જ્યારથી વડાપ્રધાન મોદીએ દેશની સુકાન સાંભળી છે, ત્યારથી વિશ્વ આખાનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. એક સમયે ભારતને ઉતરતા ક્રમમાં ગણતા રાષ્ટ્રો આજે વખાણ કરતા નથી થાકી રહ્યા. ત્યારે હવે વિશ્વના દેશો ઈચ્છે છે ભારત UNSCનું સ્થાયી સભ્ય બને. આ માટે અમેરિકા, રશિયા, ફ્રાંસ, ચીલી સહિતના દેશોએ તાજેતરમાં જ ભારતને સમર્થન આપ્યું છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, અમેરિકન વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન, ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક તેમજ રશિયાના વિદેશ મંત્રી સર્ગે લવરોવે આ મામલે પ્રતિક્રિયાઓ આપીને ભારતનું સમર્થન કર્યું હતું.
સહુથી પહેલા વાત કરીએ ફ્રાંસની તો ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તાજેતરમાં જ UNSCના સંબોધન આપતા ભારત માટે સ્થાયી સ્થાનને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવે સમય આવી ગયો છ કે સંયુક્ત રાષ્ટ્ર પરિષદનો વિસ્તાર વધારવામાં આવે અને તેમાં વધુ દેશોને સ્થાયી રીતે શામેલ કરવામાં આવે. તેમનું આ નિવેદન 25 સપ્ટેમ્બર 2024ના રોજ સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, “ફ્રાંસ સુરક્ષા પરિષદના વિસ્તારના પક્ષમાં છે. ભારત, જર્મની, જાપાન અને બ્રાજીલ તેના સ્થાયી સભ્ય બનવા જોઈએ.”
#WATCH | President Macron of France addressed the UN General Debate on 25th September, he said, "France is in favour of the Security Council being expanded. Germany, Japan, India and Brazil should become permanent members, as well as two countries that Africa would designate to… pic.twitter.com/yIACTqHTHV
— ANI (@ANI) September 26, 2024
રશિયા પણ ભારતને સ્થાયો સભ્ય બનાવવાના સમર્થનમાં
ફ્રાંસ જ નહીં, રશિયા પણ ભારતને પરિષદનું સ્થાયી સભ્ય બનાવવાના સમર્થનમાં છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગે લવરોવે સંયુક્ત રાષ્ટ્રના 79માં અધિવેશનમાં ભાગ લેતા પહેલા જ ભારતને સમર્થન આપવાની વાત કરી હતી. તેમણે રશિયન મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “વિકાસશીલ દેશોનું સુરક્ષા પરિષદમાં પ્રતિનિધિત્વ ઓછું છે. જેવું કે અમે હમેશા કહેતા આવીએ છીએ કે અમે ભારત અને બ્રાઝિલને પરિષદમાં સ્થાયી સભ્ય બનાવવાના સમર્થનમાં છીએ.”
તેમણે આગળ જણાવ્યું કે, “આપણે આફ્રિકી દેશોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની પણ જરૂર છે. આફ્રિકામાં સંયુક્ત સમુખી પરિસ્થિતિઓ છે જેનું અમે સન્માન કરીએ છીએ. અમે નવા સભ્યોને ઉમેરવાના સમર્થનમાં છીએ અને તેના માટે તૈયાર પણ છીએ.”
અમેરિકાએ પણ ભારત સહિત નવા સભ્યોને ઉમેરવા પર આપ્યું સમર્થન
ફ્રાંસ અને રશિયા ઉપરાંત અમેરિકાએ પણ ભારતને UNSIના સ્થાયી સભ્ય બનાવવા પર સહમતી દર્શાવી છે. આ મામલે 79મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ફ્યુચર’ને સંબોધિત કરતા અમેરિકન વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદમાં વિકાસશીલ દેશોના સક્રિય પ્રતિનિધિત્વ માટે અમેરિકાએ હંમેશા સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, “અમેરિકા ઘણા લાંબા સમયથી ભારત, જાપાન અને જર્મનીને સ્થાયી સભ્ય બનાવવા માટે સમર્થન આપતું રહ્યું છે.”
તેમણે વધુમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારની તાતી જરૂર છે. અમેરિકાનું માનવું છે કે આ સુધારથી આફ્રિકા માટે બે સ્થાયી બેઠકો, નાના દ્વીપવાળા વિકાસશીલ દેશો માટે એક રોટેશનલ બેઠક અને લેટિન અમેરિકા તેમજ કેરેબિયન દેશો માટે સ્થાયી પ્રતિનિધિત્વ ઉમેરવું જોઈએ. આ ઉપરાંત અમેરિકાએ હંમેશા ભારત, જાપાન અને જર્મનીને સ્થાયી સભ્ય બનાવવા માટે સમર્થન આપ્યું છે.
ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ભારતના સમર્થનમાં
બીજી તરફ ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક દ્વારા પણ ભારતને સ્થાયી સભ્ય બનાવવા સમર્થન જાહેર કર્યું છે. તેમણે ન્યૂ યોર્કમાં આયોજિત 79માં સત્રમાં પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે, “હું સવારથી સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા અને અમેરિકાના રાષ્ટ્રપતિને સુધારા માટે પોતાની સહમતી વ્યક્ત કરતા સાંભળ્યા. મેં તે પણ જોયું કે કોણ કોને સમર્થન આપી રહ્યું છે અને કોનો વિરોધ કરી રહ્યું છે.”
તેમણે કહ્યું, “ચીલી તરફથી મારો પ્રસ્તાવ છે કે આ મોટા સુધારાઓ માટે એક સીમા નિર્ધારિત કરવામાં આવે અને હવે જયારે સંયુક્ત રાષ્ટ્ર 80 વર્ષનું થવા જઈ રહ્યું છે તો વર્તમાન સમય અનુરૂપ તેમાં ફેરબદલ લાવવો જોઈએ. આ ફેરબદલમાં ભારત તેમજ લેટિન અમેરિકાથી બ્રાઝિલ માટે સ્થાયી બેઠક હોવી જ જોઈએ. જરૂરી ફેરબદલ કરી જ શકાય, તેમાં એવું કશું જ નથી જે તેને રોકી શકે, સિવાય કે આપણી ઈચ્છાશક્તિ.”
વર્તમાનમાં માત્ર પાંચ જ દેશો સ્થાયી સભ્યો જેમાંથી 3 ભારતના સમર્થનમાં
અહીં નોંધવું જરૂરી છે કે વર્તમાન સમયમાં માત્ર પાંચ જ એવા દેશો છે જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યો છે. આ દેશોમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, બ્રિટેન અને ચીનનો સમાવેશ થાય છે. તે પણ નોંધવું જોઈએ કે આ સ્થાયી સભ્યોમાંથી અમેરિકા, રશિયા અને ફ્રાંસ ભારત UNSCનું સ્થાયી સભ્ય બને તેના સમર્થનમાં છે.
બીજી તરફ ચીન આ મામલે ભારતનો વિરોધ કરતુ આવ્યું છે. ઘણા લાંબા સમયથી ચીન એવા પ્રયત્નો કરતું આવ્યું છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય ન બને. બીજી તરફ ભારતના વધતા જતા મહત્વ અને તેની વિકાસની ગતિ જોઇને બાકીના અનેક દેશો ઈચ્છે છે કે ભારત UNSCનું સ્થાયી સભ્ય બને.