દિલ્હીના જંતર-મંતર પર 3 ઑક્ટોબરે CJP દ્વારા યોજાયેલા પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. તેમાં દિલ્હી પોલીસના એક અધિકારીને મહિલા સાથે જાતીય દુર્વ્યવહાર કરતા દર્શાવવામાં આવ્યા હતા અને તેને કથિત સીસીટીવી ફૂટેજ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. વિડીયો ઝડપથી ફેલાયો અને તેના આધારે ઇકોસિસ્ટમે દિલ્હી પોલીસ સામે ગંભીર આરોપો લગાવવાના શરૂ કરી દીધા. જોકે, દિલ્હી પોલીસે તપાસ બાદ આ વિઝ્યુઅલને AIથી તૈયાર કરવામાં આવેલો બનાવટી વિડીયો હોવાનું સ્પષ્ટ કર્યું. આ વિડીયો ક્યાંથી આવ્યો તેની તપાસ કરતા પોલીસ 24 વર્ષીય નદીમ અહમદ સુધી પહોંચી અને 5 ઑક્ટોબરે તેની ધરપકડ કરી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર નદીમે પૂછપરછમાં સ્વીકાર્યું છે કે તેણે AI ટૂલ્સની મદદથી આ કથિત CCTV વિડીયો તૈયાર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે તેનો હેતુ દિલ્હી પોલીસની છબી ખરાબ કરવાનો, પ્રદર્શનકારીઓને પોલીસ વિરુદ્ધ ભડકાવવાનો અને અશાંતિનું વાતાવરણ ઊભું કરવાનો હતો. હવે તપાસ નદીમ પૂરતી સીમિત નથી. તેનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેના ફંડિંગ, સંપર્કો તથા અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.
કોણ છે નદીમ અહમદ?
નદીમ અહમદ પલવલ, હરિયાણાનો રહેવાસી છે અને પોતાને ‘ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિસ્ટ’ તરીકે રજૂ કરે છે. સોશિયલ મીડિયા પર તે ‘ન્યૂઝ આઈના’ નામના પ્લેટફોર્મ સાથે સક્રિય હતો. તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ @news_aaina0776 પર ધરપકડ સમયે 24 હજારથી વધુ ફોલોઅર્સ અને 1,200થી વધુ પોસ્ટ્સ હતી. એકાઉન્ટને ‘ન્યૂઝ એન્ડ મીડિયા વેબસાઇટ’ તરીકે દર્શાવવામાં આવ્યું હતું અને તેમાં ‘AI-generated profile’ પણ જણાવવામાં આવ્યું હતું. પ્રોફાઇલ @_direct_media_network દ્વારા મેનેજ થતી હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે.

નદીમના સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર નજર નાખીએ તો AIથી તૈયાર કરવામાં આવેલા વિઝ્યુઅલ્સ તેનો મહત્વનો હિસ્સો હોવાનું જોવા મળે છે. રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર AI-જનરેટેડ ફોટા અને વિડીયોનો ઉપયોગ કરીને પોસ્ટ કરવામાં આવતી હતી. તેના અનેક કન્ટેન્ટમાં કેન્દ્ર સરકાર અને કાયદો-વ્યવસ્થા સાથે જોડાયેલી સંસ્થાઓ વિરુદ્ધ આક્રમક ભાષા જોવા મળે છે, જ્યારે CJP અને અન્ય વિપક્ષી જૂથોને સમર્થન આપતું કન્ટેન્ટ પણ જોવા મળે છે.
તેની ફેસબુક પ્રોફાઇલ પર પણ તે પોતાને ડિજિટલ ક્રિએટર તરીકે દર્શાવે છે. અહીં તેના ચાર હજારથી વધુ ફોલોઅર્સ હોવાનું સામે આવ્યું છે અને રાજકીય-સામાજિક મુદ્દાઓને લગતા AI-જનરેટેડ વિઝ્યુઅલ્સ તથા ઉશ્કેરણીજનક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવ્યા છે.
CAAવિરોધી પ્રદર્શનો સમયે પણ હતો સક્રિય
નદીમની સોશિયલ મીડિયા સક્રિયતા નવી નથી. ઉપલબ્ધ વિગતો અનુસાર તેણે CAAવિરોધી પ્રદર્શનો દરમિયાન યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. ત્યારથી તે રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર કન્ટેન્ટ પોસ્ટ કરતો રહ્યો હતો. હવે જંતર-મંતર પ્રદર્શનના AI ડીપફેક કેસની તપાસમાં તેની જૂની ડિજિટલ પ્રવૃત્તિઓ પણ મહત્વની બની છે. પોલીસે પૂછપરછ દરમિયાન નદીમના શિક્ષણ અંગે પણ માહિતી મેળવી છે. પોલીસ મુજબ તેણે દિલ્હીના સાકેત વિસ્તારમાં આવેલ મદરેસામાં અભ્યાસ કર્યો હતો અને ધોરણ 10ની પરીક્ષા પાસ કરી શક્યો નહોતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાને પત્રકાર ગણાવ્યો હોવાનું પણ પોલીસનું કહેવું છે.
શું કેસ હતો?
3 ઑક્ટોબરે CJPના પ્રદર્શન દરમિયાન એક મહિલા, જે પોતાને સ્વતંત્ર પત્રકાર તરીકે રજૂ કરી રહી હતી, તેણે દિલ્હી પોલીસના ACP વિવેક ભગત પર જાતીય દુર્વ્યવહારના આરોપ લગાવ્યા હતા. આ આરોપો સાથે જોડાયેલા કેટલાક ફોટા અને એક કથિત CCTV વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. તેમાં પોલીસ યુનિફોર્મ પહેરેલા માણસને મહિલા સાથે અયોગ્ય વર્તન કરતો દર્શાવવામાં આવ્યો હતો અને તેને ACP ભગત તરીકે ઓળખાવવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસે વાયરલ વિઝ્યુઅલની તપાસ કરી અને તેને AI-જનરેટેડ તથા બનાવટી ગણાવીને ફેક્ટ-ચેક કર્યું. આ દરમિયાન નવી દિલ્હી જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને વિડીયોના સ્ત્રોતની તપાસ શરૂ કરી. ટેકનિકલ તપાસની કડી ‘news_aaina’ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સુધી પહોંચી અને તેના સંચાલક તરીકે નદીમ અહમદની ઓળખ થઈ. પોલીસના જણાવ્યા અનુસાર વિડીયો 3 ઑક્ટોબરે તૈયાર કરવામાં આવ્યો હતો અને 4 ઑક્ટોબરઠી સોશિયલ મીડિયા પર ફરવા લાગ્યો હતો. 5 ઑક્ટોબરે નદીમની ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછમાં શું સામે આવ્યું?
એડિશનલ DCP મનજીતના જણાવ્યા અનુસાર નદીમે પૂછપરછ દરમિયાન AI ટૂલ્સનો ઉપયોગ કરીને કથિત CCTV ફૂટેજ તૈયાર કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ મુજબ તેણે જણાવ્યું હતું કે તેનો હેતુ દિલ્હી પોલીસની છબી ખરાબ કરવાનો, પ્રદર્શનકારીઓને પોલીસ વિરુદ્ધ ભડકાવવાનો અને અશાંતિ ઊભી કરવાનો હતો. પોલીસ હવે એ પણ તપાસી રહી છે કે નદીમને આ કામ માટે કોઈ પાસેથી ફંડિંગ મળ્યું હતું કે કેમ અને વિડીયો બનાવવા તથા તેને ફેલાવવામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે નહીં. તેનો મોબાઇલ ફોન જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
Team of Cyber Police station, @DCPNewDelhi arrested one self claimed independent journalist for circulating a fabricated video falsely portraying Sh. Vivek Bhagat, ACP, Delhi Police in bad light. The accused person circulated the incriminating video reel through one Instagram account as authentic. The mobile phone used for its circulation was also recovered. @LtGovDelhi #DPUpdates #HelloDelhiPolice
— Delhi Police (@DelhiPolice) October 6, 2026
તપાસ કરનાર અધિકારીઓ એ દિશામાં પણ આગળ વધી રહ્યા છે કે જંતર-મંતર પર બનેલો આ વિડીયો નદીમનું વ્યક્તિગત કૃત્ય હતું કે પછી કોઈ મોટા નેટવર્કનો ભાગ હતો. પોલીસ તેની અગાઉની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અને સંપર્કોની પણ તપાસ કરી રહી છે.
CJPના મૂળ આરોપોથી અલગ છે નદીમનો કેસ
જંતર-મંતર પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકારો દ્વારા દિલ્હી પોલીસકર્મીઓ સામે લગાવવામાં આવેલા જાતીય દુર્વ્યવહારના આરોપોની તપાસ અલગથી ચાલી રહી છે. આ ફરિયાદો દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ પાસે છે. બીજી તરફ પોલીસ અધિકારીને મહિલા સાથે દુર્વ્યવહાર કરતા દર્શાવતો વાયરલ CCTV વિડીયો AIથી બનાવટી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને વાસ્તવિક ફૂટેજ તરીકે ફેલાવવાના કેસમાં નદીમની ધરપકડ થઈ છે. દિલ્હી પોલીસે મહિલા પ્રદર્શનકારીઓ સાથે દુર્વ્યવહાર અંગે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા કેટલાક દાવાઓને પણ ‘પાયાવિહોણા અને ભ્રામક’ ગણાવ્યા હતા. પોલીસનું કહેવું હતું કે મહિલા પ્રદર્શનકારીઓ સાથે મહિલા પોલીસકર્મીઓ દ્વારા કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે અને તેમાં પુરુષ પોલીસકર્મીઓની કોઈ ભૂમિકા હોતી નથી.
વાયરલ વિડીયોમાં જે પોલીસ અધિકારીને નિશાન બનાવવામાં આવ્યા હતા, તે ACP વિવેક ભગત હોવાનું સામે આવ્યું હતું. દિલ્હી પોલીસે વિડીયોને AI-જનરેટેડ ગણાવ્યા બાદ પણ આ મામલો ચર્ચામાં રહ્યો. આ દરમિયાન વિવેક ભગતને એડિશનલ DCPનો વર્તમાન ડ્યુટી ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે, આ ચાર્જ આરોપોની યોગ્ય તપાસ બાદ આપવામાં આવશે એવું પણ પછીથી સામે આવ્યું છે.
નદીમ સામે કઈ કલમો?
દિલ્હી પોલીસે નદીમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 353, 352 અને 336 સહિતની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. કલમ 353 ખોટી માહિતી, અફવા અથવા અહેવાલોના એવા પ્રસાર સાથે સંબંધિત છે જે જાહેર શાંતિને અસર કરી શકે. કલમ 352 શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના ઇરાદા સાથે કરવામાં આવેલા ઇરાદાપૂર્વકના અપમાન સાથે સંબંધિત છે. જ્યારે કલમ 336 ફોર્જરી સાથે જોડાયેલી છે. AIની મદદથી બનાવટી વિઝ્યુઅલને વાસ્તવિક CCTV પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હોવાના કેસમાં આ કલમોનો ઉપયોગ થયો છે. નદીમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તપાસનો મહત્વનો ભાગ નદીમના મોબાઇલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, AI ટૂલ્સના ઉપયોગ, ફંડિંગ અને તેના સંપર્કો સુધી પહોંચવાનો છે.
જંતર-મંતર જેવા પહેલેથી તંગ બનેલા રાજકીય વાતાવરણમાં બનાવટી CCTV ફૂટેજને વાસ્તવિક પુરાવા તરીકે રજૂ કરીને ફેલાવવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસની તપાસમાં તેની કડી નદીમ અહમદ સુધી પહોંચી છે અને હવે આ સમગ્ર AI ડીપફેક કાંડ પાછળ માત્ર એક વ્યક્તિ હતી કે વધુ લોકોનું નેટવર્ક, તે અંગેની તપાસ આગળ વધી રહી છે.


