પ્રવર્તમાન નિર્દેશાલય (ઇડી) દ્વારા આઈએએસ પૂજા સિંઘલના સીએના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ રકમ જપ્ત કર્યા બાદ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ફેક ન્યૂઝ ફેલાવનાર કાયમી હેન્ડલ્સ દ્વારા ફરીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પૂજાના જુના ફોટાને તાજેતરનો ગણાવવાની હોડ ચાલી નીકળી હતી. થોડા સમય બાદ એ હકીકત સ્પષ્ટ થઇ ગઈ હતી કે આ ફોટો લગભગ પાંચ વર્ષ જુનો છે.
જેમની છાપ સોશિયલ મિડિયા પર કાયમ ફેક ન્યૂઝ ફેલાવવાની છે એવા ‘કહેવાતા ફિલ્મ નિર્દેશક’ અવિનાશ દાસે આ જુઠ્ઠાણું ફેલાવવાની શરૂઆત કરી હતી. તેમણે ઉપરોક્ત આઈએએસ અધિકારી અમિત શાહના કાનમાં કશું કહી રહ્યા હોવાનો ફોટો ટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું કે, “ઘેરથી કરોડોની કેશ જપ્ત થયાના થોડા જ દિવસ પહેલાની પૂજા સિંઘલની એક તસ્વીર.”
આ જ ફોટાને એક અન્ય ટ્વીટર યુઝર શાહિદે પણ પોસ્ટ કરી હતી જેમાં તેણે એવું ઠસાવવાનો પ્રયાસ કર્યો હતો કે ઝારખંડના મનરેગા ભ્રષ્ટાચારમાં આ બંને એકબીજાને સાથ આપી રહ્યા છે.
એક અન્ય યુઝરે દાવો કર્યો હતો કે આ ફોટો આએએસ સિંઘલના સીએના ઘરમાંથી રૂ. 19.1 કરોડની રોકડ ઝડપ્યાના થોડા જ સમય અગાઉ ક્લિક કરવામાં આવ્યો છે.
બીજી ટ્વીટર યુઝર સબા ખાને પણ કાંઇક આવો જ દાવો પોતાની ટ્વીટમાં કર્યો હતો.
અમિત શાહ – પૂજા સિંઘલની આ તસ્વીર પાછળની હકીકત શું છે?
ટ્વીટર પર પ્રખ્યાત યુઝર એવા લાલા (@FabulasGuy) એ નોંધ્યું હતું કે આ ફોટો સપ્ટેમ્બર 2017માં ક્લિક કરવામાં આવ્યો છે. તેણે પ્રભાત ખબરના આર્ટિકલનો સ્ક્રિનશોટ પર શેર કર્યો હતો જેમાં આ વાઈડ-એન્ગલ શોટ ક્લિક કરવામાં આવ્યો હતો.
લાલાએ 5 વર્ષ જૂની તસ્વીરનો આધાર લઈને ફેક ન્યુઝ ફેલાવનારાઓને આડે હાથ લેતાં પૂછ્યું હતું કે “ઝારખંડ સ્ટેટ મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટરના પદે આઈએએસ પૂજા સિંઘલની નિયુક્તિ કોણે કરી હતી?”
किसने बनाया बे डायरेक्टर, 2017 की फ़ोटो को थोड़े दिन पहले की लिख रहा। pic.twitter.com/pQwsFbu6rG
— Lala 🇮🇳 (@FabulasGuy) May 8, 2022
ઝારખંડના આઈએએસ પૂજા સિંઘલ વિરુદ્ધનો મામલો
પૂજા સિંઘલ એ 2000ની બેચના ઝારખંડ કેડરના આઈએએસ ઓફિસર છે. 6 મે 2022ના દિવસે ઇડી દ્વારા રાંચીની 6 જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાંથી એક પુજાના બીજા પતિની સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ પણ હતી. પુજાના પ્રથમ પતિ 1999ની બેચના ઝારખંડ કેડરના આઈએએસ ઓફિસર છે.
આ તપાસ ઇડી દ્વારા 2020માં મની લોન્ડરિંગના એક કેસમાં ઝારખંડના જુનિયર એન્જીનીયર રામ બિનોદ પ્રસાદ સિન્હાની પૂછપરછ બાદ હાથ ધરવામાં આવી હતી.
કેન્દ્રીય તપાસ એજન્સીએ સિન્હા વિરુદ્ધ ઝારખંડ વિજીલન્સ બ્યુરો દ્વારા દાખલ 16 એફઆઈઆર અને ચાર્જશીટનું સંજ્ઞાન લેતા આદરી હતી જે મુજબ સિન્હા પર રૂ. 18.06 કરોડના સરકારી ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. રામ બિનોદ પ્રસાદ સિન્હા ખુંટીમાં તે સમયે જુનિયર એન્જીનીયર હતા જ્યારે પૂજા સિંઘલ અહીંના ડીસ્ટ્રીક્ટ કલેક્ટર હતા.
એક રિપોર્ટ અનુસાર સિન્હાએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે પૂજા સિંઘલે બે એનજીઓ, વેલ્ફેર પોઈન્ટ અને પ્રેરણા નિકેતનને 6 કરોડના ફંડની મદદ કરી હતી અને પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરતા જંગલની 83 એકરની જમીનને ખનન માટે લીઝ પર આપી દીધી હતી. ચતરા, પલામુ, અને ખુંટી જીલ્લાના ડેપ્યુટી કમિશનર તરીકે તેમણે મનરેગા ફંડ્સમાં પણ ગેરરીતિઓ આચરી હતી.