હોમપેજદેશયુદ્ધ ક્યારે શરૂ કરવું, યુદ્ધ ક્યારે પૂરું કરવું

યુદ્ધ ક્યારે શરૂ કરવું, યુદ્ધ ક્યારે પૂરું કરવું

અમેરિકા અને ઇઝરાયેલ ઈરાન પર ચડી શું કામ બેઠા હતા એ જ પ્રશ્ન હજુ યથાવત છે. તેની પાસે પરમાણુ શસ્ત્રો છે કે બનાવે છે એવું કારણ આપવામાં આવતું હોય તો પ્રશ્ન એ છે કે પરમાણુ શસ્ત્રો તો પાકિસ્તાન પાસે પણ છે.

- Advertisement -

યુદ્ધ શરૂ કરવા પહેલાં આયોજન, પૂર્વતૈયારી અને સમજણપૂર્વકના નિર્ણયોની જરૂર હોય એટલી જ જરૂર તેને ક્યાં અને ક્યારે અટકાવવું તેની સમજણ હોવાની પણ છે. પ્રથમ પ્રહાર પહેલાં નક્કી કરેલા ઉદ્દેશ્યો પાર પડી જાય એટલે ત્યાંથી બહુ આગળ નહીં વધવાનું એવું ચાણક્ય નહીં કહી ગયા હોય તો આપણે કહી દઈએ. સામે પક્ષેથી પ્રહાર થાય તો બમણો પ્રતિકાર કરવાનો પણ નકામું યુદ્ધ નહીં લંબાવવાનું એ જ સમજણભર્યું કામ છે.

મે 2025માં મોદી સરકારે ‘ઑપરેશન સિંદૂર’ આતંકવાદી અડ્ડાઓ ધ્વસ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કર્યું હતું, એ 6-7 મેની મધ્ય રાત્રે માત્ર વીસ મિનિટમાં જ પાર પડી ગયો. પછી ઉશ્કેરાટમાં આવીને પાકિસ્તાને પશ્ચિમ સરહદે ડ્રોન મોકલ્યાં તો બીજા દિવસની સવારે આપણે પાડોશના દસ એરબેઝ પર મિસાઇલો મારી. પરિસ્થિતિ જોઈને પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું તો યુદ્ધવિરામની વિનંતી સ્વીકારી લીધી. ત્યારે તેને નકારીને ‘નહીં અમારે તો યુદ્ધ ચાલુ રાખવું છે’ એવી મૂર્ખામી ન કરાય, અનલેસ તમે પહેલેથી પાકિસ્તાનને દુનિયાના નકશા પરથી ખતમ કરી દેવાનો ટાર્ગેટ લઈને ચાલ્યા હો. આપણામાં આટલી સમજણ હતી, સ્વઘોષિત જગત જમાદારને થોડી ઘટે છે એમ છેલ્લા પખવાડિયાના ઘટનાક્રમો પરથી લાગે છે.

અમેરિકા અને ઇઝરાયેલ ઈરાન પર ચડી શું કામ બેઠા હતા એ જ પ્રશ્ન હજુ યથાવત છે. તેની પાસે પરમાણુ શસ્ત્રો છે કે બનાવે છે એવું કારણ આપવામાં આવતું હોય તો પ્રશ્ન એ છે કે પરમાણુ શસ્ત્રો તો પાકિસ્તાન પાસે પણ છે. બંનેની સરખામણી કરવામાં આવે તો પાકિસ્તાન વધુ અપરિપક્વ દેશ છે. આ જ અમેરિકા જેને દસ વર્ષ સુધી શોધતું રહ્યું તે લાદેન આખરે પાકિસ્તાનમાં તેના સૈન્ય ઠેકાણાંથી થોડા જ અંતરે મળી આવ્યો હતો. દુનિયાના મોટાભાગના આતંકી હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાય છે. તો શું અમેરિકા પાકિસ્તાન પર સેના લઈને ચડી બેસે? ના.

- Advertisement -

યુદ્ધના એક કરતાં અનેક ઉદ્દેશ્યો હોય છે. એક ઉદ્દેશ્ય રિજિમ ચેન્જનો પણ હતો. આ જ ક્રમમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં આર્થિક કારણોસર અમુક પ્રદર્શનો પણ થયાં હતાં. પણ તેની ઉપર કાબૂ મેળવી લેવાયો. ખામેનેઈની અને તેમના ટોચના માણસોની હત્યા પછી ઈરાનિયનો રસ્તા પર આવીને સત્તા પલટાવી નાખશે એવી ગણતરી પણ સદંતર ઊંધી પડી. ઈરાનની બહાર રહેતા અમુક લિબરલોએ ઉજવણી કરી, ઈરાનમાં પણ નાના સ્તરે જોવા મળ્યું પણ એવું કશું જ ન થયું જેની આશંકા હતી. ઉપરથી સહાનુભૂતિ મળી ને ખામેનેઈના દીકરાને સુપ્રીમ લીડર ઘોષિત કરી દેવાયો.

રિજિમ ચેન્જ આમ તો મિસાઇલો મારીને થતી નથી. ત્યાં સેના ઉતારવી પડે છે. ઈરાનની ભૌગોલિક સ્થિતિ એવી છે કે આ વિકલ્પ બિલકુલ કારગત નીવડે એમ નથી અને ઉપરથી નુકસાન વહોરવું પડે.

ઇઝરાયેલ-અમેરિકા અને દુનિયાને એ અંદાજ પણ ન હતો કે ઈરાન આટલો પ્રતિકાર કરશે અને યુદ્ધ આટલું લાંબુ ખેંચાશે. ઇઝરાયેલનાં શહેરોમાં પણ ખાસ્સું નુકસાન થયું છે. ઈરાન પાડોશી દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાં અને અમેરિકી મદદ મેળવતી સંપત્તિ ફૂંકી મારશે એવો પણ અંદાજ નહીં હોય પણ એ કામ પણ રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ઈરાન પાસે લાખોની સંખ્યામાં ડ્રોન છે, જેની કિંમત અમેરિકા અને ઇઝરાયેલની મિસાઇલો, જેનો ઉપયોગ આ ડ્રોન નષ્ટ કરવા માટે થાય છે, સામે અનેકગણી ઓછી છે. દસ હજાર ડૉલરનું ડ્રોન તોડવા લાખો ડોલરની મિસાઈલો મારવી પડે છે. આર્થિક રીતે પણ આ મોટો ફટકો છે.

ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ નામનો અતિઅગત્યનો માર્ગ બંધ કરી દઈને જહાજોને પસાર ન થવા દેવાની ચેતવણી આપી છે. જેના કારણે અમેરિકા-યુરોપના દેશોમાં હવે ઈંધણના ભાવો વધવા માંડ્યા છે. હવે ટ્રમ્પ દુનિયાના દેશોને કહે છે કે તમે તમારાં યુદ્ધજહાજો મોકલીને આ માર્ગ ખોલાવો, અમેરિકા તમને મદદ કરશે. એક રીતે હવે બીજા દેશોને પણ આ યુદ્ધમાં કૂદવા માટે આમંત્રણ આપે છે.

ભારતે એક પણ ગોળી ચલાવ્યા વગર પોતાનાં જહાજો માટે સ્ટ્રેટ ખોલાવી અને ત્રણ જહાજો પસાર પણ કરાવી દીધાં. LPG લઈને આવતું ટેન્કર ‘શિવાલિક’ 16મી માર્ચે મુન્દ્રા બંદરે પહોંચશે. બીજું એક ‘નંદાદેવી’ 17 માર્ચ કંડલા આવી રહ્યું છે. બાકીનાં વીસેક જહાજોને સુરક્ષિત પસાર કરાવવા માટે ઈરાન સાથે વાતચીત ચાલે છે. ગામની બબાલમાં આપણે (કે બીજો કોઈ દેશ) શું કામ પડીએ એટલી સમજણ પણ આપણામાં છે.

ટૂંકમાં કહેવાનું એટલું કે આ વખતે સ્વઘોષિત જગત જમાદાર અને તેના સરપંચ ડોનાલ્ડની તમામ ગણતરીઓ ઊંધી પડી છે. હવે અહીંથી પાછળ હટી શકાય એમ નથી ને આગળ વધવામાં નુકસાન ઝાઝું છે. આ ઉદાહરણ પરથી ફરી એક વખત આપણી સરકાર અને આપણી સેનાને અભિનંદન આપી દઈએ ને આભાર માની લઈએ. કારણ કે યુદ્ધ લાંબું ખેંચાય ને એની અસર થાય તો અહીં હાયતોબા મચાવનારી જમાત પણ તૈયાર જ હોય છે. એ બધું પણ સાથોસાથ જોવાનું રહે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં