બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુ વિરોધી હિંસા (Anti-Hindu violence) અટકવાનું નામ નથી લઈ રહી. ઇસ્લામી કટ્ટરપંથીઓ વીણીવીણીને હિંદુઓને ટાર્ગેટ કરી રહ્યા છે. ખાસ કરીને ISKCON સાથે જોડાયેલા ભક્તોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમના પર હુમલા પણ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ઘટનાઓને ધ્યાને રાખીને હવે ISKCONએ હિંદુ ભક્તોને સલાહ (Advice) આપવી પડી છે. ISKCON કોલકાતાએ (Kolkata) પોતાના અનુયાયીઓની સુરક્ષાને ધ્યાને રાખીને કહ્યું છે કે, તેઓ બાંગ્લાદેશમાં ના તો તિલક (Tilak) લગાવે અને ના તો ભગવા વસ્ત્રો (ભગવો) (Saffron) પણ પહેરે. ISKCONએ સાધુઓને સલાહ આપી છે કે, તેઓ તેમના ભગવાનની પૂજા પણ છુપાઈને કરે.
ISKCON કોલકાતાના પ્રવક્તા અને ઉપાધ્યક્ષ રાધારમણ દાસે (RadhaRaman Das) બાંગ્લાદેશમાં રહેલા ISKCONના સાધુઓ અને ભક્તોને પોતાની સુરક્ષાને પ્રાથમિકતા પર રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, “હું તમામ સાધુઓ અને સભ્યોને સલાહ આપું છું કે, સંકટના આ સમયમાં તેમણે પોતાનો સ્વબચાવ કરવા અને સંઘર્ષથી બચવા માટે ખૂબ સતર્ક રહેવું પડશે. મેં તેમને ભગવા વસ્ત્રો પહેરવા અને મસ્તક પર તિલક લગાવવાની ના કહી છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “જો તેમને ભગવા વસ્ત્ર અને તુલસીની માળા પહેરવાની જરૂર જણાય, તો તેમણે તેને બાકીના કપડાની અંદર છુપાવીને પહેરવું જોઈએ અને તે ગળાની આસપાસ દેખાતું પણ ન હોવું જોઈએ. જો શક્ય હોય તો તેમણે તેમનું મસ્તક પણ ઢાંકીને રાખવું જોઈએ. એકંદરે, તેમણે તે દરેક સંભવિત પગલાં લેવા જોઈએ જેથી કરીને તેઓ સાધુ જેવા ન દેખાય.”
રાધારમણ દાસે કહ્યું કે, છેલ્લા અઠવાડિયામાં બાંગ્લાદેશમાં અસંખ્ય સાધુઓ અને ISKCONના અનુયાયીઓને ધમકીઓ મળી છે. તેમણે કહ્યું છે કે, આવા સમયે સુરક્ષા માટે જે પણ પગલાં જરૂરી હોય તે લેવા જોઈએ. તેમણે બાંગ્લાદેશમાં સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, થોડા દિવસો પહેલાં સુધી તેમના સચિવ સાથે વાત થઈ શકતી હતી, પરંતુ વિતેલા કેટલાક દિવસોમાં તો તે પણ શક્ય બની શક્યું નથી.
નોંધનીય છે કે, બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઇસ્લામી કટ્ટરપંથીઓ ઘણી જગ્યાએ હિંદુ મંદિરો પર હુમલા કરી રહ્યા છે, તેમણે ISKCONની ઘણી શાખાઓ પણ બંધ કરી દીધી છે. ઇસ્લામી કટ્ટરપંથીઓ સતત ISKCONણા લોકોને નિશાન બનાવી રહ્યા છે. હાલમાં જ યુનુસ સરકારે તમામ દસ્તાવેજો હોવા છતાં બાંગ્લાદેશથી 63 સાધુઓને ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તે પહેલાં ચિન્મય કૃષ્ણ દાસને જામીન પણ આપવામાં આવ્યા ન હતા. ઇસ્લામી કટ્ટરપંથીઓનો વિરોધ કરનારા હિંદુઓને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.