
ચૂંટણી પંચે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના દ્વિતીય ચરણની સત્તાવાર ઘોષણા કરી છે. જે અનુસાર 12 રાજ્યોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સોમવારે (27 ઑક્ટોબર) પાટનગર દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં ચૂંટણી પંચે આ જાહેરાત કરી.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે બિહારમાં સફળતાપૂર્વક SIR પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચૂંટણી પંચે દિલ્હીમાં બે તબક્કામાં દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 36 મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે મળીને દેશવ્યાપી SIR માટે સમીક્ષા-વિચારણા હાથ ધરી હતી અને ત્યારબાદ બીજા તબક્કામાં કુલ 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ રાજ્યોમાં હાથ ધરવામાં આવશે SIR પ્રક્રિયા
આંદામાન નિકોબાર (UT), છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ (UT), મધ્ય પ્રદેશ, પોંડિચેરી (UT), રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ.
#SIRPhase2 Schedule #ECI #SIR pic.twitter.com/dkm1VHoVgj
— Election Commission of India (@ECISVEEP) October 27, 2025
દ્વિતીય તબક્કામાં હાથ ધરવામાં આવનાર SIR નિયત સમયસીમા હેઠળ પૂર્ણ કરવામાં આવશે. પ્રિન્ટિંગ અને ટ્રેનિંગ 28 ઑક્ટોબરથી 3 નવેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ડોર ટૂ ડોર પ્રક્રિયાઓ ચાલશે. 9 ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો પ્રથમ ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવશે. ત્યારબાદ 8 જાન્યુઆરી સુધી વાંધા અરજીઓ મંગાવવામાં આવશે. 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તમામ પ્રક્રિયાઓને અંતે 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે.

