Monday, November 18, 2024
More

    ‘ડ્રગ્સ, આલ્કોહોલ કે હિંસાને પ્રોત્સાહન આપતાં કોઈ ગીત નહીં’: હૈદરાબાદમાં કોન્સર્ટ પહેલાં ગાયક દિલજીત દોસાંઝને તેલંગાણા સરકારની નોટિસ

    પંજાબી ગાયક દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) શુક્રવારે (15 નવેમ્બર) હૈદરાબાદમાં શો કરે તે પહેલાં જ તેલંગાણા (Telangana) સરકાર તરફથી તેમને એક નોટિસ મોકલવામાં આવી છે. જેમાં ડ્રગ્સ, આલ્કોહોલ કે હિંસાને પ્રોત્સાહન આપતાં ગીતો ન ગાવાનો અને બાળકોને સ્ટેજ પર ન બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

    દિલજીત પોતાની ‘દિલ-લુમિનાટી’ ટૂરના ભાગરૂપે દેશનાં 10 શહેરોમાં ફરીને કોન્સર્ટ કરી રહ્યા છે. શુક્રવારે હૈદરાબાદમાં એક કોન્સર્ટ આયોજિત છે, તે પહેલાં રાજ્ય સરકારે નોટિસ આપી હતી. આ નોટિસ મહિલા અને બાળકલ્યાણ વિભાગના ડિસ્ટ્રિક્ટ વેલ્ફેર ઑફિસર દ્વારા આપવામાં આવી છે. 

    નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું કે, દિલજીતે ગત મહિને નવી દિલ્હીમાં આયોજિત એક લાઈવ શોમાં આલ્કોહોલ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતાં ગીતો ગાયાં હતાં, પણ હૈદરાબાદમાં આવું ચાલશે નહીં. 

    બાળકોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે, તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં સ્ટેજ પર બોલાવી શકાશે નહીં, કારણ કે લાઉડસ્પીકરો અને ફ્લેશ લાઇટો તેમના માટે હાનિકારક હોય છે.