ખેડૂતો (Farmers) તેમની માંગણીઓને લઈને ફરીથી દિલ્હી (Delhi) કૂચ કરવાની યોજના બનાવી લીધી છે. 2 ડિસેમ્બરે ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) નોઈડા, ગ્રેટર નોઈડા અને યમુના ક્ષેત્રના ગામડાના ખેડૂતો કિસાન મોરચાના બેનર હેઠળ દિલ્હી કૂચ કરી ચુક્યા છે. આ અગાઉ સત્તાધીશો અને ખેડૂતો વચ્ચે 3 કલાકની બેઠક યોજાઈ હતી, પરંતુ તેમાંથી કોઈ સકારાત્મક નિષ્કર્ષ ન નીકળતાં ખેડૂતોએ દિલ્હી કૂચ કરી સંસદનો (Parliament) ઘેરાવ કરવાની યોજના બનાવી હતી. જેના કારણે ટ્રાફિક અને પરિવહનને ઘણી હાલાકી સર્જાય એવી પરિસ્થિતિ ઉભી રહી છે. જોકે, મામલે પોલીસ પણ કડક બંદોબસ્ત કરી રહી છે.
ખેડૂતોએ પોલીસ, જિલ્લા મેજિસ્ટ્રેટ, ગ્રેટર નોઇડા ઓથોરિટી, નોઇડા ઓથોરિટી અને યમુના ઓથોરિટીના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં તેમની માંગો મૂકી હતી. જોકે વહીવટી તંત્રએ આ માંગણીઓનો અસ્વીકાર કરતાં ખેડૂતોએ દિલ્હી કૂચ કરવાની યોજના બનાવી હતી. ખેડૂત નેતાઓએ વહીવટીતંત્ર સમક્ષ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તે તેમની માંગણીઓ સાથે દિલ્હી કૂચ કરશે અને સંસદનો ઘેરાવ કરશે. જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.
ઉલ્લેખનીય છે કે આંદોલનકારીઓ જે માંગણીઓ કરી રહ્યા છે તેમાં સમગ્ર રાજ્યની જેમ ગૌતમ બુદ્ધ નગરમાં પણ જમીન માટે 4 ગણું વળતર ચૂકવવાની માંગ કરી છે. આ ઉપરાંત ખેડૂતો સર્કલ રેટમાં પણ વધારો કરવાની માંગ કરી રહ્યા છે, જે છેલ્લા 10 વર્ષથી વધારવામાં આવ્યો નથી. આ સિવાય ખેડૂતો વિકસિત જમીનના 10 ટકા હિસ્સાની માંગ, હાઇ પાવર કમિટીની ભલામણો અને નવો જમીન સંપાદન કાયદાના લાભ મેળવવા સહિતની માંગોનો સમાવેશ થાય છે.
#WATCH | Noida, Uttar Pradesh: Massive traffic snarl at DND flyway as farmers from Uttar Pradesh are on a march towards Delhi starting today. pic.twitter.com/HPVgEiRQUV
— ANI (@ANI) December 2, 2024
નોંધનીય છે કે 2 ડિસેમ્બરે નોઈડા, ગ્રેટર નોઈડા અને યમુના ક્ષેત્રના ગામડાના ખેડૂતો કિસાન મોરચાના બેનર હેઠળ દિલ્હી તરફ કૂચ કરી ચૂક્યા છે. ત્યારે આ મામલે પોલીસ પણ સચેત છે અને અસરગ્રસ્ત વિસ્તારો માટે ટ્રાફિક એડવાઈઝરી પણ બહાર પાડી છે. ઉત્તરપ્રદેશ બાદ પંજાબ અને હરિયાણા આંદોલનકારીઓ 6 ડિસેમ્બરે દિલ્હી કૂચ કરવાના છે. જેમાં ખેડૂત નેતા સતનામ સિંઘ પન્નુ, સુરિન્દર સિંઘ ચૌટાલા, સુરજીત સિંઘ ફૂલ અને બલજિંદર સિંઘનો સમાવેશ થાય છે.
ખેડૂતોની દિલ્હી કૂચ કરવાના પગલે પરિવહનમાં મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. અહેવાલો મુજબ ઉત્તર પ્રદેશના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી ચુક્યા છે, જેના કારણે DND ફ્લાયવે પર લાંબો જામ છે. આ અગાઉ 13 ફેબ્રુઆરીથી સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાના આંદોલનકારીઓ શંભુ અને ખનૌરી બોર્ડર જામ કરીને ધરણા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ખેડૂતોની માંગણીઓ સામે કેન્દ્ર સરકારે તેમનો પ્રસ્તાવ મુક્યો હતો જે ખેડૂત નેતાઓએ સ્વીકાર્યો નહોતો. ત્યારે હવે આ માંગણીઓ સાથે ખેડૂતો દિલ્હીને ઘેરવા જઈ રહ્યા છે.