Saturday, November 23, 2024
More

    ₹500 કરોડની ગેરરીતિ મામલે એલ્વિશ યાદવ, ભારતી સિંઘ સહિત પાંચને દિલ્હી પોલીસના સમન્સ

    દિલ્હી પોલીસે ₹500 કરોડની ગેરરીતિ સાથે જોડાયેલા એપ આધારિત કૌભાંડ મામલે યુ-ટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંઘ સહિત પાંચ લોકોને સમન્સ પાઠવ્યા છે. દિલ્હી પોલીસના એક અધિકારી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી.

    અધિકારીએ આ આ ઘટના વિશે જણાવ્યું હતું કે, પોલીસને આ અંગેની 500થી વધુ ફરિયાદો મળી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્યુલન્સર અને યુ-ટ્યુબર્સે પોતાના આધિકારિક પેજ પર HIBOX મોબાઈલ એપ્લિકેશનનો પ્રચાર કર્યો હતો અને લોકોને તે એપ દ્વારા રોકાણ કરવા માટેની લાલચ આપી હતી.

    પોલીસે જણાવ્યું છે કે, આ કૌભાંડના મુખ્ય આરોપી શિવરામની ચેન્નાઈથી ધરપકડ કરી લેવામાં આવી છે. ફરિયાદ અનુસાર, સૌરવ જોશી, અભિષેક મલ્હાન, પૂરવ ઝા, એલ્વિશ યાદવ, ભારતી સિંઘ, હર્ષ લિંબાચિયા, લક્ષ્ય ચૌધરી, આદર્શ સિંઘ, અમિત અને દિલરાજ સિંઘ રાવત સહિતના સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ઇન્ફ્યુલન્સર્સે એપ્લિકેશનનો પ્રચાર કરીને લોકોને તેમાં રોકાણ કરવા માટેની લાલચ આપી હતી.

    ઘટનાને લઈને DCPએ જણાવ્યું છે કે, આ એપ્લિકેશન દ્વારા આરોપીઓએ દરરોજ એકથી પાંચ ટકા વળતરની ખાતરી આપી હતી, જે એક મહિનામાં 30થી 90 ટકા જેટલું થાય છે. જોકે, શરૂઆતમાં રોકાણકારોને સારું વળતર પણ મળ્યું હતું, પરંતુ જુલાઈ બાદ આ એપ્લિકેશને અનેક બહાના કાઢીને પેમેન્ટ રોકી દીધું હતું અને હવે આ કંપની યુપીના નોઇડામાં પોતાની ઓફિસ બંધ કરીને ગાયબ થઈ ગઈ છે.