Friday, September 20, 2024
More
    હોમપેજદેશબિહારના નવાદામાં આગચંપી બાદ અનેક ઘરો બળીને ખાક: બે દલિત સમુદાયો વચ્ચે...

    બિહારના નવાદામાં આગચંપી બાદ અનેક ઘરો બળીને ખાક: બે દલિત સમુદાયો વચ્ચે ચાલતો હતો જમીન વિવાદ, પણ INDI ગેંગ એટ્રોસિટીનો નરેટિવ આગળ વધારવા સક્રિય 

    આગમાં 25 ઘરો બળીને ખાક થઈ ગયાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતાં કાફલો તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે આસપાસનાં 5 પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બોલાવી લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    બુધવારે (18 સપ્ટેમ્બર) રાત્રિના સમયે બિહારના (Bihar) નવાદામાં (Nawada) એક દલિત (Dalit) વસ્તીમાં ગોળીબાર બાદ આગ ચાંપી (Fire) દેવામાં આવી હોવાની ઘટના સામે આવી. જમીનને લઈને લાંબા સમયથી ચાલતા વિવાદને પગલે દલિત સમુદાયના જ બે પક્ષો સામસામે થઈ ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસે 15 વ્યક્તિઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે અને હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

    સમગ્ર મામલો નવાદા જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના દાદૌરમાં સ્થિત કૃષ્ણ નગર દલિત વસ્તીનો છે. અહીં માંઝી અને પાસવાન સમુદાયો વચ્ચે ઘણા સમયથી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જાણવા મળ્યું છે કે ઘણાં વર્ષોથી માંઝીઓ જે જમીન પર રહે છે તે જમીનને પાસવાનો વેચવા માંગે છે. આ મામલો પછીથી કોર્ટમાં પણ પહોંચ્યો હતો. પરંતુ બુધવારે રાત્રે પરિસ્થિતિ વધુ વણસી જ્યારે પાસવાન સમુદાયના અમુક લોકો માંઝી વસ્તી ખાતે પહોંચી ગયા અને ધમાલ શરૂ કરી હતી.

    ગ્રામજનોએ જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે લગભગ 8 વાગ્યે પ્રાણ બિઘાના નંદુ પાસવાન નામક ભૂમાફિયાએ સેંકડો લોકો સાથે મળીને હુમલો કરી દીધો હતો. દરમ્યાન ગોળીબાર પણ થયો હોવાની અને ગ્રામજનો સાથે મારપીટ કરવામાં આવી હોવાની પણ ફરિયાદ થઈ છે. આરોપ છે કે ત્યારબાદ પેટ્રોલ છાંટીને અમુક ઘરોને આગ ચાંપી દેવામાં આવી.

    - Advertisement -

    આ આગમાં 25 ઘરો બળીને ખાક થઈ ગયાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતાં કાફલો તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે આસપાસનાં 5 પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બોલાવી લેવામાં આવ્યો હતો. પોલીસે પછીથી પીડિતોની ફરિયાદના આધારે 15 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછ અને વધુ તપાસ હાલ ચાલી રહી છે.

    આ મામલે નવાદાના પોલીસ અધિક્ષક (SP) અભિનવ ધીમાને જણાવ્યું હતું કે, “સાંજે 7 વાગ્યે નવાદાના માંઝી ટોલા વિસ્તારમાં કેટલાંક ઘરોમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવા માટે ફાયર ટેન્ડરો પણ તહેનાત કરવામાં આવ્યાં હતાં. આગ ઓલવવામાં થોડો સમય લાગ્યો હતો.”

    મહત્વની બાબત એ છે કે નવાદામાં દલિતો દ્વારા જ જમીન પડાવી પાડવા માટે થઈને દલિતોની વસ્તીમાં જ આગ લગાવી દીધી હતી. આ મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આકરી પ્રતિક્રિયા આપી છે. CM નીતિશ કુમારે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવાની છૂટ નથી. આ મામલામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    વિવાદ બે દલિત સમુદાયનો, પણ વિપક્ષ જાતિવાદનો એન્ગલ ઘૂસાડવામાં વ્યસ્ત

    અહીં સ્પષ્ટ છે કે વિવાદ બે દલિત સમુદાયો વચ્ચે જ છે અને જમીનને લઈને છે. તેમ છતાં વિપક્ષી રાજકારણીઓએ આમાં પણ જાતિવાદી એન્ગલ ઘૂસાડી દઈને રાજકારણ શોધી કાઢ્યું છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ છે અને RJD નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ.

    ખડગેએ X પર એક પોસ્ટ કરીને બિહારની NDA સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા. તેમણે કહ્યું, બિહારના નવાદામાં મહાદલિત વસ્તી પર દબંગોનો આતંક NDAની ડબલ એન્જિન સરકારના જંગલરાજનું વધુ એક પ્રમાણ છે. અત્યંત નિંદનીય છે કે લગભગ 100 દલિત ઘરોમાં આગ લગાવવામાં આવી, ગોળીબાર કરવામાં આવ્યો અને રાત્રિના અંધારામાં ગરીબ પરિવારો પાસેથી બધું જ આંચકી લેવામાં આવ્યું. ભાજપ અને તેના સહયોગી પક્ષોની દલિતો-વંચિતો પ્રત્યે ઘોર ઉદાસીનતા, ઉપેક્ષા અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન હવે ચરમ પર છે. તેમણે PM મોદી પર પણ સવાલો ઉઠાવી દીધા અને CM નીતીશ કુમારને પણ ઘેર્યા.

    RJD નેતા તેજસ્વી યાદવે પણ X પર એક પોસ્ટ કરી હતી. તેમણે મહા જંગલરાજ, મહા દાનવરાજ અને મહા રાક્ષસરાજ જેવા શબ્દો વાપર્યા અને કહ્યું કે, નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારના રાજમાં બિહારમાં આગ જ આગ છે. આગળ કહ્યું કે, દલિતો પર અત્યાચાર સહન કરવામાં નહીં આવે.  

    જાતિની વાત હોય અને રાહુલ ગાંધી પાછળ રહે તે કેમ બને. તેમણે પણ હકીકત પર પ્રકાશ પાડવાના સ્થાને વાતને જાતિવાદ તરફ વળાંક આપી દીધો. X પર એક પોસ્ટમાં તેઓ લખે છે કે, આ ઘટના બહુજનો વિરુદ્ધ અન્યાયની ભયાનક તસવીર ઉજાગર કરે છે. આગળ લખ્યું કે, ભાજપ અને NDAની સહયોગી પાર્ટીઓના નેતૃત્વમાં આવા અરાજક તત્વો શરણ પામે છે અને બહુજનોને ડરાવે છે, દબાવે છે, જેથી તેઓ સામાજિક અને બંધારણીય અધિકારો પણ માંગી ન શકે. 

    અહીં નેતાઓ એ ઉલ્લેખ કરવાથી બચી રહ્યા છે કે આ વિવાદ એક જ સમુદાયના વ્યક્તિઓ વચ્ચે છે અને તેમાં પણ જાતિનો કોઈ વિષય નથી. વિવાદ થઈ રહ્યો છે વ્યક્તિગત દુશ્મનાવટના કારણે. પરંતુ મુદ્દો એ રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે, જેથી જાતિવાદ તરફ વાત જતી રહે. જ્યારે હકીકતે આમાં વિવાદનું કારણ જાતિ છે જ નહીં.

    નેતાઓએ પોસ્ટ કર્યા બાદ તેમના સમર્થકો અને વિપક્ષી પાર્ટીના અન્ય નેતાઓ પણ ‘દલિત એટ્રોસિટી’નો નરેટિવ આગળ વધારવામાં વ્યસ્ત થઈ ગયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં