હોમપેજદુનિયા‘નેપો કિડ્સ’ના વાયરલ વિડીયો, ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્રોશ અને સોશિયલ મીડિયા પ્રતિબંધ: નેપાળમાં...

‘નેપો કિડ્સ’ના વાયરલ વિડીયો, ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્રોશ અને સોશિયલ મીડિયા પ્રતિબંધ: નેપાળમાં 24 કલાકમાં પલટાઈ સત્તા, પણ બહુ પહેલાં વવાયાં હતાં બી

આ પ્રદર્શનમાં ‘નેપો કિડ્સ’ની પણ ભારે ચર્ચા છે. આ અંગ્રેજી શબ્દોનો અર્થ થાય નેતાઓ, મંત્રીઓ અને હાઈપ્રોફાઈલ ધનિક વ્યક્તિઓનાં બાળકો. નેપાળના સોશિયલ મીડિયા પર આ નેપો કિડ્સના અનેક વિડીયો, ફોટો ફરતા થઈ ગયા હતા અને જેનાથી સામાન્ય લોકોમાં, યુવાનોમાં આક્રોશ વધતો ગયો. 

- Advertisement -

પાડોશી દેશ નેપાળમાં બે દિવસ પહેલાં જે પ્રદર્શનો થયાં તેના કારણે સરકાર પડી ભાંગી. સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં દેશના યુવાનો અને ખાસ કરીને જનરેશન-ઝી (1997થી 2010-12 વચ્ચે જન્મેલાઓ) રસ્તા પર ઉતરી આવ્યા એવી ચર્ચા ચાલે છે પણ કારણ માત્ર સોશિયલ મીડિયા પ્રતિબંધ નથી. આ એક ટ્રિગર પોઈન્ટ સાબિત થયું, અન્યથા નેપાળમાં સરકાર, હાઈપ્રોફાઈલ વ્યક્તિઓના ભ્રષ્ટાચાર વિરુદ્ધ અગાઉ પણ ઘણાં પ્રદર્શનો થઈ ચૂક્યાં છે, પણ ત્યારે સ્થિતિ આટલી વણસી ન હતી. 

નેપાળમાં સ્થાયી થયેલા ભારતીયો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે પાડોશી દેશમાં કાયમ બે-ત્રણ નેતાઓ સરકાર બનાવતા રહ્યા છે. પરંતુ તમામ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહ્યા છે, જેના કારણે હવે લોકોને કોઈની ઉપર પૂર્ણ વિશ્વાસ રહ્યો નથી. અગાઉ પણ સરકાર સામે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો થયાં હતાં. ઉપરાંત રાજાશાહી પરત લાવવાની માંગ પણ ઉઠતી રહી છે, તેનું કારણ પણ સરકારોનો વધતો જતો ભ્રષ્ટાચાર જ છે. 

આ પ્રદર્શનમાં ‘નેપો કિડ્સ’ની પણ ભારે ચર્ચા છે. આ અંગ્રેજી શબ્દોનો અર્થ થાય નેતાઓ, મંત્રીઓ અને હાઈપ્રોફાઈલ ધનિક વ્યક્તિઓનાં બાળકો. નેપાળના સોશિયલ મીડિયા પર આ નેપો કિડ્સના અનેક વિડીયો, ફોટો ફરતા થઈ ગયા હતા અને જેનાથી સામાન્ય લોકોમાં, યુવાનોમાં આક્રોશ વધતો ગયો. 

- Advertisement -

વાયરલ વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ તેમાં નેતાઓ-મંત્રીઓનાં સંતાનોની લક્ઝરી લાઇફસ્ટાઇલો જોવા મળી છે. મોંઘીદાટ કારો લઈને ફરતા, લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવતા અને ક્લબોમાં પાર્ટી કરતા આ યુવાનો સાથે નેપાળના યુવાનો પોતાને સરખાવી રહ્યા છે અને પ્રશ્નો કરી રહ્યા છે કે બંને વચ્ચે આટલી અસમાનતા કેમ છે? તેઓ આના માટે આ નેપો કિડ્સનાં મા-બાપના ભ્રષ્ટાચારને કારણભૂત ગણાવી રહ્યા છે. 

એક તરફ નેપાળના સામાન્ય લોકોમાં ગરીબીનું પ્રમાણ વધુ છે અને બીજી તરફ આવાં નેપો કિડ્સના વૈભવી જીવનના વિડીયો સતત સોશિયલ મીડિયા પર ફરતા રહ્યા. જેનાથી લોકોમાં, યુવાનોમાં અસંતોષ વધ્યો. સાથે ઓલી સરકાર પર પણ સવાલો ઉઠવાના શરૂ થયા, જેમની ઉપર પણ સંબંધીઓ અને નજીકના સાથીઓનાં સંતાનોને લાભ પહોંચાડવાના આરોપો લાગતા જ રહ્યા છે. 

દરમ્યાન અમુક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા. જેમકે, એક મોટા નેતાના પુત્રને સરકારી મંત્રાલયમાં ઊંચું પદ આપવામાં આવ્યું હતું. જેની પણ સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ હતી. અન્ય એક નેતાની પુત્રી ફિલ્મજગતમાં નસીબ અજમાવતી જોવા મળી. ઉપરાંત, અન્ય એક મોટા અધિકારીનો પુત્ર બેન્ક ફ્રોડ કરતો પકડાયો હતો. આ બધા કિસ્સાઓએ અસંતોષમાં ઇંધણ રેડવાનું કામ કર્યું. 

નેપાળમાં રહેતા ભારતીય સૂત્રો જણાવે છે કે સોશિયલ મીડિયા પર વધતી જતી આ બધી ચર્ચાઓને ડામવા જ સરકારે અમુક પ્રતિબંધો લાદ્યા હતા. જોકે સત્તાવાર રીતે સરકારે જાણકારી એવી આપી કે અમુક સોશિયલ મીડિયા સાઇટો તેમના નિયમોનું પાલન ન કરી રહી હોવાથી આ પગલાં ભરવાં પડ્યાં છે. સરકારે જણાવ્યું કે અમુક યુઝરો ફેક આઈડી બનાવીને હેટ સ્પીચ અને ફેક ન્યૂઝને પ્રોત્સાહન આપતા હતા અને ફ્રોડના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. જેમની સામે પગલાં લેવા માટે સોશિયલ મીડિયા કંપનીઓને જણાવવામાં આવ્યું, પણ આદેશનું પાલન કરવામાં ન આવ્યું, જેથી નિર્ણય લેવો પડ્યો. 

બીજી તરફ, સરકારે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરતાં છેલ્લા ઘણા સમયથી જે કેમ્પેઈન ચાલતાં હતાં તેમણે ગતિ પકડી અને યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા. ત્યારબાદ જે થયું એ દુનિયાએ જોયું. પ્રદર્શકારીઓએ હિંસા પર ઉતરી આવ્યા, પોલીસ સાથે ઘર્ષણ થયું અને તેમાં 19નાં મોત થયાં. ત્યારબાદ સરકારે સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવવાની ઘોષણા તો કરી, પરંતુ પછી પણ પ્રદર્શનો ચાલુ જ રહ્યાં. આખરે વડા પ્રધાને રાજીનામું આપવું પડ્યું. હવે અહીં વચગાળાની સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં