Sunday, November 24, 2024
More
    હોમપેજગુજરાતજે ‘પત્રકાર’ની ધરપકડ બાદ ઇકોસિસ્ટમ કરી રહી છે રડારોળ, તેના ઘરેથી પોલીસને...

    જે ‘પત્રકાર’ની ધરપકડ બાદ ઇકોસિસ્ટમ કરી રહી છે રડારોળ, તેના ઘરેથી પોલીસને મળ્યા હતા ₹20 લાખ રોકડા, સોનાનાં ઘરેણાં અને જમીનના દસ્તાવેજ: આમ જ નથી થઈ કાર્યવાહી, જાણો શું છે કેસ

    કોઈ વળી કહે છે કે ગુજરાતમાં સ્વતંત્ર અને ટીકાકાર પત્રકાર હોવું સરળ વાત નથી. કોઈ પણ વાત હોય, ગુજરાતને ઘસડી લાવવામાં આ ટોળકી ક્ષણનો પણ વિલંબ કરતી નથી. 

    - Advertisement -

    બે દિવસ પહેલાં GST વિભાગે ગુજરાતમાં અનેક ઠેકાણે દરોડા પાડીને કરોડોનું કૌભાંડ ઉજાગર કર્યું હતું. જેના પગલે વિભાગની ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) અમુક વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને ચારની ધરપકડ કરી લીધી હતી. તેમાંથી એક અમદાવાદનો એક પત્રકાર પણ છે. મહેશ લાંગા (Mahesh Langa) નામક આ ‘પત્રકાર’ અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’ માટે કામ કરે છે. 

    મહેશ લાંગાનું સ્થાન વામપંથી ઇકોસિસ્ટમમાં જાણીતું છે. એટલે જેવું તેમનું નામ આ કૌભાંડમાં બહાર આવ્યું અને ધરપકડ થઈ કે તરત આ ઇકોસિસ્ટમના તથાકથિત પત્રકારોથી માંડીને કથિત એક્ટિવિસ્ટોએ રડારોળ કરી મૂકી અને કેસ શું છે અને કયા કારણોસર ધરપકડ કરવામાં આવી છે તે કહ્યા-બોલ્યા વગર એવું સાબિત કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા કે મહેશ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર વિરુદ્ધ લખતા રહે છે એટલે તેમની વિરુદ્ધ ‘અવાજ દબાવી દેવા માટે’ કાર્યવાહી કરવામાં આવી. 

    આમાં TMC સાંસદ સાકેત ગોખલે પણ છે, જેમણે લાંબો નિબંધ લખીને સરકારને દોષી ઠેરવવાના પ્રયાસ કર્યા છે. તેઓ મહેશ લાંગાને ‘નીડર’ પત્રકાર ગણાવે છે અને કહે છે કે આ સરકારનો અન્ય પત્રકારોના અવાજને દબાવવાનો પ્રયાસ છે. સાથે એજન્સીઓને પણ દોષ આપીને કહે છે કે તેઓ સરકાર માટે કામ કરે છે. PM મોદી અને ભાજપને પણ તેમણે સંડોવ્યા છે. 

    - Advertisement -

    NDTV પત્રકાર નદીમ કાઝમી કહે છે કે પત્રકારો હવે સરળ ટાર્ગેટ છે. પરંતુ એ જણાવતા નથી કે પત્રકાર હોય તેનાથી ગમે તે કરવાનો પરવાનો મળી જતો નથી. 

    કોઈ વળી કહે છે કે ગુજરાતમાં સ્વતંત્ર અને ટીકાકાર પત્રકાર હોવું સરળ વાત નથી. કોઈ પણ વાત હોય, ગુજરાતને ઘસડી લાવવામાં આ ટોળકી ક્ષણનો પણ વિલંબ કરતી નથી. 

    અમુક વળી મહેશ લાંગાએ તાજેતરમાં ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લઈને કોઈ મુદ્દો ઉઠાવ્યો હોવાના કારણે સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હોવાનું ધુપ્પલ ચલાવ્યું છે, જ્યારે હકીકતે તો તેને આ કેસ સાથે કશું જ લગતું-વળગતું નથી. આનાથી ફાલતુ મુદ્દાઓ કથિત યુ-ટ્યુબ પત્રકારો ઉઠાવતા રહે છે અને સરકાર તેમને પણ ગંભીરતાથી લેતી નથી. 

    કશુંક કાર્યવાહી થાય ત્યારબાદ આ કારણ ધરીને વિક્ટિમ કાર્ડ રમવામાં આમ પણ આ ટોળકીને કોઈ પહોંચી વળે તેમ નથી. તાજો કિસ્સો મહેશ લાંગાનો છે. તેમના મિત્રોની ટોળકી એ જ સાબિત કરવા મથી રહી છે કે સરકારે ખોટો કેસ કરીને તેમને ફસાવી દીધા છે. હવે કેસ સાચો છે કે ખોટો એ તો તપાસનો વિષય છે, પણ અત્યાર સુધી જે વિગતો સામે આવી છે તેની ઉપર નજર કરવી જોઈએ. 

    GST વિભાગની ફરિયાદ પર થઈ FIR

    આ કેસની ફરિયાદ ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કુલ 13 ફર્મ અને તેના પ્રોપરાઇટર્સ વિરુદ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રોડ માટે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. FIRમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ સાથે મળી ગુનાહિત ષડ્યંત્ર રચીને બનાવટી બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજૂઆત દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને દેશની કરોડોની આવકને નુકસાન પહોંચાડ્યું છે. બનાવટી દસ્તાવેજોના આધારે લગભગ આવી 220 બેનામી ફર્મ બનાવવામાં આવી હતી, જેનો ઉપયોગ આ રેકેટ માટે કરવામાં આવ્યો. 

    હવે આ કેસમાં મહેશ લાંગાનું નામ કઈ રીતે ખુલ્યું એ જોઈએ. 

    કૌભાંડમાં એક ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની ફર્જી કંપની સામે આવી હતી. તેના દસ્તાવેજો તપાસતાં તેમાં મહેશ લાંગાની પત્નીનું નામ ખૂલ્યું હતું. તેમની પૂછપરછ કરવામાં આવી તો તેમને આ બાબતની કાંઈ જાણ ન હોવાનું જણાવ્યું. ત્યારબાદ મહેશની પણ પૂછપરછ કરવામાં આવી. 

    ‘દિવ્ય ભાસ્કર’નો રિપોર્ટ જણાવે છે કે, પ્રાથમિક પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચે મહેશ લાંગાને બોલાવતાં તેમણે બહુ આનાકાની કરી હતી અને રાજકીય દબાણમાં પોતાને બોલાવવામાં આવ્યો હોવાનો માહોલ ઉભો કરવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ પોલીસ એકની બે ન થઈ અને પૂછપરછ ચાલુ રાખી. 

    FIRમાં એક DA એન્ટરપ્રાઇઝ નામની કંપનીનું નામ છે. જેના પ્રોપરાઈટર તરીકે મનોજ લાંગાનું નામ છે. જે મહેશ લાંગાનો પિતરાઈ ભાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ફર્મમાં મહેશ લાંગાની પત્ની પાર્ટનર છે. 

    અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકે જણાવ્યું હતું કે, “મહેશની પત્ની GST ફ્રોડમાં સંડોવાયેલી એક ફર્મમાં ડાયરેક્ટર છે. જોકે ક્રાઈમ બ્રાન્ચે તેમની પૂછપરછ કરી તો તેમણે જણાવ્યું કે, આવી કંપની વિશે કે તેમાં પોતાના નામનો ઉપયોગ થયો હોવા વિશે તેને કોઈ જાણ નથી. ત્યારબાદ પોલીસે મહેશ લાંગાની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તે જ આખી ફર્મ સંભાળતો હતો.”

    FIRમાં નામ ન હોવાને બનાવાય રહ્યો છે મુદ્દો, પણ પોલીસે કરી સ્પષ્ટતા 

    હવે FIRમાં મહેશ લાંગાનું નામ ન હોવા પર પણ ઘણા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. પણ પોલીસે અહીં સ્પષ્ટ કર્યું છે કે, FIRમાં નામ ન હોય તેનો અર્થ એ નથી કે તે આરોપી નથી. તપાસમાં તેની ભૂમિકા જાણવા મળી હતી, જેના કારણે પછીથી ધરપકડ કરવામાં આવી. અહીં નોંધવું જોઈએ કે એવો ક્યાંય નિયમ નથી કે FIRમાં જેનાં નામ હોય તેની જ ધરપકડ કરી શકાય. તપાસમાં જે કોઈ આરોપી નીકળે તેને પોલીસ પકડી શકે છે. ઘણી FIRમાં લખવામાં પણ આવે છે, આ આરોપીઓ અને બાકીના તપાસમાં નીકળે એ. આવું જ અહીં પણ થયું છે. 

    અહીં એવું પણ નથી કે પોલીસને મહેશ પાસેથી કોઈ પુરાવા ન મળ્યા હોય. તપાસ કરતાં તેના ઘરેથી 20 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ઉપરાંત સોનાનાં ઘરેણાં અને 4 અલગ-અલગ જમીનોના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. પોલીસે આ રોકડા અને સોનું ક્યાંથી આવ્યા તેની વિગતો માંગતાં કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યા ન હતા. ત્યારબાદ ધરપકડ કરવામાં આવી. 

    10 દિવસ માટે પોલીસ રિમાન્ડ પર 

    કેસમાં તાજા સમાચાર અનુસાર, મહેશ લાંગા અને અન્ય આરોપીઓને 10 દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. પોલીસે કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આખરે કોર્ટે 10 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. અન્ય આરોપીઓ એજાઝ, અબ્દુલ અને જ્યોતિષ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં