Monday, November 25, 2024
More
    હોમપેજદેશહિંદુ PM, હિંદુ CJI, ઉજવણી હિંદુ તહેવારની, તો ‘સેક્યુલર’ ગેંગને બળતરા શાની…લોકતંત્ર...

    હિંદુ PM, હિંદુ CJI, ઉજવણી હિંદુ તહેવારની, તો ‘સેક્યુલર’ ગેંગને બળતરા શાની…લોકતંત્ર ઇફ્તાર પાર્ટી વખતે પણ જોખમમાં મૂકાયું હતું?

    નક્કી એ કરવાનું છે કે આ ગેંગને સમસ્યા નરેન્દ્ર મોદી સાથે છે, ડીવાય ચંદ્રચૂડ સાથે કે પછી ગણેશજીના ઉત્સવ સાથે? કે પછી ત્રણેય સાથે? 

    - Advertisement -

    એક હિંદુ સનાતની વડાપ્રધાન એક હિંદુ મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને જઈને હિંદુ તહેવારની ઉજવણીના ભાગરૂપે ઈશ્વરની આરાધના કરે તેમાં કોઈને વાંધો ન હોવો જોઈએ. પણ PM મોદીના CJI ચંદ્રચૂડના નિવાસસ્થાને જઈને ગણેશજીની પૂજા કરતા વિડીયો-ફોટો આવ્યા છે ત્યારથી આપણે ત્યાંના લિબરલો અને સેક્યુલારિસ્ટોને વિલાપ કરવાનું બીજું એક કારણ મળી ગયું છે. ઈફ્તાર પાર્ટી કરી હોત તો ઠીક વાત હતી, પણ એક ‘સેક્યુલર’ દેશમાં આ રીતે વડાપ્રધાન અને CJI હિંદુ તહેવારની ઉજવણી કઈ રીતે કરી શકે? 

    વિપક્ષના નેતાઓથી માંડીને પોતાને પત્રકાર ગણાવનારા એજન્ડાધારીઓથી માંડીને વકીલો સુધીનાઓ સોશિયલ મીડિયા પર રડારોળ કરી રહ્યા છે. કોઇ CJIને એલફેલ બોલે છે. મોદીને ગાળો દેવાનો જોકે તો તેમનો કાયમનો ધંધો છે. કોઇનું લોકતંત્ર જોખમમાં મૂકાઈ ગયું ને કોઈએ આડીઅવળી ભાષામાં કટાક્ષ કર્યા. અમુકને આમાં પણ રાજકારણ દેખાય છે ને અડધા હિંદુદ્વેષ છુપાવી શક્યા નથી. 

    RJD નેતા મનોજ ઝાએ PM મોદીના આ વિડીયો પર વ્યંગાત્મક ટિપ્પણી કરતાં લખ્યું, “લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધેટ ઇઝ ધ સ્ટેટ ઑફ ધ રિપબ્લિક. જય હિન્દ.” થોડું લખ્યું છે પણ પીડાનું પ્રમાણ કેટલું હશે એ શબ્દો પરથી સમજી શકાય તેમ છે. 

    - Advertisement -

    એક વકીલ છે ઈન્દિરા જયસિંગ. એક પોસ્ટમાં તેઓ લખે છે કે, “ભારતના મુખ્ય ન્યાયાધીશે કાર્યકારિણી અને ન્યાયતંત્ર વચ્ચે ‘સત્તા પૃથક્કરણ’ના સિદ્ધાંત સાથે બાંધછોડ કરી છે. CJIની સ્વતંત્રતા પરથી હવે વિશ્વાસ ઉઠી ગયો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને આની જાહેરમાં ટીકા કરવી જોઈએ.”

    CJIને ટાર્ગેટ કરવામાં શિવસેના (ઉદ્ધવ) નેતા સંજય રાઉત પણ પાછળ નથી. એક પોસ્ટમાં ‘સંવિધાન કે ઘર કો આગ લગી, ઘર કે ચિરાગ સે’ લખીને અમુક કેસનો ઉલ્લેખ કરીને રાઉત લખે છે કે, “આ બધું કેમ થઈ રહ્યું છે? ક્રોનોલોજી સમજો.” 

    ટૂંકમાં જે મુખ્ય ન્યાયાધીશ અત્યાર સુધી યોગ્ય કામ કરતા જણાતા હતા અને જેમના માટે આ ટોળકીને સન્માન પણ હતું, તેઓ માત્ર એક ગણેશજીની પૂજા કરવાના કારણે વિશ્વાસ ગુમાવી ચૂક્યા અને અચાનક આ ગેંગને યાદ આવ્યું કે અમુક કેસમાં તેમની તરફેણમાં પરિણામો ન આવ્યાં એટલે CJI યોગ્ય કામ નથી કરી રહ્યા? હિન્દીમાં આના માટે કે શબ્દ છે- દોગલાપન.

    ઈરફાન હબીબે પણ ન્યાયતંત્ર પર સીધો હુમલો કરી દીધો. સબા નકવીએ કારણ વગર મણિપુરને વચ્ચે લાવ્યું ને બીજી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો, જેને આ પૂજા સાથે કશું જ લાગતુંવળગતું નથી. પણ ગમે તે રીતે કુતર્ક કરવાની આ ટોળકીની જૂની આદત છે. 

    પોતાને ‘પત્રકાર’ ગણાવતાં આરફા ખાનમને પણ પંક્તિઓ યાદ આવી અને કહ્યું કે, આવી સ્થિતિ હોય તો કોણ કોર્ટમાં જશે? 

    આ બધામાંથી બાકાત આમ આદમી પાર્ટી ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ પણ નથી. તેઓ ‘સ્પીચલેસ’ અનુભવી રહ્યા છે! આ જ સૌરભ ભારદ્વાજે જ્યારે અરવિંદ કેજરીવાલને કોર્ટે જામીન આપ્યા હતા ત્યારે કોર્ટ અને ન્યાયતંત્રની પ્રશંસા કરીને આભાર માન્યો હતો. 

    ઈફ્તાર પાર્ટીઓ વખતે કોઈ સમસ્યા ન હતી, હવે સમસ્યા PM મોદી સાથે છે, CJI ચંદ્રચૂડ સાથે, ગણેશજી સાથે કે ત્રણેય સાથે?

    અહીં મુખ્ય ન્યાયાધીશ હિંદુ છે. વળી તેમનું મૂળ મહારાષ્ટ્ર છે. એક હિંદુ તરીકે, એક મહારાષ્ટ્રવાસી તરીકે તેમને ઈશ્વરમાં આસ્થા હોય, ગણેશજીમાં શ્રદ્ધા હોય તે તદ્દન સ્વભાવિક છે. તેમણે ઘરે પરિવાર સાથે ગણેશજીની સ્થાપના કરી. નરેન્દ્ર મોદી એવા પહેલા વડાપ્રધાન છે જેઓ હિંદુ દેખાવમાં, હિંદુત્વને વૈશ્વિક મંચ પર લઇ જવામાં બિલકુલ શરમ અનુભવતા નથી ને ગર્વ કરે છે. આવા ચુસ્ત સનાતની વડાપ્રધાન જો CJIના ઘરે જઈને ગણેશજીની આરાધના કરે તો તેમાં વાંધો શું હોવો જોઈએ? તેમાં બીજી વાતો ક્યાંથી આવી? 

    અહીં ‘સેપરેશન ઑફ પાવર’ને ટાંકીને એવું પણ ન કહી શકાય કે વડાપ્રધાન CJIના ઘરે ન જઈ શકે. જઈ જ શકે. આર્ટિકલ 25 સૌને કોઇ પણ ધર્મ પાળવાનો, તેનો પ્રચાર-પ્રસાર કરવાનો અધિકાર આપે છે, તેમાં PM અને CJI પણ આવી ગયા. વડાપ્રધાન, વિપક્ષ નેતા, મુખ્ય ન્યાયાધીશ આવા સામાજિક પ્રસંગોએ મુલાકાત કરી જ શકે છે અને તેની ઉપર કોઇ રોક નથી. 

    તમને જાણીને બિલકુલ આશ્ચર્ય નહીં થાય કે ભૂતકાળમાં વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ મુલાકાત કરતા જ હતા. તે પણ ક્યાં? ઈફ્તાર પાર્ટીમાં. તમે ક્યારેય સાંભળ્યું છે કે ઈફ્તાર પાર્ટીમાં PM-CJIની મુલાકાતને લઈને આ સેક્યુલર ટોળકીમાંથી કોઈએ વાંધો ઉઠાવ્યો હોય? કોઈએ બંધારણ જોખમમાં મૂકાયાનાં રોદણાં રડ્યાં હોય કે પછી સીધા ન્યાયતંત્ર પર હુમલા કરવા સુધી પહોંચી ગયા હોય. 

    2009માં મનમોહન સિંઘ વડાપ્રધાન હતા. 18 સપ્ટેમ્બર, 2009ના દિવસે નવી દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાને જ ઈફ્તાર પાર્ટીનું આયોજન થયું હતું. (હવે PM આવાસમાં આવું બધું નથી થતું, મોદી પ્રત્યેની નફરતનું એક કારણ આ પણ ખરું!) તેમાં નેતાઓથી માંડીને ઘણા ઉપસ્થિત રહ્યા હતા. તેમાં એક નામ હતું કે. જી બાલાક્રિષ્નન. તેઓ કોણ હતા? તે સમયના મુખ્ય ન્યાયાધીશ. 

    તત્કાલીન CJI PM નિવાસસ્થાને ગયા, ઈફ્તાર પાર્ટીમાં ભાગ લીધો, તેમાં કોઈને સમસ્યા ન હોવી જોઈએ ન છે. પણ તમે ક્યારેય સાંભળ્યું આટલાં વર્ષોમાં કે કોઈએ વાંધો ઉઠાવ્યો હોય? હવે નક્કી એ કરવાનું છે કે આ ગેંગને સમસ્યા નરેન્દ્ર મોદી સાથે છે, ડીવાય ચંદ્રચૂડ સાથે કે પછી ગણેશજીના ઉત્સવ સાથે? કે પછી ત્રણેય સાથે? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં