Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પીરાણાની દરગાહ મૂળ હિંદુઓનું ધાર્મિક સ્થળ’: ઇમામશાહ ટ્રસ્ટનું હાઇકોર્ટમાં સોગંદનામું, 2 અઠવાડિયા...

    ‘પીરાણાની દરગાહ મૂળ હિંદુઓનું ધાર્મિક સ્થળ’: ઇમામશાહ ટ્રસ્ટનું હાઇકોર્ટમાં સોગંદનામું, 2 અઠવાડિયા બાદ થશે સુનાવણી

    ઇમામશાહ દરગાહના ટ્રસ્ટે કોર્ટના ચુકાદાને ટાંકીને કહ્યું છે કે, સંસ્થા મૂળ હિંદુઓની છે અને નામ માત્ર મુસ્લિમ છે.

    - Advertisement -

    અમદાવાદના પીરાણાની ઇમામશાહ દરગાહ મામલે ચાલતા કેસમાં દરગાહ ટ્રસ્ટ તરફથી હાઇકોર્ટમાં એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે. ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી કોર્ટને સોગંદનામું કરીને કહેવામાં આવ્યું છે કે, વાસ્તવમાં આ મૂળ ધાર્મિક સ્થળ હિંદુઓનું છે અને સંસ્થા ‘સતપંથીઓ’ની છે. આ મામલે હાઇકોર્ટે બે સપ્તાહ બાદ આગળની સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. 

    ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટે એફિડેવિટ રજૂ કરીને કહ્યું કે, પીરાણા સ્થિત આ સ્થળે 600 વર્ષ જૂની મસ્જિદ, દરગાહ અને મંદિરો આવેલાં છે. ટ્રસ્ટ કહે છે કે, આ સ્થળ મૂળભૂત રીતે મુસ્લિમ સંસ્થા છે તેમ કહેવું યોગ્ય ગણાશે નહીં અને તે હિંદુઓનું જ ધાર્મિક સ્થળ છે. તેમજ એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો સામેલ છે. 

    1939માં એક નીચલી કોર્ટે જારી કરેલ ચુકાદા અનુસાર મંજૂર કરવામાં આવેલ યોજનાના આધારે ટ્રસ્ટ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે પીરાણા મંદિર હિંદુ સતપંથીઓની સંસ્થા છે. 

    - Advertisement -

    આ ઉપરાંત, જણાવવામાં આવ્યું છે કે સૈયદ ટ્રસ્ટીઓ દ્વારા ધાર્મિક સ્થળને વક્ફ મિલ્કત જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી અને આ મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ તે નકારી દેવામાં આવી હતી. જે બાદ જિલ્લા કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ અપીલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તે પણ નામંજૂર રાખી હતી. 

    ટ્રસ્ટનો દાવો છે કે આ કેસમાં માત્ર નામ મુસ્લિમ છે પરંતુ સંસ્થા સતપંથીઓની છે. સાથે ટ્રસ્ટ દ્વારા કોર્ટનો એક હુકમ ટાંકવામાં આવ્યો છે, જેના આધારે જ તેઓ સંચાલન કરતા જોવાનું કહ્યું છે. તેમજ એમ પણ જણાવ્યું છે કે, ઇમામશાહ બાવાએ ગાદીની સ્થાપના કરી સૌથી પહેલા હિંદુને ગાદીપતિ બનાવ્યા હતા તેમજ હાલના ગાદીપતિ પણ હિંદુ છે. 

    ઉલ્લેખનીય છે કે ગત મે મહિનામાં મુસ્લિમ સંગઠન સુન્ની આવામ ફોરમે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની અરજી દાખલ કરીને ઇમામશાહ બાવા રોઝ ટ્રસ્ટ પર પીરાણાની દરગાહ અને આસપાસના મુસ્લિમ ધાર્મિક સ્થળોને હિંદુ સ્થળોમાં તબદીલ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત, સ્થળ પર મંદિર બનાવવાની કામગીરી પણ ચાલતી હોવાનું કહ્યું હતું અને પ્લેસ ઓફ વર્શિપ એક્ટ 1991ને ટાંકીને તેનો વિરોધ કર્યો હતો. અરજદારે દરગાહ પરિસરમાં કોઈ પણ પ્રકારના નવા બાંધકામ કે ફેરફાર કરવા સામે સ્ટે મૂકવાની માંગ પણ કરી હતી, જોકે હાઇકોર્ટે માંગણી ફગાવી દીધી હતી. 

    આ અરજી સ્વીકારીને હાઇકોર્ટે પીરાણા ટ્રસ્ટ, અમદાવાદ જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટીસ પાઠવીને ઓગસ્ટ મહિનામાં સુનાવણી મુકરર કરી હતી. આ મામલે હવે ટ્રસ્ટ દ્વારા સોગંદનામું દાખલ કરીને કહેવામાં આવ્યું છે કે, આ સ્થળ મૂળ હિંદુઓનું જ ધાર્મિક સ્થાન છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં