થોડા સમય પહેલાં સુરતના ખટોદરા અને સારોલી ખાતે એક મુસ્લિમ વ્યક્તિએ હિંદુ ઓળખ ધારણ કરીને વેપારીને 72 લાખથી વધુનો ચૂનો લગાવ્યો હોવાની ઘટના સામે આવી હતી. તે કિસ્સામાં અમરોલી પોલીસે રીઝવાન સૈયદ આબીદ હુસેનની ધરપકડ કરી હતી. આ રીઝવાને જગદીશ કુમાવત નામ ધરીને આ આખો કાંડ કર્યો હતો. ત્યારે હવે આ જ રીઝવાન ઉર્ફે જગદીશ વિરુદ્ધ વધુ એક વેપારીએ ફરિયાદ દાખલ કરી છે. વેપારીનો આરોપ છે કે, આરોપીએ તેમને 53.38 લાખનો ચૂનો લગાવ્યો છે. આરોપ તેવો પણ છે કે આ વેપારીને પણ રીઝવાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, તાજા કિસ્સામાં પીડિત વેપારીનું નામ મુકેશ પાલડીયા છે અને તેઓ કતારગામ ખાતે આવેલી રાજાનંદ સોસાયટીમાં રહે છે. મુકેશ પાલડીયા પણ કાપડનો ધંધો ધરાવે છે અને ઉધના ઉદ્યોગનગર રોડ નં-8 ખાતે શિવટેક્ષના નામે કારખાનું ચલાવે છે. તેમણે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત 2 મે 2024ના રોજ મહાવીર ટ્રેડિંગ ફર્મના નામે ધંધો કરતા રીઝવાન સૈયદ આબીદ હુસેન ઉર્ફે જગદીશ કુમાવતે સમયસર પેમેન્ટ આપી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપી ₹53,38,864નો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો.
વેપારીએ ઉઘરાણી કરતા આપી ધમકી
તેમના કહેવા અનુસાર, રીઝવાન સાથે અતુલ વઘાસીયા, રાહુલ , રાજુ મોદી , શીવા અને હિતેશ વઘાસિયા નામના ઈસમો પણ હતા. ફરીયાદી મુકેશે તેમના પર ભરોસો કરીને ₹53,38,864 લાખનો ગ્રે કાપડનો માલ આપી દીધો હતો. માલ વેચ્યા બાદ વેપારીએ ઉઘરાણીની તારીખ આવી જતા પેમેન્ટની માંગણી કરી હતી. તેઓ જેટલી વાર પૈસાની માંગણી કરતા, એટલી વાર આરોપી ગલ્લા-તલ્લા કરીને તારીખ વટાવી દેતા હતા. થોડા સમય બાદ જયારે વેપારીએ કડક શબ્દોમાં ઉઘરાણી કરી, ત્યારે રીઝવાન અને તેની ટોળકી ધાક-ધમકી પર ઉતરી આવ્યા હતા.
ફરીયાદીના જણાવ્યા અનુસાર, રીઝવાન અને તેની ગેંગે તેમને ધમકી આપી હતી કે, “તારાથી થાય તે કરી લેજે, અમારુ બધેય સેટીંગ છે, તમારા રૂપિયા આપવાના થતા નથી. તમને તમારો જીવ વ્હાલો હોય તો પેમેન્ટ ભુલી જાવ નહીતર જાનથી હાથ ધોવા પડશે.” નોંધનીય છે કે આ પહેલાં ફરિયાદ નોંધાવનાર પ્રજ્ઞેશ વાઘાણીએ પણ ફરિયાદમાં આ પ્રકારનો જ ઉલ્લેખ કર્યો હતો. ત્યારે આ ધમકીને લઈને મુકેશ પાલડીયાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધવું જોઈએ કે, સુરતના રીઝવાન ઉર્ફે જગદીશ અને તેની ગેંગ ખટોદરા, સારોલી અને ગોડાદરા ખાતે હિંદુ નામે 4 દુકાનો ચલાવતા હતા. ઘટનામાં સહુથી ગંભીર બાબત તે છે કે રીઝવાની સૈયદ આબીદ હુસેન દુકાનનું નામ તો ઠીક, પરંતુ GST નંબર, ભાડા કરાર તેમજ અન્ય સરકારી દસ્તાવેજો પણ હિંદુ નામે બનાવીને વેપારના નામે લોકોને ઠગતો હતો. હાલ ઉધના પોલીસ આ મામલે ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. પોલીસને આશંકા છે કે હજુ પણ વધુ વેપારીઓ રીઝવાન અને તેની ગેંગના ભોગ બન્યા હોય શકે છે.