ઉત્તર પ્રદેશની (Uttarpradesh) આતંકવાદ વિરોધી ટુકડીએ (ATS) સહારનપુર પોલીસ સાથે મળીને 30 વર્ષથી ફરાર હિઝબુલ મુજાહિદ્દીનના (Hizbul Mujahideen) આતંકવાદી નઝીર અહેમદ વાનીની (Terrorist Nazir Ahmed Wani) ધરપકડ કરી છે. જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લાના વતની નઝીર પર 1993માં ઉત્તર પ્રદેશના દેવબંદમાં પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ હુમલાનો હેતુ પોલીસકર્મીઓને મારવાનો હતો અને તેના પર ₹25,000નું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
સહારનપુર પોલીસના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટ, 1993ના રોજ દેવબંદના યુનિયન તિરાહામાં કેટલાક પોલીસકર્મીઓ સુરક્ષા માટે તૈનાત હતા. ત્યારબાદ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો, જેના કારણે બે પોલીસકર્મી અને જય પ્રકાશ સૈની અને સુખબીર નામના બે નાગરિક ઘાયલ થયા. આ હુમલા બાદ પોલીસે આઈપીસી કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને વિસ્ફોટક પદાર્થ ધારા હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલાનો આરોપી નઝીર અહેમદ વાની છે, જે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લાંબા સમયથી દેવબંદમાં રહેતો હતો.
#SaharanpurPolice#GoodWorkUpp
— Saharanpur Police (@saharanpurpol) November 18, 2024
➡️एटीएस युनिट सहारनपुर व थाना देवबन्द की संयुक्त पुलिस टीम द्वारा ग्रेनेड हमले (बम विस्फोट) के मुकदमें में 30 वर्षों से वांछित/वारंटी 25,000/- रूपये का इनामी अभियुक्त गिरफ्तार।#UPPolice @News18UP @aajtak pic.twitter.com/4aX78KmXHW
નઝીર અહેમદ કાશ્મીરના બડગામ જિલ્લાના પરિમપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્જાક શરીફાબાદ ગામનો રહેવાસી હતો. તે હિઝબુલ મુજાહિદ્દીનનો સક્રિય આતંકવાદી હતો જે નકલી દસ્તાવેજોની મદદથી લાંબા સમયથી યુપીના દેવબંદમાં રહેતો હતો. આખરે 26 મે 1994ના રોજ પોલીસે નઝીર અહેમદ વાનીની ધરપકડ કરી.
ત્યારબાદ પોલીસે તેની સામે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવા બદલ વધુ એક કેસ નોંધ્યો હતો. આ એફઆઈઆર નવા દેવબંદ પોલીસ સ્ટેશનમાં જ આઈપીસીની (ભારતીય દંડ સંહિતા) કલમ 467, 468 અને 471 હેઠળ નોંધવામાં આવી હતી. નઝીર અહેમદને વર્ષ 1994માં જ જામીન મળ્યા હતા. ત્યારથી નઝીર અહેમદ ક્યારેય કોર્ટમાં હાજર થયો ન હતો. તે 30 વર્ષથી વધુ સમયથી સતત પોતાનું નામ અને સરનામું બદલી રહ્યો હતો.
20 મે, 2024 ના રોજ, સહારનપુર કોર્ટે લાંબા સમયથી ફરાર નઝીર અહેમદ વાની વિરુદ્ધ કાયમી વોરંટ જારી કર્યું હતું. સહારનપુર પોલીસે આ વોરંટની નોંધ લીધી અને નઝીર અહેમદની ધરપકડ માટે ₹25,000ના ઈનામની જાહેરાત કરી હતી. આરોપીને પકડવા માટે સહારનપુર પોલીસની સાથે એટીએસ પણ તૈનાત કરવામાં આવી હતી.
આખરે, રવિવારે (17 નવેમ્બર 2024), પોલીસે તેની બડગામ જિલ્લાના હકર મુલ્લા ગામમાંથી ધરપકડ કરી, જ્યાં તે રહેતો હતો. હકર મુલ્લા ગામ સોઇબુધ શહેરની નજીક છે. જરૂરી કાયદાકીય કાર્યવાહી બાદ નઝીર અહેમદ વાનીને કાશ્મીરથી સહારનપુર લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે.