ગત અઠવાડિયે પાકિસ્તાનના (Pakistan) લાહોરની (Lahore) એક ખાનગી કોલેજમાં વિદ્યાર્થીની (Rape) પર કથિત રીતે બળાત્કાર થયો હોવાનો મામલો સામે આવ્યા બાદ ગુરુવારે (17 ઑક્ટોબર) તેના વિરોધ (Protest) દરમિયાન હિંસા ફાટી નીકળી. સોશિયલ મીડિયા બાદ વિદ્યાર્થીઓએ લાહોરની વિવિધ કોલેજોની બહાર પ્રદર્શનો કર્યાં હતાં. આ વિરોધ ધીમે-ધીમે સમગ્ર પાકિસ્તાનમાં ફેલાઈ રહ્યો છે. જેના પગલે રાવલપિંડીમાં (Rawalpindi) પણ પ્રદર્શનો થયાં હતાં. આ દરમિયાન પોલીસે સેંકડો પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલોના પગલે વિરોધ શરૂ થયો હતો. પાકિસ્તાનના લાહોરની એક કૉલેજના સુરક્ષા ગાર્ડ પર વિદ્યાર્થીની પરના કથિત બળાત્કાર કેસમાં સંડોવણી હોવાનો આરોપ હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વિવિધ કોલેજો સામે દેખાવો કર્યા. છેલ્લા કેટલાક દિવસોમાં પ્રદર્શનકરીઓ અને સુરક્ષા બળની અથડામણ દરમિયાન ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. બળાત્કાર મામલે શરૂ થયેલ પ્રદર્શનો દરમિયાન હિંસા ફેલાઈ રહી છે.
મુખ્યમંત્રીએ બળાત્કારને ‘બનાવટી’ ગણાવ્યો
ઉલ્લેખનીય છે કે વધતા વિરોધ છતાં પંજાબનાં મુખ્યમંત્રી મરિયમ નવાઝે બળાત્કારના આરોપોને ‘બનાવટભર્યા સમાચાર’ ગણાવીને ફગાવી દીધા અને વિરોધ પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ને ઓનલાઈન ‘બનાવટી અહેવાલો’ ફેલાવવા માટે દોષી ઠેરવ્યું. પંજાબ ગ્રૂપ ઓફ કોલેજીસ (PGC)ના ડાયરેક્ટર આગા તાહિર અને અન્ય અધિકારીઓએ પણ આ ઘટનાને પાયાવિહોણી ગણાવી હતી.
#BREAKING: Massive violence by thousands of students in an impromptu protest in Rawalpindi of Pakistan against the rape of a female student in PGC Lahore. Clashes and arson being reported. Over 200 students arrested. Pakistan erupts the moment curfew was lifted from Islamabad. pic.twitter.com/FeQnOOuL0X
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 17, 2024
રાવલપિંડીના પોલીસ અધિક્ષક (એસએસપી) હાફિઝ કામરાન અસગરે ગુરુવારે પુષ્ટિ કરી હતી કે હિંસક પ્રદર્શન દરમિયાન અંદાજે 150 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, “પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.” તેમણે સોશિયલ મીડિયા પર એમ પણ જણાવ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓની ધરપકડ કરવા માંગતા નહોતા પરતું પ્રદર્શનકારીઓએ કાયદો હાથમાં લેતા કાર્યવાહી કરવામાં આવી.
કેમ્પસોમાં તોડફોડ, આગચંપી..
ઉલ્લેખનીય છે કે, લાહોરમાં વિદ્યાર્થીઓ પંજાબ કોલેજના કેમ્પસ 11 ખાતે ભેગા થયા અને પાર્કિંગ વિસ્તારમાં આગ લગાવી, બારીઓ તોડી વ્યાપક નુકસાન કર્યું હતું. અહેવાલ અનુસાર કેટલાક પ્રદર્શનકારીઓએ લોખંડના સળિયા સાથે કેમ્પસમાં હુમલો કર્યો હતો.
લાહોરના બુર્કી રોડ પર પણ વિરોધ પ્રદર્શનો થયા હતા, જ્યાં વિદ્યાર્થીઓએ ટ્રાફિકને અવરોધિત કર્યો હતો. પ્રદર્શનકરીઓને ભેગા કરવા માટે સોશિયલ મીડિયા પર અંધાધૂંધીના વીડિયો વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવ્યા હતા. ઇસ્લામી જમિયત તલાબા (IJT), રેડ વર્કર્સ ફ્રન્ટ અને પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ્સ કલેક્ટિવ સહિત વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ પણ પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું હતું.
એક સુરક્ષા ગાર્ડનું મોત
પ્રદર્શનકારીઓએ કુંજ ખાતેના કેમ્પસ અને પંજાબ કોલેજ તરફ કરાતા વિરોધમાં 50 વર્ષીય સુરક્ષા ગાર્ડ અઝહર હુસૈનનું મોત થયું હતું. તેમના પુત્રની ફરિયાદના પગલે પોલીસે લગભગ 185 વ્યક્તિઓ સામે હત્યાનો કેસ નોંધ્યો હતો, જેમાં 35 જાણીતા શંકાસ્પદ હતા. પોલીસથી બચવા બાઈક પર ભાગતી વખતે ડિવાઈડર સાથે અથડાવાથી 3 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
લાલમુસા, ખારિયન અને જલાલપોર જટ્ટન સહિત ગુજરાત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો, જ્યાં વિરોધીઓએ PGC કેમ્પસને નુકસાન પહોંચાડ્યું હતું અને કીમતી વસ્તુઓની ચોરી કરી હતી. કોલેજ મેનેજમેન્ટે પોલીસ પર બેદરકારીનો આરોપ મૂકીને દાવો કર્યો કે પોલીસ હિંસા દરમિયાન કામગીરી બજાવવામાં નિષ્ફળ ગઈ.
લાખોની વસ્તુઓની લૂંટ
લાલમુસા સદ્દર પોલીસે PGC પ્રોપર્ટીમાં તોડફોડ કરવા અને અંદાજે ₹15 મિલિયનની કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરવા બદલ 250થી વધુ વ્યક્તિઓ સામે કેસ નોંધ્યા છે, જેમાં 45 શંકાસ્પદ લોકોનાં નામ છે. એ જ રીતે ખારિયન સદર પોલીસે 200 વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો હતો, જેમાં 46 ઓળખાયેલ શંકાસ્પદોનો સમાવેશ થાય છે.
અહેવાલ અનુસાર મંડી, બહાઉદ્દીન અને જેલમમાં અન્ય PGC કેમ્પસમાં પણ તોડફોડ, મિલકતને આગ લગાડવા અને લાખોની કિંમતની વસ્તુઓની ચોરી સહિતની ઘટનાઓ સામે આવી હતી. એક ક્રેકડાઉનમાં, ગુજરાત (પાકિસ્તાનનું ગુજરાત) જિલ્લાની પોલીસે હિંસક વિરોધ સાથે જોડાયેલા ઓછામાં ઓછા 92 લોકોની ધરપકડ કરી હતી અને વધુ શકમંદોને પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે વિરોધ ‘રાજકીય રીતે પ્રેરિત’ હતો. તેમણે અશાંતિ ઉશ્કેરનારાઓની સંપૂર્ણ તપાસનું વચન આપ્યું હતું. ગુજરાતના ડેપ્યુટી કમિશનર સફદર વિર્કે જિલ્લાની તમામ જાહેર અને ખાનગી કોલેજોને 19 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો અને મેનેજમેન્ટને હોસ્ટેલ ખાલી કરવા સૂચના આપી હતી.