‘ઇન્ટેલિજન્સ ફેલ્યોર થયું છે, પણ અત્યારે એ ચર્ચા પ્રાથમિકતા ન હોવી જોઈએ’: કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ઇઝરાયેલનું ઉદાહરણ આપીને સમજાવ્યું– કોઈ દેશ પાસે નથી ફૂલપ્રૂફ ઇન્ટેલિજન્સ

પહલગામ આતંકવાદી હુમલા બાદ ઈન્ટેલિજન્સ ફેલ્યોરની ચાલતી ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે નિવેદન આપતાં કહ્યું કે, અત્યારે પ્રાથમિકતા પાકિસ્તાનને જવાબ આપવાની હોવી જોઈએ, સરકાર સ્વાભાવિક રીતે પછીથી પોતાની રીતે આ બાબતે તપાસ કરશે. સાથે એમ પણ કહ્યું કે, કોઈ દેશનું ઇન્ટેલિજન્સ ફૂલ પ્રૂફ હોતું નથી એ પણ એક હકીકત છે. તેના માટે તેમણે ઇઝરાયેલનું ઉદાહરણ આપ્યું. 

થરૂરે કહ્યું, “જ્યાં સુધી ઇન્ટેલિજન્સ ફેલ્યોરની વાત છે, સ્વાભાવિક રીતે ફૂલ પ્રૂફ ઇન્ટેલિજન્સ ન હતું અને અમુક ખામીઓ રહી ગઈ એ હકીકત છે. પણ પ્રશ્ન એ છે કે આ બાબતની અત્યારે તપાસ કરવી એ પ્રાથમિકતા હોવી જોઈએ કે એક જબરદસ્ત જવાબ આપવો એ પ્રાથમિકતા હોવી જોઈએ. તપાસ થવી જ જોઈએ અને એ સરકારની જવાબદારી પણ છે અને મને આશા છે કે તેઓ તેમ કરશે પણ.”

તેમણે આગળ કહ્યું, “આપણી પાસે ઇઝરાયેલનું ઉદાહરણ છે. તેમની પાસે દુનિયાની સર્વશ્રેષ્ઠ ઈન્ટેલિજન્સ સર્વિસ હોવાનું કહેવાય છે. પણ બે વર્ષ પહેલાં જ 7 ઑક્ટોબરનો હુમલો તેઓ ખાળી ન શક્યા. પણ જે રીતે ઇઝરાયેલ અત્યારે આ જવાબદેહી નક્કી કરવા માટે આ યુદ્ધ ખતમ થવાની રાહ જોઈ રહ્યું છે, એ જ રીતે આપણે પણ આ વર્તમાન સમસ્યા છે એ ખતમ થઈ જાય પછી સરકારને પ્રશ્નો કરવા જોઈએ.”

શશિ થરૂરે એમ પણ કહ્યું કે, કોઈ પણ દેશ પાસે ફૂલપ્રૂફ 100% ઇન્ટેલિજન્સ હોતું નથી. અનેક આતંકવાદી હુમલાઓ સફળતાપૂર્વક ટાળી દેવામાં આવતા હશે, પણ આપણને ક્યારેય તે જાણવા મળતું નથી. જેમાં નિષ્ફળતા મળે તેના વિશે જ જાણવા મળે છે. કોઈ પણ દેશમાં આ સામાન્ય બાબત છે. નિષ્ફળતા મળી છે એ તો આપણે જાણીએ છીએ, પણ અત્યારે એ બાબત કેન્દ્રમાં ન હોવી જોઈએ.”