બાંગ્લાદેશમાં (Bangladesh) થઈ રહેલી હિંદુવિરોધી હિંસાના (Anti-Hindu Violence) પડઘા હવે ભારતમાં (India) પણ પડી રહ્યા છે. ભારતના લોકોએ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ બાંયો ચડાવી હોવાનું સામે આવ્યું છે. સૌથી પહેલાં કોલકાતા અને ત્રિપુરાની (Tripura) હોસ્પિટલોએ બાંગ્લાદેશીઓની સારવાર માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ હવે ત્રિપુરાના હોટેલ-રેસ્ટોરન્ટ્સમાં (Hotel-Restaurants) બાંગ્લાદેશીઓની (Bangladeshis) એન્ટ્રી પ્રતિબંધિત કરી દીધી છે. હોટેલ અને રેસ્ટોરન્ટ્સ એસોસિયેશને સંયુક્ત બેઠક બાદ આ મહતવપૂર્ણ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
ત્રિપુરાના હોટેલ-રેસ્ટોરન્ટ્સમાં હવે બાંગ્લાદેશીઓને એન્ટ્રી મળી શકશે નહીં. ‘ઑલ ત્રિપુરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન’એ (ATHROA) 2 ડિસેમ્બરના (સોમવાર) રોજ ઇમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં બાંગ્લાદેશી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારની ટીકા કરવામાં આવી હતી અને રાજ્યભરની હોટેલોમાં બાંગ્લાદેશીઓને પ્રતિબંધિત કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેથી કરીને હવે બાંગ્લાદેશીઓને ત્રિપુરાની હોટેલોમાં રહેવા કે જમવાની વ્યવસ્થા આપવામાં આવશે નહીં.
‘કટ્ટરપંથીઓએ હદ પાર કરી નાખી’
ATHROAના જનરલ સેક્રેટરી સૈકત બંદોપાધ્યાયે કહ્યું છે કે, “બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. પહેલાં પણ આવી ઘટનાઓ થતી જ હતી, પરંતુ હવે કટ્ટરપંથીઓએ હદ પાર કરી નાખી છે. અમે બાંગ્લાદેશી લઘુમતીઓ સાથે થઈ રહેલા અત્યાચારની કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ.” આ સાથે જ એસોસિયેશને એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હવે પછીથી રાજ્યની કોઈપણ હોટેલ કે રેસ્ટોરન્ટમાં બાંગ્લાદેશીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.
અહીં નોંધવા જેવું છે કે, કોલકાતા અને ત્રિપુરાના હોસ્પિટલોએ પણ બાંગ્લાદેશીઓની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો છે. ત્રિપુરાની ILS હોસ્પિટલે શનિવારે બાંગ્લાદેશીઓની સારવાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ મોટાભાગની હોસ્પિટલોએ બાંગ્લાદેશીઓની સારવારનો ઇનકાર કરી દીધો છે. કોલકાતાની હોસ્પિટલોએ એક શરત પણ રાખી છે કે, માનવતાની દ્રષ્ટિએ જો કોઈ ગંભીર બીમાર જણાશે તો તેના પરિજનોએ પહેલાં ભારતીય રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડશે, તે બાદ જ સારવાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાના રાજીનામાં બાદથી હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ઇસ્લામી કટ્ટરપંથીઓએ અનેક હિંદુ મંદિરો પર હુમલા કર્યા છે અને તોડફોફ પણ કરી છે. તાજેતરમાં જ ISKCONના અનેક સંતો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે દુનિયાભરના હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારતે પણ આધિકારિક રીતે બાંગ્લાદેશને આ તમામ સ્થિતિઓ સુધારવા માટેની ટકોર કરી છે.