ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદને (India-Canada Dispute) લઈને હવે કેનેડાનું રાજકારણ પણ ગરમાયું છે. કેનેડાની વિપક્ષી પાર્ટીના (Opposition Party of Canada) નેતાએ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, કેનેડામાં ગુનાહિત ગતિવિધિઓમાં ભારતીય રાજદ્વારીઓની સંડોવણી વિશે RCMP અને લિબરલ સરકારના આરોપ અત્યંગ ગંભીર છે. પરંતુ તે માટેના કોઈ ઠોસ પુરાવા હજુ સુધી રજૂ કરી શકાયા નહીં. આ ઉપરાંત તેમણે હરદીપ સિંઘ નિજ્જરને (Hardeep Singh Nijjar) વિદેશી આતંકી (Foreign Terrorist) ગણાવ્યો હતો. તેમણે જસ્ટિન ટ્રુડોની સરકારને સલાહ આપતાં કહ્યું હતું કે, ભારત એક ઉભરતી વિશ્વશક્તિ છે, તેથી આપણે તેની સાથેના સંબંધો બગાડવા ન જોઈએ.
ગુરુવારે (17 ઑક્ટોબર) કેનેડાની પીપલ્સ પાર્ટીના (People’s Party) નેતા મેક્સિમ બર્નિયરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને ટ્રુડો સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “RCMP અને લિબરલ સરકારે લગાવેલા આરોપ કે, ભારતીય ડિપ્લોમેટ્સે આપણાં દેશમાં ગુનાહિત ગતિવિધિઓમાં ભાગ લીધો હતો, તે જો સત્ય હોય તો ખૂબ ગંભીર બાબત છે અને તેનું સમાધાન થવું જોઈએ. જોકે, હમણાં સુધી તે વિશેના કોઈ ઠોસ પુરાવા કેનેડિયન સરકાર દ્વારા આપવામાં આવ્યા નથી.” આ સાથે જ તેમણે કહ્યું કે, ટ્રુડો સ્પષ્ટપણે આ મુદ્દાનો ઉપયોગ અન્ય વિવાદો પરથી ધ્યાન હટાવવા માટે કરે છે.
‘વિદેશી આતંકી હતો હરદીપ સિંઘ નિજ્જર’
મેક્સિમ બર્નિયરે તે દાવાને પણ ફગાવી દીધો છે કે, ગયા વર્ષે માર્યો ગયેલો ખાલિસ્તાની આતંકી હરદીપ સિંઘ નિજ્જર કેનેડિયન હતો. તેમણે કહ્યું કે, “ગયા વર્ષે માર્યો ગયેલો ખાલિસ્તાની આતંકી હરદીપ સિંઘ નિજ્જર એક કેનેડિયન હતો, આ મિથકને પણ દૂર કરવું જોઈએ. તે હકીકતમાં એક વિદેશી આતંકવાદી હતો, જેણે 1997માં ઘણી વખત કેનેડામાં શરણ લેવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેના દાવાને ફગાવી દેવામાં આવ્યા હતા, તેમ છતાં તેને દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવી અને 2007માં એને કોઈ રીતે નાગરિકતા પણ આપી દેવામાં આવી.”
If true, allegations made by the RCMP and the Liberal government that Indian diplomats participated in criminal activities on our territory are very serious and should be dealt with. So far however, we haven’t been given any proof. And Trudeau is clearly using this crisis to… pic.twitter.com/wM2dR8FMHl
— Maxime Bernier (@MaximeBernier) October 17, 2024
બર્નિયરે દાવો કર્યો છે કે, હરદીપ સિંઘ નિજ્જર કેનેડિયન નહોતો, તે એક વિદેશી આતંકવાદી હતો. આ સાથે તેમણે કહ્યું છે કે, આવી વહીવહી ખામીને સુધારવા માટે મરણોપરાંત તેની નાગરિકતા રદ કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે, તેના પ્રથમ નકલી દસ્તાવેજોના દાવા બાદ તરત જ તેને દેશનિકાલ આપી દેવો જોઈતો હતો.
‘ઊભરતી વિશ્વ શક્તિ સાથે સમાધાન કરવું જોઈએ’
બર્નિયરે વધુમાં કહ્યું કે, “આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કે, કેનેડાએ દાયકાઓથી જાણીજોઈને વિદેશીઓ અને તેના જૂના સંઘર્ષોને આપણાં દેશમાં આમંત્રિત કર્યા છે. આપણે આ મોટી ભૂલને સુધારવી જોઈએ અને આ મુદ્દા પર ઉભરતી વિશ્વશક્તિ અને મહત્વપૂર્ણ સહયોગી સાથેના સંબંધો જોખમમાં નાખ્યા વિના સમાધાન શોધવા માટે ભારત સરકાર સાથે કામ કરવું જોઈએ.”
નોંધવા જેવું છે કે, કેનેડિયન વડાપ્રધાન ટ્રુડોએ ગયા વર્ષે આતંકી નિજ્જરની હત્યાના આરોપ ભારત પર નાખ્યા બાદથી બંને દેશો વચ્ચે વિવાદ ઊભો થયો છે. તાજેતરમાં જ ભારતે કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા અને પોતાના હાઇકમિશનર સહિતના અન્ય અધિકારીઓને પણ કેનેડાથી પરત બોલાવી લીધા હતા.