અમદાવાદમાં એક 16 વર્ષની હિંદુ સગીરાને મોડેલિંગ અને ફિલ્મોમાં કામ આપવાની લાલચે દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનામાં ત્રણ મુખ્ય આરોપી મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમની ઓળખ સરીન બાનુ, ઝરીના શેખ અને અફસાના બાનુ છે. આ ત્રણેય મહિલાઓ હિંદુ સગીરાને નશાકારક પદાર્થ આપી બુરખો પહેરાવી દેહ વ્યાપાર કરાવવા લઈ જતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે આખરે બજરંગ દળ કાર્યકર્તાઓને જાણ થતાં તેમણે પીડિતાને બચાવી લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝરીના શેખ, અફસાના બાનુ અને સરીન બાનુ પહેલેથી જ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી છે. મૂળ બિહારની અને વટવા ખાતે રહેતી સગીરા અફસાનાના સંપર્કમાં આવી હતી. તેણે તેને મોડેલિંગ અને ફિલ્મોની લાલચમાં લાવીને પોતાની વાતોમાં ફસાવી લીધી હતી. અફસાના બાનુએ સગીરાને ફસાવવા એમ કહ્યું હતું કે તેનો એક ભાઈ દુબઈમાં છે અને મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને એની એક બહેન મુંબઈ ખાતે રહે છે અને અભિનેત્રી છે. બાળકી તેની આ મોટી-મોટી વાતોમાં આવીને ફસાઈ ગઈ હતી.
સગીરા તેની વાતોમાં આવી જતાં તેણે તેને શરૂઆતમાં ખૂબ જ સારી રીતે રાખી. થોડા સમય બાદ તેણે બાળકીને બુરખો પહેરાવી અને નશાકારક દવા પીવડાવી એક હોટલમાં લઈ ગઈ હતી. જ્યાં નશાની હાલતમાં તેની સાથે દેહ વ્યાપાર કરાવ્યો. તેની આ કરતૂતમાં સરીન અને અફસાના પણ શામેલ હતી. મોટી વાત એ છે કે બાળકી પ્રતિકાર ન કરી શકે અને કોઈને ખબર ન પડે કે તે સગીર વયની છે તે માટે આ ત્રણેય મહિલાઓ તેને સતત નશીલી દવાઓ પીવડાવતી રહેતી હતી.
આ બધા વચ્ચે બાળકીને પોતે છેતરાઈ હોવાનું લાગતાં જ તે બિહાર ભાગી ગઈ હતી. તેના બિહાર ગયા બાદ પણ ત્રણેય મહિલાઓ સતત તેને ફોન કરીને પરત આવવા ધાક-ધમકીઓ આપી રહી હતી. તેમનાથી ડરીને પીડિતા પછી અમદાવાદ આવી પહોંચી અને અફસાનાએ તેને પોતાની પાસે બોલાવી લીધી હતી. બાળકી તેમનાથી એટલી ડરી ગઈ હતી કે અફસાના બાનુના કહેવા મુજબ દેહ વ્યાપારમાં જોતરાઈ ગઈ.
સ્થાનિક હિંદુ સંગઠન મદદે આવ્યું અને ઘટનાનો ઘટસ્ફોટ થયો
બીજી તરફ બાળકીનો લાચાર પરિવાર અસહાય અનુભવી રહ્યો હતો. તેમણે તાત્કાલિક ધોરણે પોલીસ અને હિંદુ સંગઠનની મદદ માંગી. પરિવાર બજરંગ દળના મંત્રી સરોજ શુક્લા પાસે મદદ માંગતા તેમણે પરિવારને મદદ કરવાની તૈયારી દર્શાવી. આ આખું ઑપરેશન કેવી રીતે પાર પડ્યું તે જાણવા ઑપઇન્ડિયાએ સરોજ શુક્લાનો સંપર્ક કર્યો હતો. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આ ત્રણેય મુસ્લિમ મહિલાઓએ બાળકીને દેહ વ્યાપારના ધંધા સુધી લઈ ગઈ હતી.
આગળ તેમણે કહ્યું કે, “તેમણે બાળકીને પોતાની પાસે બોલાવી લીધી અને દેહ વ્યાપારમાં ધકેલી ત્યારે તેના પરિવારે તેમને બાળકી પરત આપવા જણાવ્યું હતું. પરંતુ આરોપીઓએ તેમને ધાકધમકીઓ આપી દીધી હતી. બાળકીને તેઓ એક મહિના જેટલો સમય તો અજમેર ખાતે લઈ ગયા હતા. ત્રણેય મુસ્લિમ મહિલાઓ પરિવારને સતત ધમકાવી રહી હતી. તેવામાં પરિવારે સંગઠનની મદદ માંગી અને અમે સાથે રહીને પોલીસ પાસે મદદ લીધી. આ મામલે વટવા પોલીસે પણ પ્રતિસાદ આપ્યો અને ત્રણેય આરોપી મહિલાઓની ધરપકડ કરી લીધી”
તેમણે જણાવ્યું કે, આ મામલે સતત પ્રયત્નો કરતાં બાળકી પરત આવી ગઈ છે. પરંતુ અમને આશંકા છે કે આ આખું એક મોટું સ્કેન્ડલ છે અને અને અન્ય બાળકીઓ આમાં ભોગ બની છે. સરોજ શુક્લાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે આ ઘટનામાં અમને માહિતી મળી છે કે અન્ય એક હિંદુ સગીરા પણ આનો ભોગ બની છે, પરંતુ તે પરિવાર હજુ સામે નથી આવ્યો માટે તે બાબતે કશું કહી શકાય તેમ નથી.
20 જેટલી કલમો અંતર્ગત કાર્યવાહી, ત્રણેય મહિલાની ધરપકડ
ઉલ્લેખનીય છે કે આ ઘટનાની ગંભીરતાને જોતાં વટવા પોલીસ તરત જ હરકતમાં આવી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વટવા ખાતે આવેલા ચાર માળિયામાં રહેતી અફસાનાબાનુ મોહમ્મદહનીફ શેખ, દાણીલીમડાના મોમિન પ્લાઝા ફ્લેટમાં રહેતી સિરીનબાનુ મહોમ્મદ નવાઝ શેખ અને રિલીફ રોડ ખાતે રહેતી ઝરીનબાનુ મહોમ્મદહનીફ શેખની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે ત્રણેય આરોપી મહિલાઓ વિરુદ્ધ BNSની કલમો 137(2), 64 (2)(M), 65(1), 143 (1)(A)(C)(D), 144 (1), 123, 351 (1), 75(1), 127, 54, તેમજ પોક્સો એક્ટ 2012ની કલમ 3(A), 4, 5(L), 10, 17, તેમજ દેહવ્યાપાર અધિનિયમ કલમ 3(1)(2)(A), 5(1)(A)(B)(D) અને કલમ નંબર 6 (1) (A) (B) મુજબ 20 જેટલી કલમો અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ વટવા પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળવાના કિસ્સામાં રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.