ખાલિસ્તાની તુષ્ટિકરણમાં ડૂબેલા અને ભારત સામે લાલ આંખ કરવાના નિષ્ફળ પ્રયાસ કરતા કેનેડા સામે હવે ભારતે કડક વલણ અપનાવવાનું ચાલુ કર્યું છે. કેનેડામાંથી હાઇકમિશનર બોલાવી લીધા બાદ હવે ભારતે અહીં કેનેડિયન દૂતાવાસમાંથી 6 ડિપ્લોમેટ્સ નિષ્કાસિત કરી દીધા છે.
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદી અનુસાર, 6 ડિપ્લોમેટ્સને ભારત છોડવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તેમણે શનિવાર (12 ઑક્ટોબર) રાત્રે 12 વાગ્યા પહેલાં દેશ છોડી દેવાનો રહેશે. નિષ્કાસિત રાજદ્વારીઓમાં એક્ટિંગ હાઇકમિશનર, ડેપ્યુટી હાઇકમિશનર અને ચાર ફર્સ્ટ સેક્રેટરીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભારતે કેનેડામાંથી ભારતીય હાઇકમિશનરને પરત બોલાવી લીધા હતા. આ કાર્યવાહી ટ્રુડો સરકાર દ્વારા સતત ભારત સરકાર વિરુદ્ધ લગાવવામાં આવી રહેલા ખોટા આરોપોને પગલે કરવામાં આવી રહી છે.
ગત વર્ષે કેનેડિયન PM ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકીની હત્યાના આરોપો લગાવ્યા બાદ તાજેતરમાં કેનેડિયન સરકારે આ મામલે ચાલતી તપાસમાં ભારતીય કમિશનર અને અન્ય ડિપ્લોમેટ્સને ‘પર્સન ઑફ ઇન્ટરેસ્ટ’ ગણાવ્યા હતા. ત્યારબાદ ભારતે કડક વલણ અપનાવ્યું.