પ્રસિદ્ધ શૅર બ્રોકર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને સવારે 6:45 વાગ્યે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલે તેમના અવસાનની પુષ્ટિ કરી છે.
Billionaire veteran investor and Akasa Air founder Rakesh Jhunjhunwala passes away at the age of 62 in Mumbai pic.twitter.com/36QcRfHXsa
— ANI (@ANI) August 14, 2022
રાકેશ ઝુનઝુનવાલાને બીમારીના કારણે થોડા સમય પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ 10-15 દિવસ અગાઉ જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, આજે તબિયત વધુ લથડતાં ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ભારતના વૉરેન બફેટ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલા એક ટ્રેડર હોવા ઉપરાંત ચાર્ટડ અકાઉન્ટન્ટ પણ હતા. તેઓ દેશના સૌથી આમિર વ્યક્તિઓ પૈકીના એક ગણાતા હતા. તેઓ હંગામા મીડિયા અને એપ્ટકના અધ્યક્ષ ઉપરાંત વાઇસરોય હોટેલ્સ, કોનકોર્ડ બાયોટેક, પ્રોવોગ ઇન્ડિયા અને જિયોજિત ફાયનાન્સિયલ સર્વિસીઝના ડાયરેક્ટર પણ હતા.
મુખ્યત્વે તેઓ શેર બજારમાં મોટા રોકાણકાર તરીકે જાણીતા હતા. તેમણે શરૂઆત માત્ર 5 હજાર રૂપિયાથી કરી હતી અને આજે ચાળીસ હજાર કરોડ રૂપિયા જેટલી નેટવર્થ ધરાવતા હતા. તેમની આ સફળતાના કારણે જ તેમને ઇન્ડિયન સ્ટોક માર્કેટના બિગબુલ પણ કહેવાતા હતા.
શેર માર્કેટમાં જબરદસ્ત સફળતા બાદ તેઓ એરલાઇન સેક્ટરમાં પણ પ્રવેશી ચૂક્યા હતા. તેમણે નવી એરલાઇન કંપની આકાસા એરમાં મોટું રોકાણ કર્યું હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે. અકાસા એરલાઇન્સની પહેલી કમર્શીય ફલાઇટે મુંબઈથી અમદાવાદ માટે ઉંડાણ ભરી હતી. જે બાદ 13 ઓગસ્ટથી અનેક અન્ય રૂટ્સ પર પણ કંપનીએ પોતાની સર્વિસની શરૂઆત કરી છે.
ઝુનઝુનવાલા જ્યારે કોલેજમાં હતા ત્યારથી તેમણે શેરબજારમાં નસીબ અજમાવવાનું શરૂ કર્યું હતું. પિતાના મિત્રોને શેર બજારની ચર્ચા કરતા સાંભળીને તેમને પણ રસ જાગ્યો હતો. તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટડ અકાઉન્ટન્ટસ ઑફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે 1985માં પાંચ હજાર રૂપિયા સાથે પહેલીવાર રોકાણ કર્યું હતું. આ રકમ 2018માં વધીને 11 હજાર કરોડ રૂપિયા થઇ ગઈ. રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયા બાદ દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.