મહારાષ્ટ્ર વિધાસભા ચૂંટણી પહેલાં મહાવિકાસ આઘાડીની ખટપટ હવે ઉઘાડી પડી રહી છે. પહેલાં કોંગ્રસ સાથે સીટ શેરિંગ બાબતે ખટાશ આવ્યા બાદ હવે MVAનું સમાજવાદી પાર્ટી સાથે પણ બગડ્યું છે. સમાજવાદી પાર્ટીના નેતાઓનો આરોપ છે કે, તેમના પર અને તેમની પાર્ટી પર સીટ શેરિંગને લઈને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આક્ષેપ તેવો પણ છે કે, મહાવિકાસ આઘાડી સમાજવાદી પાર્ટીની માંગો સામે આંખ આડા કાન કરી રહી છે.
આ બધી ખટપટ સમાજવાદી પાર્ટીએ પાંચ સીટની માંગણી કરી ત્યારે શરૂ થઈ હતી. વાસ્તવમાં સપાએ MVA પાસે ધુલે સીટી, ભિવંડી પૂર્વ, ભિવંડી પશ્ચિમ, માલેગાંવ સેન્ટ્રલ અને માનખુર્દ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની માંગ કરી હતી. શિવાજી નગર અને ભિવંડી ઇસ્ટમાં સપા ગઈ ચૂંટણી જીત્યું પણ હતું. જોકે, 26 ઑક્ટોબરે MVAના મુખ્ય પક્ષોએ આ બેઠકો પર સપાની જગ્યાએ પોતાના ઉમેદવારોનું એલાન કરી દીધું છે. જેના કારણે સમાજવાદી પાર્ટીનું નેતૃત્વ રોષે ભરાયું છે.
મહાવિકાસ આઘાડીના આ પ્રકારના નિર્ણયથી સમાજવાદી પાર્ટીના નેતૃત્વમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. એક તરફ અખિલેશ યાદવ આ મામલે ભડકે બળ્યા છે, તો બીજી તરફ મહારાષ્ટ્રના નેતૃત્વએ તો MVA પર વિશ્વાસઘાતનો આરોપ લગાવી દીધો છે. અખિલેશ યાદવે પણ કહી દીધું છે કે તેઓ કોઈ ‘રાજકીય કુર્બાની’ નથી આપવાના. સહમતી બની તો ઠીક, નહિતર પોતાના સંગઠનવાળા વિસ્તારમાં સપા એકલા હાથે લડી લેશે.
#WATCH | Delhi | Samajwadi Party chief Akhilesh Yadav says, "…State (Maharashtra) president of Samajwadi Party will decide – at first we will try to be in alliance. But, if they (MahaVikasAghadi) won't keep us in the alliance, we will contest on those seats where we will get… pic.twitter.com/lEXoZU2Nwx
— ANI (@ANI) October 27, 2024
મહાવિકાસ આઘાડી પર વિશ્વાસઘાતનો આરોપ
બીજી તરફ મહારાષ્ટ્ર સપાના કર્તાહર્તા અબુ આસિમ આઝમીએ પહેલાં જ મહાવિકાસ આઘાડીને અલ્ટીમેટમ આપી દીધું હતું કે, જો તેમની માંગ નહીં માનવામાં આવે તો સપા 25 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. MVAના નેતાઓ સાથે મુલાકાતો બાદ પણ સહમતી ન બનતા આઝમી ઉકળી ઉઠ્યા અને આઘાડી પર ‘વિશ્વાસઘાત’નો આરોપ લગાવી દીધો. તેઓ શરદ પવારને પણ મળ્યા હતા. જેને લઈને તેમણે હતું કે, “અમે શરદ પવારજી સાથે વાત કરીને અમારી માંગો મૂકી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ નિર્ણય લેશે, પરંતુ મને કોઈનો ફોન નથી આવ્યો.”
તેમણે એમ પણ કહ્યું કે, “જે બેઠકો પર અમે ચૂંટણી લડવા ઈચ્છતા હતા, ત્યાં પણ પોતાના ઉમેદવારો ઘોષિત કરી દીધા છે. એવું લાગી રહ્યું છે કે MVAમાં સામેલ દળો સપાને બેઠકો આપવા નથી ઈચ્છતા.” વધારામાં રહી જતું હતું તો, કોંગ્રેસે પણ આ જ બેઠકો પર પોતાના ઉમેદવારો ઘોષિત કરીને બળતામાં ઘાંસલેટ છાંટવાનું કામ કર્યું. જોવા જઈએ તો મહારાષ્ટ્ર વિધાસભા ચૂંટણીને લઈને અખિલેશ યાદવની પાર્ટીના હાથ હજુ ઠનઠન ગોપાલ જ રહ્યા છે. અખિલેશ યાદવે સવારે જ કહી દીધું હતું કે, આગળ શું કરવું છે, તે પાર્ટીના મહારાષ્ટ્ર અધ્યક્ષ નક્કી કરશે. તેમણે કહ્યું કે, “જો ગઠબંધન રહે તો ઠીક, નહિતર અમે ત્યાંથી લડીશું, જ્યાં ગઠબંધનને નુકસાન ન થાય.”
નોંધવું જોઈએ કે, થોડા સમય પહેલાં જ કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડી વચ્ચે આવી જ ઉઘાડી માથાકૂટ થઇ હતી. ઉદ્ધવ ઠાકરેના નેતા સંજય રાઉત અને કોંગ્રેસી નાના પટોલે વચ્ચે જંગ જામી હતી. પાટોલેએ સાથી પક્ષ શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતની ટીકા કરી હતી. રાઉતની ટિપ્પણી અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “જો સંજય રાઉત તેમની પાર્ટીના નેતૃત્વ (ઉદ્ધવ ઠાકરે)ની અવગણના કરી રહ્યા હોય, તો તે તેમનો મુદ્દો છે.” ત્યારે હવે મહાવિકાસ આઘાડી અને સમાજવાદી પાર્ટીની આ માથાકૂટ ક્યાં જઈને અંત પામે છે તે જોવું રહ્યું.