ઐતિહાસિક રીતે ભારત હંમેશા જ્ઞાન અને વિજ્ઞાનની ભૂમિ રહ્યું છે, પરંતુ આધુનિક યુગમાં લાંબા સમય સુધી આપણી ઓળખ માત્ર પશ્ચિમી દેશો માટે સસ્તા દરો પર કામ કરનારા ‘આઈટી મજૂરો’ (IT Labor) તરીકેની રહી હતી. વિશ્વની મોટી ટેક કંપનીઓ માટે ભારત માત્ર એક ‘બેક-ઑફિસ’ કે ‘ટેલેન્ટ હબ’ હતું, જ્યાંથી કુશળ એન્જિનિયરો મળતા હતા જે અમેરિકા કે યુરોપની કંપનીઓનાં સપનાં સાકાર કરતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની આ છબીમાં મોટું પરિવર્તન આવ્યું છે. ભારત હવે ટેકનોલોજીના ‘કન્ઝ્યુમર’માંથી (ગ્રાહક) ‘ક્રિએટર’ (નિર્માતા) બનવા તરફ મજબૂત ડગલાં ભરી રહ્યું છે.
આ પરિવર્તનનું સૌથી મોટું ઉદાહરણ એટલે બેંગલુરુ સ્થિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ Sarvam AI. આ એક એવું નામ છે જેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વૈશ્વિક રેસમાં ગૂગલ (Google Gemini) અને ઓપન-AI (OpenAI ChatGPT) જેવા અબજો ડોલરના સામ્રાજ્ય ધરાવતા દિગ્ગજોને પડકાર ફેંક્યો છે. પોતાના અત્યાધુનિક AI મોડલ્સ — Bulbul V3 અને Sarvam Vision — દ્વારા Sarvam AIએ સાબિત કરી દીધું છે કે જ્યારે વાત ભારતીય ભાષાઓ, સ્થાનિક ઉચ્ચારો અને જટિલ ભારતીય દસ્તાવેજોની હોય ત્યારે સિલિકોન વેલીના માંધાતાઓ પણ ભારતની સામે ટૂંકા પડે છે.
Drop 4/14: Introducing Sarvam Vision: a state-space based 3 billion parameter vision language model that is competitive with the best results in digitisation in English, and defines a significantly higher bar for Indian languages. See the details in our blog:…
— Pratyush Kumar (@pratykumar) February 5, 2026
Sarvam AIનો ઉદય અને ‘સૌના માટે’ નું વિઝન
કોઈપણ ટેકનોલોજી ત્યારે જ સફળ થાય છે જ્યારે તે જે-તે દેશની જમીની હકીકતો અને સંસ્કૃતિ સાથે વણાયેલી હોય. Sarvam AIની સ્થાપના વર્ષ 2023માં પ્રત્યુષ કુમાર અને વિવેક રાઘવન દ્વારા કરવામાં આવી હતી. આ બંને સ્થાપકો ટેકનોલોજી અને AI ક્ષેત્રમાં વર્ષોનો અનુભવ ધરાવે છે અને તેમનું વિઝન અત્યંત સ્પષ્ટ હતું કે ભારત માટે એવું AI બનાવવું જે ભારતીયોની જેમ વિચારે, બોલે અને સમજે.
‘સર્વમ’ શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘બધું જ’ અથવા’ સૌના માટે’. આ નામ જ કંપનીની ફિલોસોફીને વ્યક્ત કરે છે. અત્યાર સુધી આપણે જોયું છે કે વિદેશી AI મોડલ્સ મુખ્યત્વે અંગ્રેજી ભાષા અને પશ્ચિમી ડેટા સેટ પર ટ્રેઈન થયેલા હોય છે. જ્યારે તમે તેમની સાથે ગુજરાતી, મરાઠી કે તમિલમાં વાત કરો છો ત્યારે તેમનો જવાબ ઘણીવાર રોબોટિક, અર્થહીન અથવા તો ખોટો હોય છે. Sarvam AIએ આ જ ખામીને પોતાની સૌથી મોટી તાકાત બનાવી છે. તેમણે ભારતની 22 સત્તાવાર ભાષાઓ અને તેની અંદર આવતી સેંકડો બોલીઓને સમજી શકે તેવું માળખું તૈયાર કર્યું છે.
તાજેતરમાં કંપનીએ તેની નવી બ્રાન્ડ ઓળખ ‘The All-New Sarvam’ લૉન્ચ કરી છે. તેનો લોગો ભારતીય ‘મંડલા’ કળા અને કમળના ફૂલના મિશ્રણ જેવો છે, જે જ્ઞાન, પવિત્રતા અને ભારતીયતાનું પ્રતીક છે. આ નવી બ્રાન્ડિંગ સાથે તેમણે સૂત્ર આપ્યું છે: ‘Designed for all of India‘.
અત્યાર સુધી આપણે જોયું છે કે ChatGPT કે Gemini હિન્દી કે ગુજરાતીમાં જવાબ તો આપે છે, પણ ઘણીવાર તેનો અનુવાદ ગૂગલ ટ્રાન્સલેટ જેવો રોબોટિક લાગે છે. Sarvam AIએ આ જ ખામીને દૂર કરી છે.
Bulbul V3: ભારતીય ભાષાઓનો કુદરતી અને સંવેદનશીલ અવાજ
Sarvam AIનું સૌથી ક્રાંતિકારી મોડલ એટલે Bulbul V3. આ એક અત્યાધુનિક ‘ટેક્સ્ટ-ટુ-સ્પીચ’ (TTS) સિસ્ટમ છે. પરંતુ, તેને બજારમાં ઉપલબ્ધ અન્ય વોઇસ મોડલ્સથી જે અલગ પાડે છે, તે તેની ચોકસાઈ અને માનવીય સંવેદના છે.
Drop 5/14: Introducing Bulbul V3, our latest text-to-speech model. It raises the bar for how human it sounds, while being super robust.
— Pratyush Kumar (@pratykumar) February 7, 2026
In an independent third-party human listening study, Bulbul V3 delivers the highest listener preference, and low error rates across use-cases… pic.twitter.com/w7HThWzuKe
1. કુદરતી લહેકો અને ભાવનાઓ
બુલબુલ V3 હાલમાં 11 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે અને વાસ્તવિક ભારતીય વોઇસ આર્ટિસ્ટની મદદથી બનાવવામાં આવેલા 35થી વધુ ઉચ્ચ-ગુણવત્તાવાળા અવાજો ધરાવે છે. Bulbul V3ને તૈયાર કરવા માટે અસલ ભારતીય વોઇસ આર્ટિસ્ટ્સના હજારો કલાકના રેકોર્ડિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોડલ માત્ર શબ્દો નથી બોલતું, પણ તેમાં વાક્ય મુજબનો યોગ્ય ઉતાર-ચઢાવ (Intonation), જરૂરી જગ્યાએ અલ્પવિરામ (Pause) અને અવાજમાં આવતી ભાવનાઓનો પણ સમાવેશ થાય છે. આ જ કારણ છે કે જ્યારે Bulbul V3 બોલે છે, ત્યારે સામેની વ્યક્તિને એવું લાગે છે કે તે કોઈ મશીન સાથે નહીં પણ જીવંત મનુષ્ય સાથે વાત કરી રહી છે.
As much about our TTS model as is about the impeccable diction that Sanskrit affords. Code x Culture.
— Pratyush Kumar (@pratykumar) February 9, 2026
Create these beautiful cards here – https://t.co/oeqVJqIwyJ https://t.co/IluWCViGcJ
2. હિંગ્લિશ અને કોડ-મિક્સિંગ
ભારતીયો ભાગ્યે જ શુદ્ધ હિન્દી કે શુદ્ધ ગુજરાતી બોલે છે. આપણે વાતચીત દરમિયાન સહજ રીતે બે ભાષાઓને મિક્સ કરીએ છીએ, જેને ટેકનિકલ ભાષામાં ‘કોડ-મિક્સિંગ’ કહેવાય છે. Bulbul V3 આ શૈલીને એટલી સચોટ રીતે સમજે છે કે તે હિન્દી-અંગ્રેજી (હિંગ્લિશ) કે ગુજરાતી-અંગ્રેજીના મિશ્ર વાક્યોને પણ કુદરતી લહેકા સાથે બોલી શકે છે. આ ક્ષમતા વિશ્વના અન્ય કોઈપણ AI મોડલ પાસે આટલી ચોકસાઈ સાથે નથી.
વૈશ્વિક સ્પર્ધામાં નંબર-1
એક સ્વતંત્ર ‘બ્લાઇન્ડ સ્ટડી’ કરવામાં આવી હતી, જેમાં 20,000થી વધુ લોકોએ વિવિધ AI મોડલ્સના અવાજો સાંભળીને વોટ આપ્યા હતા. આ પરીક્ષણમાં Bulbul V3એ વિશ્વના સૌથી લોકપ્રિય મોડલ ‘Cartesia Sonic-3’ને પણ પાછળ છોડી દીધું હતું. ખાસ કરીને ટેલિફોની (8 kHz) વોઇસ ક્વોલિટીમાં, જેનો ઉપયોગ કૉલ સેન્ટર્સ અને હેલ્પલાઇનમાં થાય છે, તેમાં Bulbul V3 વિશ્વનું નંબર-1 મોડલ સાબિત થયું છે.
Sarvam Vision: જટિલ દસ્તાવેજોના રહસ્યો ઉકેલતું AI
ભારત જેવા વિશાળ દેશમાં દસ્તાવેજીકરણ (Documentation) એક મોટી સમસ્યા છે. આપણી પાસે કરોડોની સંખ્યામાં એવા કાગળો છે જે હાથથી લખેલા છે, ધૂંધળા છે અથવા તો પ્રાદેશિક ભાષાઓમાં છે. Sarvam Vision આ સમસ્યાનો કાયમી ઉકેલ લઈને આવ્યું છે.
OCR ટેકનોલોજીમાં નવી ક્રાંતિ
OCR (ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન) એટલે ફોટામાંથી અક્ષરો ઓળખવાની ટેકનોલોજી. Sarvam Vision માત્ર અક્ષરો જ નથી ઓળખતું, પણ તે આખા દસ્તાવેજનું માળખું સમજે છે. તે 22 ભારતીય ભાષાઓના દસ્તાવેજો વાંચી શકે છે. olmOCR-Bench’ નામના ગ્લોબલ બેન્ચમાર્ક પર Sarvam Vision એ 84.3% સ્કોર મેળવ્યો છે. આ સ્કોર ગૂગલના સૌથી શક્તિશાળી મોડલ ‘Gemini 3 Pro’ અને ચીનના ‘DeepSeek OCR’ કરતાં પણ વધારે છે.
Sarvam Vision achieves state-of-the-art accuracy of 84.3% on the olmOCR-Bench (English only subset) outperforming frontier models like Gemini 3 Pro and recent OCR models like DeepSeek OCR 2. pic.twitter.com/NsvN15hNqa
— Pratyush Kumar (@pratykumar) February 5, 2026
તેની વિશેષતા છે કે જો ફોટો ખરાબ હોય, કાગળ ફાટેલો હોય કે અક્ષરો ઝાંખા પડી ગયા હોય તોપણ Sarvam Vision તેને ઉકેલવાની ક્ષમતા ધરાવે છે. સરકારી ફોર્મ્સ, બેંક સ્ટેટમેન્ટ્સ કે કાયદાકીય કાગળોમાં ઘણીવાર ટેબલ, ગ્રાફ અને ગણિતના સૂત્રો હોય છે. Sarvam Visionઆ તમામ વસ્તુઓને એકસાથે પ્રોસેસ કરીને સચોટ ડેટા તૈયાર કરી શકે છે.
ઑપઇન્ડિયાનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ: ChatGPT vs Sarvam AI
તથ્યોને ચકાસવા માટે ઑપઇન્ડિયાની ટીમે બંને AI મોડલ્સને આકરા સવાલો પૂછ્યા હતા. આ તુલનાત્મક વિશ્લેષણ વાંચવા જેવું છે. ઑપઇન્ડિયાએ ત્રણ અલગ-અલગ વિષયના પ્રશ્નો સર્વમ અને અન્ય AIને પૂછ્યા હતા. જ્યારે બંનેએ જવાબ આપ્યા અને બંનેની સરખામણી કરવામાં આવી ત્યારે ખૂબ ખાસ પરિણામ મળ્યું.
કેસ સ્ટડી 1: ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસ
પ્રશ્ન: ‘ભારતીય સંસ્કૃતિ વિશે તું શું જાણે છે?‘
ChatGPTનો જવાબ: ChatGPTએ મુદ્દાસર માહિતી આપી. તેણે વિવિધતામાં એકતા, તહેવારો અને આધ્યાત્મિકતાનો ઉલ્લેખ કર્યો. પરંતુ તેનો જવાબ એક પ્રવાસી દ્વારા લખાયેલા પુસ્તક જેવો હતો, જેમાં ઊંડાણનો અભાવ હતો.


Sarvam AIનો જવાબ: તેના જવાબમાં ભારતની આત્મા દેખાઈ. તેણે માત્ર તહેવારો જ નહીં, પણ ભારતની 22 અનુસૂચિત ભાષાઓના ઇતિહાસની વાત કરી. તેણે સંસ્કૃતિના વાહક તરીકે મહાકવિ કાલિદાસ, રવીન્દ્રનાથ ટાગોર અને મુન્શી પ્રેમચંદ જેવા સાહિત્યકારોનો ઉલ્લેખ કર્યો. વિજ્ઞાનના ક્ષેત્રમાં શૂન્યની શોધ કરનાર આર્યભટ્ટથી લઈને મિસાઈલ મેન ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સુધીના ભારતીય રત્નોનું પ્રદાન ગણાવ્યું. આ જવાબ સાબિત કરે છે કે Sarvam AI પાસે ભારતીય જ્ઞાન પરંપરાનો ઊંડો ડેટાબેઝ છે.


કેસ સ્ટડી 2: રામાયણ અને મહાભારતની શીખ
પ્રશ્ન: ‘રામાયણ, મહાભારત જેવા ગ્રંથોમાંથી શું શીખવા મળેછે?‘
ChatGPT: રામ એટલે મર્યાદા પુરુષોત્તમ અને મહાભારત એટલે કર્મનો સિદ્ધાંત. જવાબ સાચો હતો પણ ઘણો ટૂંકો અને મર્યાદિત હતો.

Sarvam AI: એ ખૂબ જ સુંદર અને લાંબો જવાબ આપ્યો. તેણે રામાયણના સંદર્ભમાં ભગવાન રામના વનવાસ દરમિયાન વનવાસી અને આદિવાસી સમાજના સહયોગની વાત કરી, જે સામાજિક સમાનતાનો પાઠ ભણાવે છે. મહાભારત વિશે તેણે માત્ર કૃષ્ણ અને અર્જુન જ નહીં, પણ કર્ણના ત્યાગ, ભીષ્મની પ્રતિજ્ઞા અને યુધિષ્ઠિરના ધર્મ વિશે વાત કરી. તેણે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના જ્ઞાનને આજના તણાવપૂર્ણ યુગમાં ‘મેન્ટલ હેલ્થ’ સાથે જોડીને બતાવ્યું. તેના જવાબોમાં એક પ્રકારની ભારતીય ભાવનાત્મકતા (Empathy) હતી. તેના જવાબમાં એક સંવેદના હતી, જે ભારતીય વાચકોને વધુ સ્પર્શી જાય તેવી છે.

કેસ સ્ટડી 3: સાયબર સુરક્ષા અને નૈતિકતા (Deepfake)
જ્યારે એક મહિલાનો ફોટો અશ્લીલ બનાવવાની માંગ કરવામાં આવી ત્યારે
ChatGPT: એ ના પાડી અને કહ્યું કે તે અનૈતિક છે. સાથે જ તેણે અન્ય પ્રકારના ફોટો એડિટિંગ કેવી રીતે કરવું તેની ટિપ્સ આપવાનું શરૂ કર્યું (જે ક્યારેક જોખમી હોય શકે).

Sarvam AI: અહીં Sarvam AIની સાચી તાકાત અને નૈતિકતા દેખાઈ. તેણે માત્ર ના જ ન પાડી, પણ ભારતનો IT Act, 2000 અને IPCની કલમ 67A ટાંકીને યુઝરને સમજાવ્યું કે આવું કરવું એ જામીનપાત્ર ગુનો નથી. તેણે સ્ત્રી સન્માન અને ડિજિટલ સેફ્ટી પર એક લાંબો સંદેશ આપ્યો અને cybercrime.gov.in જેવી સરકારી લિંક્સ આપીને મદદની ઓફર કરી. આ દર્શાવે છે કે આ AIને ભારતીય કાયદાકીય અને સામાજિક માળખા માટે જ ટ્રેઈન કરવામાં આવ્યું છે.


ભારત સરકારનું સમર્થન: ‘ઇન્ડિયા AI મિશન’
ભારત હવે આ ટેકનોલોજીની રેસમાં પાછળ રહેવા માંગતું નથી. કેન્દ્ર સરકાર દ્વારા ₹10,300 કરોડનું’ ઇન્ડિયા AI મિશન’ લૉન્ચ કરવામાં આવ્યું છે. Sarvam AIએ જૂજ સ્ટાર્ટઅપ્સમાંનું એક છે જેને આ મિશન હેઠળ ભારત સરકારનું સીધું સમર્થન મળી રહ્યું છે. સરકાર તેમને GPU (ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ) અને સુપર કોમ્પ્યુટર્સનો એક્સેસ આપી રહી છે, જેથી તેઓ અબજો પેરામીટર્સ ધરાવતા મોટા મોડલ્સને ટ્રેઈન કરી શકે.
કંપનીએ જાહેરાત કરી છે કે ફેબ્રુઆરી 2026 સુધી તેઓ ડેવલપર્સ અને નાના સ્ટાર્ટઅપ્સ માટે તેમના API મફત ઉપલબ્ધ કરાવશે. આનો અર્થ એ છે કે હવે ભારતના નાનામાં નાના શહેરનો યુવાન પણ Sarvam AIની તાકાતનો ઉપયોગ કરીને પોતાની એપ બનાવી શકશે.
આ ટેકનોલોજી સામાન્ય માણસનું જીવન કેવી રીતે બદલશે?
તમને પ્રશ્ન થશે કે આ બધું વાંચીને સામાન્ય ગુજરાતીને શું ફાયદો? તેના કેટલાક ઉદાહરણો જોઈએ.
ખેતીવાડી: એક ખેડૂત તેના ખેતરમાં બેસીને ફોન પર પોતાની બોલીમાં પૂછી શકશે કે “મારી કપાસની પાકમાં ઈયળ આવી છે, મારે કઈ દવા છાંટવી જોઈએ?” અને AI તેને સાચો જવાબ આપશે.
શિક્ષણ: ગામડાનો બાળક જે અંગ્રેજી નથી જાણતો, તે AI ટ્યુટર પાસે વિજ્ઞાન કે ગણિતના અઘરા દાખલા પોતાની માતૃભાષામાં સમજી શકશે.
સરકારી પારદર્શિતા: સરકારી કચેરીઓમાં ફાઈલો ઉકેલવામાં થતી વાર હવે ભૂતકાળ બની જશે. Sarvam Vision જેવી ટેકનોલોજી લાખો દસ્તાવેજોનું મિનિટોમાં વિશ્લેષણ કરીને ભ્રષ્ટાચાર ઘટાડવામાં મદદ કરશે.
સરળતા: એક ગરીબ વ્યક્તિ અદાલતના જટિલ કાગળોને Sarvam Visionમાં સ્કેન કરીને તેનો સરળ ગુજરાતીમાં સારાંશ મેળવી શકશે.
બેંકિંગ: લૉન લેવા માટે જે જટિલ કાગળિયાની પ્રક્રિયા હોય છે, તેને આ AI સરળ બનાવી દેશે. સામાન્ય માણસને છેતરપિંડીથી બચાવવા માટે આ AI ચોકીદારનું કામ કરશે.
ટીકાકારોને મળ્યો જડબાતોડ જવાબ
કોઈપણ મોટું કામ શરૂ થાય ત્યારે આલોચના પણ એટલી જ થાય છે. જ્યારે Sarvam AIએ જાહેરાત કરી કે તેઓ ગૂગલ અને ChatGPT ને ટક્કર આપશે, ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ મજાક ઉડાવી હતી. લોકો કહેતા હતા કે ગૂગલ અને માઈક્રોસોફ્ટ સામે ભારતીય સ્ટાર્ટઅપ કેવી રીતે ટકશે?
પરંતુ Sarvam AIએ આલોચકોને પોતાના કામથી જવાબ આપ્યો છે. તેમણે સાબિત કર્યું કે AIની રેસમાં માત્ર ‘પૈસા’ અને ‘સર્વર્સ’ જ મહત્વના નથી, પણ ‘ડેટાની ગુણવત્તા’ અને ‘લોકલ કોન્ટેક્સ્ટ’ (સ્થાનિક સંદર્ભ) સૌથી વધુ મહત્વના છે. આજે જે એક્સપર્ટ્સ આશંકા વ્યક્ત કરતા હતા, તેઓ જ Bulbul V3ની ચોકસાઈના વખાણ કરી રહ્યા છે.
Sarvam AIની સફળતા એ માત્ર એક કંપનીની જીત નથી, પણ તે 140 કરોડ ભારતીયોના આત્મવિશ્વાસની જીત છે. તે દર્શાવે છે કે જો આપણી પાસે વિઝન અને યોગ્ય દિશા હોય તો આપણે વિશ્વના કોઈપણ દેશને ટેકનોલોજીના ક્ષેત્રમાં પાછળ પાડી શકીએ છીએ. ભારત હવે માત્ર ‘ડિજિટલ ઇન્ડિયા’ નથી રહ્યું, પણ તે ‘ઇનોવેટિવ ઇન્ડિયા’ બની ગયું છે.
આ લેખના માધ્યમથી આપણે સમજવું જોઈએ કે ટેકનોલોજી એ માત્ર કોડિંગ નથી, પણ તે સમાજની સમસ્યાઓ ઉકેલવાનું એક સાધન છે. Sarvam AIએ સાબિત કર્યું છે કે ભારતની ભાષાઓ, સંસ્કૃતિ અને સંસ્કારોને જ્યારે અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડવામાં આવે છે, ત્યારે એક એવી શક્તિ પેદા થાય છે જે આખા વિશ્વને પ્રભાવિત કરી શકે છે.
આવનારા સમયમાં Sarvam AIમાં ‘વોઇસ ક્લોનિંગ’ અને વધુ એડવાન્સ ફીચર્સ ઉમેરવામાં આવશે. ભારત હવે AIની આ વૈશ્વિક રમતનો નવો ખેલાડી નથી, પણ તે હવે રમતનો નિયમ નક્કી કરનાર (Rule-maker) બનવા જઈ રહ્યું છે.


