રાજસ્થાનના (Rajasthan) જોધપુરમાં (Jodhpur) એક ચકચારી બનાવ બનવા પામ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, ગુલામુદ્દીન (Gulamuddin) અને તેના પરિવારના સભ્યોએ એક 50 વર્ષીય હિંદુ મહિલા અનીતાની નિર્દયતાથી હત્યા (Anita Murder Case) કરી નાખી છે. માત્ર એટલું જ નહીં, પરંતુ અનીતાની હત્યા કરીને તેના બંને હાથ, પગ અને માથું કાપીને કોથળામાં ભરીને જમીનમાં દફનાવી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. મૃતક મહિલા બ્યુટિશિયન તરીકે પોતાનું કામ કરતી હતી. મહિલાની હત્યા પ્લાનિંગ સાથે કરવામાં આવી હોવાનું પોલીસ જણાવી રહી છે. હત્યા પહેલાં જેસીબીથી ગુલામુદ્દીનના ઘરની બહાર ખાડો પણ ખોદવામાં આવ્યો હતો.
અનીતાની લાશ તેના મોં બોલ્યા ‘ભાઈ’ ગુલામુદ્દીનના ઘરની બહાર મળી આવી છે. પોલીસે ગુલામુદ્દીનની પત્નીની અટકાયત કરી છે, જ્યારે ગુલામુદ્દીન ફરાર થઈ ગયો છે. ગુલામુદ્દીનની પત્નીએ હત્યાની કબૂલાત કરી હોવાનું પણ સામે આવ્યું છે. તેણે સ્વીકાર્યું છે કે, ગુલામુદ્દીન અને તેણે સાથે મળીને અનીતાની હત્યા કરી હતી. ઘટનાને લઈને હાલ વધુ તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
સરદારપુરા પોલીસ સ્ટેશનના અધિકારી દિલીપ સિંઘે આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, અનીતાના ગુમ થયાની ફરિયાદ તેના પતિ મનમોહન ચૌધરીએ 27 ઓક્ટોબરે નોંધાવી હતી. ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી. જ્યારે પોલીસે મૃતકના બ્યુટીપાર્લરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા તો 26 ઓક્ટોબરે બપોરે 2 કલાકે તે ટેક્સીમાં બેસીને એકલી જતી જોવા મળી હતી. પોલીસે તે ટેક્સી ડ્રાઈવરને શોધી કાઢ્યો હતો અને તેની પૂછપરછ પણ કરી હતી.
ટેક્સી ડ્રાઈવર પોલીસને તે ઘરે લઈને ગયો હતો, જ્યાં અનીતાને ઉતારી હતી. આ પછી પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તે ઘર ગુલામુદ્દીનનું છે અને મૃતક હિંદુ મહિલા તેને ‘ભાઈ’ માને છે. પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ગુલામુદ્દીન ફરાર થઈ ગયો છે. તે બાદ પોલીસને આ આખા ષડ્યંત્ર વિશેની શંકા ઊપજી હતી. ત્યારબાદ પોલીસે ગુલામુદ્દીનની પત્નીની અટકાયત કરી હતી.
પોલીસે પૂછપરછ કરતાં ગુલામુદ્દીનની પત્ની તમામ ગુનાઓને નકારી રહી હતી. પરંતુ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા તેણે તમામ કારસ્તાન કબૂલ્યું હતું અને પોલીસને લઈને પોતાના ઘરની બહાર ગઈ હતી. ગુલામુદ્દીનની પત્નીએ પોલીસને તે જગ્યા પણ બતાવી હતી, જ્યાં અનીતાને કાપીને દફનાવી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે જેસીબી વડે ખાડો ખોદીને મૃતક અનીતાના એક-એક અંગને બહાર કાઢ્યું હતું. અનીતાના બંને હાથ, પગ અને માથું કાપીને તેને દફનાવી દેવામાં આવ્યા હતા.
આ બાબતે વધુ જાણકરી લેવા ઑપઇન્ડિયા દ્વારા જોધપુરના સરદારપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પર હાજર અધિકારીએ જણાવ્યું હતું કે હાલ તેઓ આ કેસ બાબતે વધુ જાણકારી નહીં આપી શકે.
મૃતક મહિલાના પતિ મનમોહને જણાવ્યું હતું કે, સરદારપુરા બી રોડ પર ગુલામુદ્દીનની દુકાન અને તેની પત્ની અનીતાનું બ્યુટીપાર્લર સામસામે જ છે. તેઓ લગભગ 25 વર્ષથી દુકાન ચલાવી રહ્યા છે. ગુલામુદ્દીન અનીતાને પોતાની બહેન માનતો હતો અને અનીતા પણ ગુલામુદ્દીનને પોતાનો ભાઈ માનતી હતી.