1976માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલ ઇમરજન્સી (Emergency) દરમિયાન લોકોના મંતવ્ય વિના અને 42મો બંધારણીય સુધારો લાગુ કરીને ભારતના સંવિધાનના આમુખમાં (Preamble of Constitution) ‘પંથનિરપેક્ષ’ (Secular) અને ‘સમાજવાદી’ (Socialist) શબ્દો ઉમેરવામાં આવ્યા હતા જેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 25 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ અરજીઓ ફગાવી દીધી હતી.
આ મામલે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. દરમિયાન તેમણે કહ્યું કે અરજીઓ પર વિગતવાર સુનાવણીની કોઈ જરૂર નથી. CJI ખન્નાએ કહ્યું કે કહ્યું હતું કે આટલા વર્ષો પછી પ્રક્રિયાને રદ કરી શકાય નહીં. આપેલ ચુકાદામાં ‘સમાજવાદી’ અને ‘પંથનિરપેક્ષ’ શબ્દના અર્થ પણ સમજાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે CJI ખન્નાએ કહ્યું હતું કે, “આટલા વર્ષો વીતી ગયા છે, હવે આ મુદ્દો શા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે?” રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય અને અન્યો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર બેન્ચે 22 નવેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ અરજીમાં બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દોના સમાવેશને પડકારવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “ભારતમાં આપણે સમાજવાદને જે રીતે સમજીએ છીએ તે અન્ય દેશો કરતાં ખૂબ જ અલગ છે. આપણા સંદર્ભમાં સમાજવાદનો અર્થ કલ્યાણકારી રાજ્ય એટલો જ થાય છે. તેણે (સમાજવાદ) ખાનગી ક્ષેત્રને ક્યારેય રોક્યું નથી, તેથી તે સારી રીતે વિકાસ કરી શકે છે. આનાથી આપણને બધાને ફાયદો થયો છે. સમાજવાદનો ઉપયોગ એક અલગ સંદર્ભમાં થાય છે, જેનો અર્થ છે કે તે લોકોના કલ્યાણ માટે ઊભા રહેવું જોઈએ અને તકોની સમાનતા પ્રદાન કરવી જોઈએ.”
આ મામલે સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને એવી દલીલ કરી હતી કે, “આ સુધારો કટોકટી દરમિયાન લોકોની વાત સાંભળ્યા વિના જ કરવામાં આવ્યો હતો. આ શબ્દોનો સમાવેશ કરવો એ લોકોને અમુક વિચારધારાઓનું પાલન કરવા માટે દબાણ કરવા સમાન હશે. જ્યારે પ્રસ્તાવના કટ-ઓફ તારીખ સાથે આવે છે તો પછી તેમાં બીજા શબ્દો કેવી રીતે ઉમેરી શકાય.” તેમણે આ કેસમાં વિગતવાર સુનાવણી માટે મોટી ખંડપીઠ પર વિચાર કરવા પણ કહ્યું હતું.
જોકે, સુપ્રીમ કોર્ટે તેમની આ માંગ ફગાવીને અરજીઓ ફગાવી દીધી હતી. નોંધનીય છે કે જયારે વર્ષ 1976માં કોંગ્રેસ નેતા અને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી ત્યારે વિપક્ષના નેતાઓ સહિત સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન જ ઇન્દિરા ગાંધી દ્વારા તાત્કાલિક ધોરણે 42મો બંધારણીય સુધારો લાગુ કરીને મૂળ બંધારણના આમુખમાં આ બંને શબ્દો ઉમેરાયા હતા. ઘણા વર્ષોથી અનેક સંગઠનો આ શબ્દો દૂર કરવાની માંગ કરતા આવ્યા છે.