ઓડિશામાં (Odisha) એક 19 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ઓડિશા પોલીસે કોંગ્રેસના (Congress) વિદ્યાર્થી સંગઠન NSUIના પ્રદેશ પ્રમુખ ઉદિત પ્રધાનની ધરપકડ કરી છે. પ્રધાન પર યુવતીને નશીલા પદાર્થોનું સેવન કરાવી તેના પર બળાત્કાર ગુજારવાનો આરોપ છે. ધરપકડ બાદ NSUIએ પ્રધાનને તમામ પદ પરથી સસ્પેન્ડ કરી દીધો છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, ઓડિશામાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીએ રવિવારે (20 જુલાઇ) મંચેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, ઉદિત પ્રધાને 18 માર્ચના રોજ તેને ડિનર પર બોલાવી ત્યાં કોલ્ડડ્રિંક પીવડાવ્યું હતું. યુવતીના આરોપો અનુસાર આ પીણામાં પ્રધાને માદક દ્રવ્ય ભેળવી દીધું હતું, જેથી તે પીધા બાદ ચક્કર આવતાં તેણે પ્રધાનને ઘરે મૂકી જવા કહ્યું હતું, પરંતુ યુવતીને ઘરે મૂકવાની જગ્યાએ તે તેને એક સ્થાનિક હોટેલમાં લઈ ગયો હતો અને આરોપ છે કે અહીં દુષ્કર્મ આચરવામાં આવ્યું.
યુવતીએ જણાવ્યું કે આ ઘટના ચાર મહિના પહેલાં બની હતી, પરંતુ આરોપી ઉદિતે તેને કોઈને પણ કહેવા કે ફરિયાદ કરવા પર મારી નાખવાની ધમકી આપી હતી, જેથી તેની હિંમત થતી ન હતી. પરંતુ હવે જ્યારે અન્ય મહિલાઓ પણ સામે આવી રહી છે, જેથી તેની હિંમત ખુલી છે. આ બાબત તેણે ફરિયાદમાં પણ જણાવી છે.
ઉદિતની ધરપકડ, કઈ કલમો હેઠળ નોંધાયો ગુનો?
યુવતીની ફરિયાદ બાદ પોલીસે ગુનો દાખલ કરીને આરોપી ઉદિત પ્રધાનની ધરપકડ કરી લીધી છે. કોંગ્રસ નેતા ઉદિત પ્રધાન પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 (1) (બળાત્કાર), કલમ 123 (ઝેરી પદાર્થથી નુકસાન), 296 (અશ્લીલ કૃત્ય), 74 (મહિલા સાથે બળજબરી) અને કલમ 351 (2) (ધમકી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આગળની કાર્યવાહી કરતાં તેને સોમવારે (21 જુલાઇ) કોર્ટ સમક્ષ રજૂ કરશે.
આરોપી ઉદિત પ્રધાન કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાનો (NSUI) પ્રદેશ પ્રમુખ છે. જેથી મામલો પ્રકાશમાં આવતાં જ હોબાળો મચી ગયો. ત્યારબાદ NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરીએ પ્રધાનને પ્રદેશ પ્રમુખના પદ પરથી હટાવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે ઓડિશામાં બાલાસોરની એક કોલેજમાં યૌનશોષણથી પ્રતાડિત એક યુવતીએ આત્મદાહનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ મામલે કોંગ્રેસ રાજ્યની ભાજપ સરકારને ઘેરી રહી હતી, ત્યારે તેમની જ પાર્ટીના નેતાની બળાત્કારના આરોપ સાથે ધરપકડ થઈ છે. આ કેસમાં ઓડિશા કોંગ્રેસે એક ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી છે, જે ઉદિત પ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલા આરોપોની તપાસ કરીને રિપોર્ટ સુપરત કરશે.
Shameful but not surprising.
— Amit Malviya (@amitmalviya) July 21, 2025
Udit Pradhan, the Odisha State President of Congress’s student wing, has been arrested for the rape of a 19-year-old engineering student in Bhubaneswar.
This comes close on the heels of another horrific case — where student leaders from both BJD and… pic.twitter.com/MqL0qIqokE
આ મામલે ભાજપ નેતા અમિત માલવિયાએ બીજુ જનતા દળ(BJD) અને કોંગ્રેસને ઘેરી છે. તેમણે x પર પોસ્ટ કરતાં લખ્યું કે, “શરમજનક પણ આશ્ચર્યજનક નથી! કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના ઓડિશા રાજ્ય પ્રમુખ ઉદિત પ્રધાનની ભુવનેશ્વરમાં 19 વર્ષીય એન્જિનિયરિંગ કરતી વિદ્યાર્થીની પર બળાત્કાર બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ગંભીર ઘટના એ ઘટના બાદ સામે આવી રહી છે જેમાં BJD અને કોંગ્રેસ બંનેના વિદ્યાર્થી નેતાઓ બાલાસોર જાતીય હુમલાનો ભોગ બનેલી યુવતીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં સામેલ હતા.” તેમણે વધુમાં કહ્યું કે, “સવાલ એ છે કે આ પક્ષો તેમના નેતાઓને ક્યાં સુધી બચાવતા રહેશે? હજુ કેટલી દીકરીઓએ આ તકલીફ વેઠવી પડશે? કોંગ્રેસનું મૌન એક રીતે આવા ગુનાઓમાં સહમતી આપવા જેવું છે.”
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઓડિશામાં બાલાસોર સ્થિત એક કોલેજના કેમ્પસમાં એક વિદ્યાર્થિનીએ યૌનશોષણ મામલે આત્મદાહ કર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું, જે પછી થોડા જ દિવસોમાં આ જ પ્રકારની બીજી એક ઘટના બની હતી, જેમાં પુરીમાં એક 15 વર્ષીય સગીરાને ત્રણ ઇસમોએ પકડીને બાંધીને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગઈ હતી.


