો જાય છે.
ચંદીગઢ યુનિવર્સીટી વિવાદ મામલે શનિવારે (17 સપ્ટેમ્બર 2022) બપોરે અમુક વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલ વોર્ડનને ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, એક વિદ્યાર્થીની વોશરૂમમાં છ છોકરીઓના વિડીયો બનાવી રહી હતી. જે બાદ વોર્ડન રાજવિંદર કૌરે છોકરી સાથે પૂછપરછ કરી અને ત્યારબાદ ગર્લ્સ હોસ્ટેલ મેનેજર રીતુને આ બાબતની જાણકારી આપવામાં આવી.
દરમ્યાન, હોસ્ટેલ મેનેજર સામે આરોપી વિદ્યાર્થીનીએ ફોટો-વિડીયો બનાવવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, હોસ્ટેલ મેનેજરનું કહેવું હતું કે જ્યારે તેણે આરોપી વિદ્યાર્થીનીના મોબાઈલની તપાસ કરી તો તેમાંથી અનેક ફોટો-વિડીયો ડીલીટ કરેલા મળ્યા હતા. જોકે, હાલ વિદ્યાર્થીની અને સિમલામાં જે યુવક સન્નીને વિડીયો મોક્લ્યાનો દાવો કરવામાં આવ્યો હતો, જે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.
એ પણ જાણવા મળ્યું છે કે આરોપી વિદ્યાર્થીનીના ફોન પર સતત ફોન-મેસેજ આવી રહ્યા હતા, જેના કારણે મેનેજરને શાક ગઈ હતી. મેનેજરે તેને ફોન ઉઠાવવા અને સ્પીકર ઑન કરવા માટે કહ્યું અને જણાવ્યું કે તે કૉલ કરનાર યુવકને તેની પાસે જે ફોટો-વિડીયો છે એ મોકલવા માટે કહે. ત્યારબાદ યુવકે અશ્લીલ વિડીયોનો સ્ક્રીનશોટ મોકલી આપ્યો હતો. મેનેજરે કડકાઈથી પુરૂચ્યું તો વિદ્યાર્થીનીએ વિડીયો બનાવવા અને શૅર કરવાની વાત કબૂલી લીધી હતી. તેણે કહ્યું હતું કે, તેનો મિત્ર સન્ની સિમલા રહે છે અને તેણે તેને જ આ વિડીયો મોકલ્યા હતા.
જોકે, આ અંગે યુનિવર્સીટી અને પોલીસે અન્ય છોકરીઓના વિડીયો ઉતારવામાં આવ્યા હોવાની બાબતનો ઇનકાર કરી દીધો છે. પોલીસ અને યુનિવર્સીટીએ કોઈ પણ આપઘાત થયો હોવાની કે આપઘાતના પ્રયાસ કર્યા હોવાની બાબત પણ નકારી કાઢી હતી.
No student committed suicide. Preliminary probe reveals that the accused girl had sent her own pics/videos to her boyfriend. No other material found. FIR filed. Police probing it. I appeal to students & parents not to believe in any rumours: Pro-Chancellor, #ChandigarhUniversity pic.twitter.com/eOFeF2xf8P
— ANI (@ANI) September 18, 2022
જોકે, એક વાયરલ વિડીયોમાં આરોપી વિદ્યાર્થીની વિડીયો બનાવીને પોતાના મિત્રોને શૅર કરવાની બાબત સ્વીકારતી જોવા મળી રહી છે. જ્યારે યુનિવર્સીટી અને પોલીસ બંનેએ જ વિદ્યાર્થીની પર લાગેલા આ આરોપોનો ઇનકાર કરી દીધો છે. સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે મામલો સામે આવ્યા બાદ પણ જ્યારે યુનિવર્સીટી મેનેજમેન્ટ અને પોલીસ કોઈ કાર્યવાહી ન કરી ત્યારે વિદ્યાર્થીનીઓએ પરિસરમાં હોબાળો મચાવવો શરૂ કરી દીધો હતો. તેમનું કહેવું છે કે માત્ર યુનિવર્સીટી જ નહીં પરંતુ પોલીસ તંત્રની પણ ભૂમિકા સંદિગ્ધ છે.
આ મામલે હવે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ સંજ્ઞાન લીધું છે અને પંજાબ ડીજીપીને પત્ર લખીને કડક કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ, પંજાબ સીએમ ભગવંત માને તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.