કવિ કરસનદાસ માણેકની આ બહુ વિખ્યાત પંક્તિઓ તમારે ભણવામાં આવી હશે. ભણવામાં નહીં આવી હોય તોપણ વાંચવામાં આવી હોવી જોઈએ. ઘણાને પસંદ પણ હશે. આપણે ત્યાંના અમુક સ્વઘોષિત પત્રકારો અને યુ-ટ્યુબ ક્રાંતિવીરોને પણ એ પસંદ હતી. ગયા વર્ષ સુધી. પછી એક એવી ગોઝારી ઘટના બની કે આખા વર્ષ દરમિયાન જ્યાં આ પંક્તિ દેખાય ત્યાંથી તેઓ પોતાનું વાહન દસ ફૂટ દૂર રાખી લેતા.
વિગતે વાત કરીએ તો આનું કનેક્શન અયોધ્યાની દિવાળી ઉજવણી સાથે છે. 2017 સુધી આપણે ત્યાં સેક્યુલર સરકારો હતી, એટલે પ્રભુ રામ એક ટેન્ટમાં રહેતા હતા અને ‘મંદિર વહીં બનાયેંગે’ કહેવા પર તમને કોમવાદી ગણાવી દેવામાં આવતા. અયોધ્યાનું દિવાળી સાથે શું જોડાણ છે એ હવે કોઈ આસ્તિક હિંદુને ખબર ન હોય એવું બને નહીં. તેમ છતાં અયોધ્યામાં દિવાળીની ઉજવણી તો દૂર, નેતાઓ કે સરકારોના મોઢેથી અયોધ્યાનો ‘અ’ પણ નીકળતો ન હતો.
હવે સમય બદલાયો છે. પ્રભુ રામ પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. 2017માં એક ભગવાધારીના હાથમાં UPનું શાસન આવ્યા બાદ હવે અયોધ્યામાં દર દિવાળીએ ભવ્યાતિભવ્ય ઉજવણી થાય છે. દર વર્ષે સરયૂ નદીના ઘાટ પર લાખો દીવડા પ્રગટાવવામાં આવે છે. આ ક્રમ 2017થી સતત ચાલતો આવે છે. ઘણા પૂછે છે કે મારા એક મતથી શું ફેર પડે? તો આ તેનો જવાબ છે. તમારા એક મતથી અયોધ્યામાં લાખો દીવડા પ્રગટી શકે છે!
ગયા વર્ષે પણ આવી જ ભવ્યતા સાથે ઉજવણી થઈ હતી. ઈન્ટરનેટની સુવિધા છે એટલે ગણતરીની સેકન્ડોમાં જ ફોટાઓ ફરતા થઈ જાય છે. મારા-તમારા જેવા સામાન્ય માણસોએ જ્યારે અયોધ્યામાં ભવ્ય ઉજવણીના ફોટા જોયા તો પારાવાર સંતોષની લાગણી થઈ. આપણે ઘરે દીવડા પ્રગટાવીએ, આખું ઘર ઝળહળી ઉઠે અને આંગણામાં ઊભા હોઈએ અને ઘર તરફ જોઈને જે આનંદનો ભાવ ઉપજે એટલો જ આનંદ આપણને આ અયોધ્યાના દીવડા જોઈને થાય છે.
પણ આપણે સામાન્ય, કોમવાદી અને કટ્ટરવાદી માણસો છીએ. લિબરલ, સેક્યુલર, બુદ્ધિજીવી તો આપણે ત્યાંના સ્વઘોષિત પત્રકારો છે. ગયા વર્ષે જ્યારે અયોધ્યામાં દિવાળીની ઉજવણીના ફોટા આવ્યા તો અમુકને ‘ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોહ્યલું’વાળી પંક્તિઓ યાદ આવી ગઈ. અયોધ્યામાં કેટલાય ગરીબોને બે ટંકનું ભોજન ભાગ્યમાં નહીં આવતું હોય અને આ હિંદુઓ આ રીતે લાખો લિટર તેલ અને ઘી દીવડા પ્રગટાવવામાં વેડફી નાખશે એ વિચારે તેમનો લિબરલ આત્મો રડી ઉઠ્યો અને આમાંથી અમુકે મોબાઈલ કાઢીને ફોટા મૂકીને આ પંક્તિઓ ઠપકારી દીધી અને હિંદુઓને અપરાધભાવમાં નાખવાના નિષ્ફળ પ્રયાસો કર્યા.
હવે આ ક્રાંતિ કરવાનો વિચાર તેમને કયા ચોઘડિયે આવ્યો હતો એ ખબર નથી, પણ થયું તેમની આશાથી તદ્દન વિપરીત. તેમને હતું કે આ પોસ્ટ કરતાંની સાથે જ ચારકોર વાહવાહી થઈ ઉઠશે અને એક યોગ્ય અને વ્યાજબી મુદ્દો ઉઠાવ્યો હોવાની પ્રશંસાઓ આવતી થશે. પણ તેમનું નસીબ એટલું વાંકું તે પોસ્ટ પર એક પછી એક કૉમેન્ટો આવવાની શરૂ તો થઈ, પણ વખાણ કરતી નહીં, ગાળો દેતી.
લોકોએ સારામાં સારી અને ખરાબમાં ખરાબ ભાષામાં સમજણ આપી કે અમે એ જ પ્રજા છીએ જે તહેવારો ઉજવતી વખતે ગરીબોનું સૌથી પહેલું ધ્યાન રાખે છે અને તેમની દિવાળી પણ સારી રીતે ઉજવાય તેની દરકાર રાખીએ છીએ. ઘણાએ એમ પણ પૂછ્યું કે ઈદ પર જ્યારે લાખો બકરાઓ કપાઈ જાય છે ત્યારે તારું મોઢું કેમ ઉઘડતું નથી? તેના જવાબ આ ટોળકી પાસે ન હતા.
હવે વાંદરો ગુલાંટ મારવાનું ક્યારેય ન છોડે, એટલે આ વર્ષે પણ દિવાળી આવી અને અયોધ્યામાં ઉજવણી એટલી જ ભવ્યતાથી થશે તેવું જાણવા મળ્યું તો આ લિબરલ અને સેક્યુલર પત્રકારોનો લિબરલ આત્મો ફરી એક વખત જાગી ઉઠ્યો. સૂત્રો પાસેથી જે વિગતો મળી રહી છે તે અનુસાર આવા એક જ ડાળનાં પંખી એવા અમુક લિબરલ, બુદ્ધિજીવી અને સેક્યુલર પત્રકારોએ એક ટોળકી બનાવી અને રીતસર યોજના બનાવીને આવવાનું નક્કી કર્યું. આ માટે આગોતરું આયોજન પણ શરૂ કરી દેવામાં આવ્યું.
અમારા વિશ્વસનીય સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે અનુસાર, થોડા દિવસો પહેલાં થયેલી ચર્ચા મુજબ આ ક્રાંતિકારી, લિબરલ અને સેક્યુલર ‘પત્રકારો’ની એક ટોળકીએ દિવાળીના આગલા દિવસે અયોધ્યામાં જ્યારે ઉજવણી થતી હોય ત્યારે એક યુ-ટ્યુબ ચેનલની ઑફિસમાં ભેગા થવાનું નક્કી કર્યું. જ્યાંથી એકસાથે આવી પોસ્ટો થવાની હતી.
આ વિશે અમારી સાથે વાત કરતાં એક આવા જ તટસ્થ અને સેક્યુલર પત્રકાર બેન જણાવે છે કે, “ગયા વર્ષે અમે બે-ત્રણ જણાએ જ આ અવળચંડાઈ કરવાનું સાહસ કર્યું હતું એટલે બહુ ખરાબ રીતે ટ્રોલાઈ ગયા હતા. પણ આ વર્ષે અમે ઝુંડ બનાવીને આવવાનું નક્કી કર્યું. જેથી ગાળો પડે તોપણ સરખા ભાગે વહેંચાય જાય અને એવું ન લાગે કે કોઈ એક-બેને જ ગાળો પડી છે.”
તેમણે જણાવ્યું કે, “આગળથી જ નક્કી હતું કે કયા ફોટાઓ મૂકવા અને કઈ પંક્તિઓ મૂકવી. આના માટે અમે અમારી જ ટોળકીના એક ન્યૂઝ એન્કરને પંક્તિઓ શોધવાનું કામ આપ્યું હતું. પણ એને સામાન્ય જોડણી અને વ્યાકરણનાં પણ ભયંકર ફાંફાં છે એ પછી અમને યાદ આવ્યું એટલે અમે જ્યારે ભેગા થયા તો એ આમ જ દોડી આવ્યો હતો. એને બે-ચાર ગાળો આપીને પછી એ કામ પણ અમારે જ કરવું પડ્યું.” અમે તેમની આ વ્યથા સાંભળીને સાંત્વના આપી.
યોજના અનુસાર, આવા ફોટાઓ સાથે પંક્તિઓ પોસ્ટ કર્યા બાદ આ યુ-ટ્યુબ પત્રકારોના વિડીયો જોઈને વાહવાહી કરતા રહેતા અમુક ચેલા-ચપટાઓને પણ છૂટા મૂકવાની ગણતરી હતી, જેઓ તેમને ડિફેન્ડ કરી શકે. જેમાંથી મોટાભાગની ફેક આઈડીઓ હતી. જેથી ટ્રોલિંગ બંને તરફે થઈ શકે અને આવાં અકાઉન્ટ ક્રાંતિવીરોને છાવરી શકે. જોકે, તેમણે સ્વીકાર્યું કે ગયા વર્ષના અનુભવ પછી અમુક ચેલાઓ પણ દૂર થઈ ગયા હતા.
આટલું પાકાપાયે આયોજન થયા બાદ પણ આવી પોસ્ટો કેમ ન આવી તેમ પૂછતાં એક યુ-ટ્યુબર અને તટસ્થ ક્રાંતિવીર બેન ભાવુક થઈ ગયાં અને ગળે ડૂમો ભરાઈ ગયો. તેઓ જણાવે છે કે, “અમારું આયોજન પૂરેપૂરું હતું અને અમે તો અમારા સ્ટાફની રજાઓ પણ રદ કરીને તમામને કામે લગાડ્યા હતા. પણ અંતિમ ક્ષણે જ્યારે પોસ્ટ કરવાનો સમય આવ્યો તો અમારી ઑફિસનું ઇન્ટરનેટ કનેક્શન જ ખોરવાય ગયું અને કામ કરતું બંધ થઈ ગયું. અમે બહુ પ્રયાસો કર્યા, પણ ઇન્ટરનેટ પુનઃસ્થાપિત થઈ શક્યું નહીં.”
તેઓ કહે છે કે, આ ફાસીવાદી સરકારનું જ કામ છે. તેમનો દાવો છે કે સરકારની એજન્સીઓ તેમની ઉપર સતત નજર રાખી હતી અને કોઈકે આ પ્લાન લીક કરી દીધો હતો જેથી ખરા સમયે તેમની ઑફિસનું ઈન્ટરનેટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું. તેમણે કહ્યું કે અન્ય એક ભાઈએ તો ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને સરકારને બે-ચાર કડક સવાલો પૂછવાનું પણ નક્કી કરી નાખ્યું પણ તે પોસ્ટ કરવા માટે પણ જરૂરી હતું ઈન્ટરનેટ.
અમે તેમને પૂછ્યું કે એક નેતાની તમે કાયમ ચરણવંદના કરતા રહો છો તેઓ પણ વાતે-વાતે આમ જ સરકારી એજન્સીઓ તેમની પાછળ પડી હોવાના રાગડા તાણતા રહે છે તો તમે તેમાંથી જ તો ‘પ્રેરણા’ નથી લઈ આવ્યા ને? તેના જવાબમાં જોકે પત્રકાર બેન ‘હેલો…હેલો..અવાજ નથી આવતો’ એવું કહેતાં રહ્યાં.
સૂત્રોએ જણાવ્યું કે અણધારી આવી પડેલી આફતના કારણે સ્ટુડિયોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. દિવસોની મહેનત પર પાણી ફરી ગયું અને એકબીજાને જ તેઓ ગાળો ભાંડવા માંડ્યા. આખરે કોઈ મેળ ન પડતાં ક્રાંતિ મોકૂફ રાખવામાં આવી અને બધા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. વચ્ચે બે-ચાર જણા વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હોવાનું સૂત્રો જણાવે છે, પણ પુષ્ટિ થઈ શકી નથી.
અમે જોકે પછીથી જે-તે યુ-ટ્યુબ સ્ટુડિયોના ઈન્ટરનેટ પ્રોવાઇડરને પણ શોધી કાઢ્યો. તેણે કહ્યું કે સરકાર-બરકાર તો નહીં પણ તેણે જ કનેક્શન કાપી નાખ્યું હતું, કારણ કે છેલ્લા વરસ દિવસથી બિલ બાકી બોલતું હતું. તેમણે જણાવ્યું કે, યુ-ટ્યુબ પત્રકારો બિલ માંગે ત્યારે તેમને વિડીયો બનાવીને બદનામ કરવાની ધમકી આપતા હતા એટલે તેઓ પણ માંગતા ન હતા. પછી હમણાં એક દિવસ જાણવા મળ્યું કે આ પ્રજાને તો તેમના ઘરના સિરિયસલી લેતા નથી તો ગુજરાતની પ્રજા તો શું લેશે, એમ વિચારીને દિવાળીના શુભ દિવસે મહિનો પણ પૂરો થતો હતો તો નેટ કનેક્શન કાપી નાખ્યું! અમે તેમને આ સાહસભર્યા નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા!
(આ લેખ નરી કલ્પના અને લેખકના મગજની ઉપજ છે. તેમાં તર્ક અને વાસ્તવિકતા શોધવાની મહેનત કરવાની ગુસ્તાખી કરવા પર તમને આવા યુ-ટ્યુબરોના વિડીયો લૂપમાં બતાવીને ટોર્ચર કરવામાં આવશે, એ પણ સ્કીપ કર્યા વગર.)