Friday, November 22, 2024
More
    હોમપેજદેશછઠ પર યમુના નદીના કિનારે પૂજા કરવાની પરવાનગી આપવાનો દિલ્હી હાઇકોર્ટનો ઇનકાર,...

    છઠ પર યમુના નદીના કિનારે પૂજા કરવાની પરવાનગી આપવાનો દિલ્હી હાઇકોર્ટનો ઇનકાર, પ્રદૂષણનું આપ્યું કારણ

    જો લોકોને નદીકિનારે પૂજા કરવાની પરવાનગી આપવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાઈ શકે છે: કોર્ટ

    - Advertisement -

    બુધવારે (6 નવેમ્બર) દિલ્હી હાઈકોર્ટે છઠ પૂજાની ઉજવણી માટે યમુના નદીના ઘાટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી. કોર્ટે આ માટે પ્રદૂષણનું કારણ આપ્યું અને કહ્યું કે, નદીમાં પ્રદૂષણ એટલું છે કે શ્રદ્ધાળુઓ જો સ્નાન કરે તો ગંભીર રીતે બીમાર પડી શકે છે અને તેમના સ્વાસ્થ્ય માટે પણ તેમ કરવું હાનિકારક સાબિત થશે.

    યમુના નદીનાના ઘાટ પર છઠ દરમિયાન પૂજા કરવાની મંજૂરી આપવાની માંગ કરતી અરજી પૂર્વાંચલ નવનિર્માણ સંસ્થાન દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ મામલે ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની ડિવિઝન બેન્ચે સુનાવણી હાથ ધરી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, યમુના નદીના પ્રદૂષણ સ્તરને ધ્યાનમાં રાખીને નદીના કિનારે છઠ પૂજાનું આયોજન ભક્તો માટે નુકસાનકારક છે.

    આ મામલે સરકારનો પક્ષ દિલ્હી સરકારના વકીલ સંતોષ કુમાર ત્રિપાઠીએ મૂક્યો હતો. તેમણે દલીલ કરી હતી કે હાલમાં યમુના નદી ખૂબ જ પ્રદૂષિત છે અને જો ભક્તોને નદીના કિનારે છઠ પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે તો ભક્તો બીમાર થાય એવી સંભાવના છે. સરકારી વકીલે દાવો કર્યો કે દિલ્હી સરકારે છઠ પૂજા કરવા માટે 1,000 જગ્યાઓ નિર્ધારિત કરી પૂરતી વ્યવસ્થા કરી છે.

    - Advertisement -

    અરજદારના વકીલે છઠ પૂજા પરના પ્રતિબંધને હટાવાની માંગ કરી હતી તથા યમુનાને સ્વચ્છ કરવાનું પણ કહ્યું હતું. જોકે આ મામલે CJIએ કહ્યું હતું કે “આ એક પડકારજનક કાર્ય છે. જે રાતોરાત પૂર્ણ કરી શકાય તેમ નથી. જો તમારે સફાઈ પ્રક્રિયામાં સામેલ થવું હોય તો ત્યાં કામ કરો… આજે સમસ્યા એ છે કે યમુનામાં ગટરનું ગંદુ પાણી ન છોડવું જોઈએ, આજે આપણે યમુનામાં ગંદુ પાણી વહાવી રહ્યા છીએ પછી ભલે તે ઔદ્યોગિક રીતે નિકાલ કરાયેલું પાણી હોય કે પોતાના ઘરની ગટરોનું પાણી હોય. કિનારા પરની ગેરકાયદે બનેલી કોલોનીઓનું ગટરનું પાણી પણ યમુનામાં જ છોડવામાં આવી રહ્યું છે.”

    કોર્ટે એમ પણ કહ્યું કે, જો લોકોને નદીકિનારે પૂજા કરવાની પરવાનગી આપવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાઈ શકે છે. કોર્ટે આ સાથે દિલ્હી સરકારના જવાબને નોંધીને કહ્યું કે, અન્ય વૈકલ્પિક સ્થાનોએ પૂજા કરી શકાશે. 

    બેન્ચે ટિપ્પણી કરતાં કહ્યું, “તમારા માટે (ભક્તો) આ નુકસાનકારક સાબિત થશે. હકીકત એ છે કે નદી ખૂબ પ્રદૂષિત છે અને તમે ડૂબકી લગાવશો તો સમસ્યા સર્જાશે. અમે તેની પરવાનગી ન આપી શકીએ. નદી ખૂબ પ્રદૂષિત છે. 

    ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા છે અને દર વર્ષે આ સમયગાળામાં AQI ઉપર જતો રહે છે, જેના કારણે હવા ખૂબ બગડી જાય છે. બીજી તરફ, સત્તામાં આવ્યા ને એક દાયકો થયો હોવા છતાં અરવિંદ કેજરીવાલની સરકારે વાયદાઓ કરવા અને બણગા ફૂંકવા સિવાય બીજું એક પણ કામ કર્યું નથી. દર વર્ષે પ્રદૂષણ માટે તેઓ પડોશી રાજ્યો અને કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવતા રહે છે અને દર વર્ષે છઠ દરમિયાન ભક્તોએ પ્રદૂષિત પાણીમાં સૂર્યદેવને અર્ધ્ય આપવાની વિધિ કરવી પડે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં