પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં એક 9 વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યાની એક ઘટના સામે આવી છે. તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો પણ આરોપ છે. ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળ પોલીસે શરૂઆતમાં પૂરતું ધ્યાન ન આપતાં સ્થાનિકો આક્રોશિત થઈ ગયા હતા અને રસ્તા પર ચક્કાજામ કરીને પોલીસ ચોકીને આગ પણ લગાવી દેવામાં આવી હતી. જોકે, પછીથી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકી શુક્રવારે (4 ઑક્ટોબર, 2024) દક્ષિણ 24 પરગણાના મહિષામારીમાં ટ્યુશન ગઈ હતી. ઘણો લાંબો સમય વીતવા છતાં તે ઘરે પરત ન ફરી. અંતે પરિવારે ગભરાઈને તેની શોધખોળ આદરી. ખૂબ જ શોધવા છતાં તેની કોઈ ભાળ ન મળતા અંતે પરિવારે પોલીસ પાસે મદદ માંગી હતી. પરિવારે આરોપ લગાવ્યા હતા કે પોલીસ દ્વારા તેમને પ્રતાડિત કરવામાં આવ્યા. અંતે બાળકીના ગાયબ થવાની ફરિયાદ દાખલ કરવામાં આવી. જોકે પોલીસ હજુ બાળકીને શોધે તે પહેલાં જ બીજા દિવસે એટલે કે શનિવારની સવારે તેનો મૃતદેહ એક ખેતર નજીકથી નહેરમાંથી મળી આવ્યો હતો. આરોપ છે કે બાળકીના શરીર પર અનેક ઘાનાં નિશાન પણ જોવા મળ્યાં.
પોલીસ સ્ટેશનમાં લગાવી આગ
બાળકીનું મોત થયું હોવાની જાણ થતાં જ પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. બીજી તરફ સ્થાનિક ગ્રામજનો પણ આક્રોશિત થઇ ઉઠ્યા અને રસ્તા પર ઉતરી આવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ આ મામલે કોઈ જ તપાસ નથી કરી રહી. તેવામાં રસ્તા પર ઉતરી આવેલા લોકોએ આક્રોશમાં આવીને પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને તેના એક હિસ્સામાં આગ ચાંપી દીધી હોવાનું પણ સામે આવ્યું છે.
In another shocking incident in West Bengal, an 11 year old minor Hindu girl, is abducted, brutally raped and murdered, while she was returning back from tuition, in the Kripakhali area, under Kultali police station. The villagers found her lifeless body from the riverbank.… pic.twitter.com/CjNJJtMdJv
— Amit Malviya (@amitmalviya) October 5, 2024
આ હોબાળાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આક્રોશિત ગ્રામજનો પોલીસ સ્ટેશનને ઘેરીને તેમાં તોડફોડ કરી રહ્યા છે. લોકોએ પોલીસ પર પણ હુમલો કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ જનાક્રોશ એટલો તીવ્ર હતો કે પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આક્રોશિત લોકોએ આટલેથી જ ન અટકતા પોલીસ મથકમાં જ આગ લગાવીને તેને ફૂંકી માર્યું હોવાનું પણ સામે આવ્યું હતું.
ઘટનાથી ભાજપ આકરા પાણીએ
નોંધવું જોઈએ કે પશ્ચિમ બંગાળમાં કલકત્તાની આરજી મેડિકલ કોલેજની વિદ્યાર્થિની સાથે બળાત્કાર અને હત્યાના કેસના પડઘા હજુ પણ શાંત નથી થયા. વિદ્યાર્થીઓ હજુ પણ ન્યાય ની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે બાળકીની હત્યા અને બળાત્કારના આરોપ બાદ ફરી એક વાર મમતા બેનર્જીની સરકાર સવાલોના ઘેરામાં છે. આ મામલે ભાજપ પણ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. ભાજપ નેતા અમિત માલવિયા એ X પર પોસ્ટ કરીને પોલીસ દ્વારા ઢીલી કાર્યવાહી અને મમતા બેનર્જીની TMC સરકારની આકરા શબ્દોમાં નિંદા કરી છે.
તેમને પોસ્ટ કરીને કહ્યું કે, “દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળમાં દેવી શક્તિની ઉપાસના કરવાનો ઉત્સવ છે અને આવા જ દુર્ગા પૂજા દરમિયાન મહિલાઓ અસુરક્ષિત છે. જ્યાં સુધી રાજ્યમાં ‘અસુરી શક્તિઓ’ ખતમ નહીં કરવમાં આવે ત્યાં સુધી આ પ્રકારના અપરાધી થતા રહેવાના. બંગાળમાં મહિલાઓની સુરક્ષામાં મમતા બેનર્જી નિષ્ફળ રહ્યાં છે.”
તો આ મામલે બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે પણ પોસ્ટ કરીને દાવો કર્યો કે બાળકી સાથે બળાત્કાર થયો છે. તેમણે આ પોસ્ટમાં મમતા બેનર્જીનું રાજીનામું માંગ્યું છે. બીજી તરફ ઘટનામાં પોલીસે એક 19 વર્ષના મુસ્તકિન સરદાર નામના યુવકની ધરપકડ કરી છે. આ મામલે વિરોધ પ્રદર્શનો પણ હજુ ચાલુ જ છે.