Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ : યુવતીની સરાજાહેર હત્યા કરી નાંખનાર ફેનિલને ફાંસીની...

    ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ : યુવતીની સરાજાહેર હત્યા કરી નાંખનાર ફેનિલને ફાંસીની સજા

    કોર્ટે નોંધ્યું હતું કે, “આજની પેઢી મોબાઈલમાં રચીપચી રહે છે અને હિંસક વેબ સિરીઝો જોવાનું પ્રમાણ પણ વધ્યું છે. જેના કારણે તેમની માનસિકતા પર ખૂબ મોટી અસર થાય છે."

    - Advertisement -

    સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ મામલે આખરે કોર્ટે ગુનેગાર ફેનિલ ગોયાણીને સજા ફટકારી છે. ગત 21 એપ્રિલે કોર્ટે ફેનિલ ગોયાણીને દોષી ઠેરવ્યા બાદ આજે કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.

    ચુકાદો આપતા કોર્ટે આ ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવ્યો હતો. ઉપરાંત ચુકાદાની શરૂઆત મનુસ્મૃતિના એક શ્લોકથી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, “દંડ આપવો સરળ નથી. આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. મારી 28 વર્ષની કારકિર્દીમાં આવો પહેલો કેસ છે.” આ ઉપરાંત કોર્ટે નિર્ભયા કેસનો ઉલ્લેખ કરીને કઈ રીતે નિર્દયી હત્યા કરી નાંખવામાં આવી હતી તે પણ નોંધ્યું હતું. આ ઉપરાંત કોર્ટે ગ્રીષ્માની હત્યાના વિડીયોને પણ મહત્વના પુરાવા તરીકે ધ્યાને લીધો હતો.

    આ ઉપરાંત કોર્ટે નોંધ્યું હતું કે, “આજની પેઢી મોબાઈલમાં રચીપચી રહે છે અને હિંસક વેબ સિરીઝો જોવાનું પ્રમાણ પણ વધ્યું છે. જેના કારણે તેમની માનસિકતા પર ખૂબ મોટી અસર થાય છે. યુવાનોએ પોતાનો સમય સર્જનાત્મકતા તરફ આપવો જોઈએ, નહીં કે આવી પ્રવૃત્તિઓ પાછળ જે માનસિક રીતે નકારાત્મક વિચારો તરફ લઇ જાય.”

    - Advertisement -

    આ પહેલાં 22 મીએ આખો દિવસ દલીલ ચાલી હતી અને જેમાં સરકાર પક્ષેથી કહેવામાં આવ્યું હતું કે, અમારો કેસ માત્ર વિડીયો આધારિત નથી. આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હતો અને તેણે ગણતરીપૂર્વકની હત્યા કરી હતી. ઉપરાંત હત્યા પહેલાં તેણે રેકી પણ કરી હતી. એટલું જ નહીં તેણે યુવતીના પરિજનોની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.” સરકારે કહ્યું કે, દરેલ વાલિયો વાલ્મીકી બની શકતો નથી. આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને કડકમાં કડક સજા કરવામાં આવે તે જરૂરી છે.

    બચાવ પક્ષની દલીલ

    બીજી તરફ, બચાવ પક્ષે દલીલ કરી હતી કે, “આ કોઈ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નથી. આ છોકરો ગુનેગારોની સંગતમાં ફરતો હતો તેમ પણ નથી. હું બે હાથ જોડીને કહું છું કે સજા ઓછી કરો. વાલિયો વાલ્મીકી બનશે કે નહીં તે તો છૂટો મૂકશો પછી જ ખબર પડશે.” જે બાદ બચાવ પક્ષે ફેનિલની સજા ઓછી કરાવવા માટે અપીલ કરી હતી.

    12 ફેબ્રુઆરીએ ઘટના બની હતી

    તસવીર સાભાર: SidhiKhabar.com

    અત્રે ઉલ્લેખનીય છે કે ગત 12 મી ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરા પાટિયા ખાતે ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની સરાજાહેર ગળું કાપી નાંખીને હત્યા કરી નાંખી હતી. જે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

    ફેનિલ ગ્રીષ્માના ઘરે દોડી ગયો હતો અને ધમાલ મચાવી હતી. જે બાદ યુવતીના કાકા અને ભાઈ વચ્ચે પડતાં તેણે તેમની ઉપર પણ હુમલો કર્યો હતો તો યુવતી વચ્ચે આવતા તેને પકડી લઇ ગળા પર ચપ્પુ ધરી દીધું હતું. જે બાદ યુવતી કરગરતી રહી હતી અને ફેનિલે છરી ફેરવી દીધી હતી. યુવતી ઢળી પડ્યા બાદ તેણે પણ હાથની નસ કાપવાના પ્રયાસ કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં