ભારતીય ઉપખંડમાં એક સમયે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા ઇસ્લામિક દેશો હિંદુઓ માટે સ્વર્ગ કરતાં પણ સારા હતા, પરંતુ આજે આ દેશો હિંદુઓ માટે નર્ક કરતા પણ વધારે ખરાબ છે. આજે આપણે પાકિસ્તાનના એ પ્રદેશની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જ્યાંથી હિંદુઓની પૂર્ણ રીતે હકાલપટ્ટી કરવામાં આવી હતી. વાત છે, સપ્ટેમ્બર 1924ની, જયારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલ કોહાટ રમખાણો દરમિયાન હિંદુઓને બહાર ફેંકી દેવાયા અને કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ આ વિસ્તારનું ઇસ્લામિકરણ કરી દીધું હતું.
જે આજે ખૈબર પખ્તુનખ્વા કહેવાય છે તેનો છે અલગ જ ઇતિહાસ
ખૈબર પખ્તુનખ્વા ભલે આજે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રનો એક પ્રદેશ છે, પરંતુ એક સમયે તે ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્યનો જ એક ભાગ હતો. જે પ્રદેશે અગાઉ એલેક્ઝાન્ડરનો (સિકંદર) હુમલો પણ જોયો હતો. ભૌગોલિક રીતે જોવા જઈએ તો આ પાકિસ્તાનનો આ સૌથી નાનો પ્રદેશ છે, જે અફઘાનિસ્તાનની સરહદ પર આવેલો છે. તથા તેની રાજધાની પેશાવર છે. ઈ.સ. 1001માં મહેમુદ ગજની સામે રાજા જયપાલની હાર બાદ આ વિસ્તારમાં તુર્કીઓનું અતિક્રમણ શરૂ થઇ ગયું હતું.
હારના કારણે ખિન્નતાનો ભોગ બનેલા રાજા જયપાલે આત્મહત્યા કરી લીધી, પરંતુ તેમના પુત્ર આનંદપાલે ઘણા વર્ષો સુધી ઇસ્લામિક સેનાને સિંધુ પાર કરતા રોકી રાખી હતી. 2017ની વસ્તી ગણતરી અનુસાર, આ રાજ્યમાં હિંદુઓની વસ્તી માત્ર 5392 છે, જે રાજ્યની કુલ વસ્તીના માત્ર 0.015% છે. જોકે, પાકિસ્તાનના હિંદુ સંગઠનોના મતે અહીં આ સંખ્યા કરતા 4 ગણા વધારે હિંદુઓ રહે છે. હિંદુ સંગઠનોનો આંકડો લઈએ તો પણ આ વસ્તી નગણ્ય ગણાશે.
ખૈબર પખ્તુનખ્વા, જે એક સમયે સિંધુ ખીણની સંસ્કૃતિ માટેનો વેપાર માર્ગ હતો, તે મહાભારતના સમયગાળા દરમિયાન ગાંધાર સામ્રાજ્યનો જ એક ભાગ હતો. આજે પેશાવર જે છે તે, એ સમયે પુરુષપુર હતું. આ વિસ્તાર તે સમયે પુષ્કલાવતીનો એક ભાગ હતો. જ્ઞાન પ્રાપ્તિ માટે આ ક્ષેત્રનું આગવું મહત્વ હતું. અહીંની પખ્ત જાતિએ ઋગ્વેદના દશરાજા યુદ્ધમાં રાજા સુદાસ સાથે યુદ્ધ કર્યું હતું. ઇસ્લામીકરણની અસર જુઓ, આજે અહીં કોઈ પખ્ત નથી પરંતુ પખ્તુન છે અને તેઓ મુસ્લિમ છે.
આ રીતે આપણે જોયું કે તુર્કીના આક્રમણથી ત્યાંના હિંદુઓ પર જુલમ શરૂ થયો હતો. બ્રિટિશ શાસન દરમિયાન જ્યારે ભારતમાં જિન્નાવાદી વિચારધારા મજબૂત થવા લાગી ત્યારે અનેક જગ્યાએ દંગા થવા લાગ્યા હતા. ભારતને ખલીફા સાથે કોઈ લેવાદેવા ન હતા, પરંતુ મહાત્મા ગાંધીએ ખિલાફત ચળવળને ટેકો આપ્યો હતો અને ઘણી જગ્યાએ રમખાણો પણ ફાટી નીકળ્યા હતા. આઝાદી સમયે, બંગાળ અને પંજાબમાં રમખાણોમાં લાખો લોકોના મોત થયા હતા અને અનેક ગણા વધુ લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું.
કોહાટ રમખાણો: જાણો કોણે તેના વિશે શું લખ્યું?
આવું જ એક રમખાણ 9 સપ્ટેમ્બર, 1924ના રોજ થયું હતું, જેમાં હિંદુઓને વિસ્તાર છોડીને ભાગી જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ રમખાણોમાં હિંદુઓ અને શીખોની સરજાહેર હત્યા કરવામાં આવી હતી, તેમના ઘરો લૂંટી લેવામાં આવ્યા હતા અને ઘણાને બળજબરીથી મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા હતા. તેના ઉપર, 1924માં ‘મુસ્લિમ લીગ’ના તત્કાલીન બૉમ્બે અધિવેશનમાં, મૌલાના મોહમ્મદ અલી જૌહર (જે 1923માં કોંગ્રેસના પ્રમુખ હતા) એક ઠરાવ લાવ્યા કે હિંસા હિંદુઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેમણે મુસ્લિમોને ઉશ્કેર્યા હતા.
બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે પણ લખ્યું છે કે, મુસ્લિમ ટોળાએ એક કવિતાને ઇસ્લામ વિરોધી ગણાવીને તબાહી મચાવી હતી અને કોહાટની સમગ્ર હિંદુ શીખ વસ્તીએ સ્થળ છોડવું પડ્યું હતું. તેમણે મૃતકો અને ઘાયલોની સંખ્યા 155 દર્શાવી છે. આ હંગામો 9-11 સપ્ટેમ્બર સુધી સતત 3 દિવસ સુધી ચાલ્યો હતો. ઇતિહાસકાર આર.સી. મજુમદારે પણ લખ્યું છે કે, મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાં હિંદુઓની તમામ દુકાનો લૂંટાઈ અને સળગાવી દેવામાં આવી હતી.
આ પછી, મુસ્લિમ ટોળાએ આખા શહેરમાં પાયમાલી શરૂ કરી દીધી અને હિંદુ ઘરોને ટાર્ગેટ કરીને આગ લગાડવામાં આવી હતી. કેટલાક હિંદુઓએ સ્વ-બચાવમાં ગોળીબાર કર્યો હતો, પરંતુ તેને પણ ભડકાઉ ગણીને વિનાશ વેરવાનો ચાલુ રાખવામાં આવ્યો હતો. આ બધું 9મી તારીખે સવારે શરૂ થયું અને બપોર સુધીમાં તો હિંદુઓના ઘર અને દુકાનો સળગી રહી હતી. અંગ્રેજ અધિકારીઓ પણ મુસ્લિમ ટોળાને રોકવામાં નિષ્ફળ ગયા. હિંદુઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાની તપાસ માટે મહાત્મા ગાંધીએ શૌકત અલીના નેતૃત્વમાં રચેલી સમિતિએ પણ એવું લખ્યું છે કે, મુસ્લિમો કંઈપણ સમજવા માંગતા નહોતા અને જો હિંદુઓને બચાવીને કેન્ટોનમેન્ટમાં ન લાવવામાં આવ્યા હોત તો એક પણ હિંદુ જીવિત ના બચત. ખિલાફત ચળવળ માટે નિયુક્ત કરાયેલા લોકોએ પણ મુસ્લિમ ટોળાં સાથે મળીને હિંદુઓ પર નિર્દયતા આચરવામાં કોઈ કસર છોડી નહતી. આજુબાજુના વિસ્તારોમાંથી પણ હજારો મુસ્લિમોનું ટોળું કોહાટમાં કહેર વરસાવવા ભેગું થયું હતું.
1921ની વસ્તી ગણતરીની વાત કરીએ તો, કોહાટમાં મુસ્લિમોની વસ્તી 12,000 હતી, જ્યારે આ વિસ્તારમાં હિંદુઓની વસ્તી અડધાથી પણ ઓછી માત્ર 5000 હતી. હિંદુઓનો વ્યવસાયમાં પ્રભાવ હતો અને તેઓ સમૃદ્ધ હતા. તેમાંથી ઘણા ‘આર્ય સમાજ’ અને ‘સનાતન ધર્મ સભા’ના અનુયાયીઓ હતા. તે સમયે એક તળાવ માટેની લડાઈને હિંદુ-મુસ્લિમ એંગલ આપવામાં આવ્યો હતો. એક સરદાર અને એક મુસ્લિમ યુવતી પ્રેમમાં પડ્યા પછી ભાગી ગયા, જેના પગલે મુસ્લિમ નેતાઓએ ભડકાઉ ભાષણો કર્યા. આ રીતે દરેક ઘટનાને સાંપ્રદાયિક રંગ આપીને હિંદુઓને ત્યાંથી ભગાડવાનું ષડયંત્ર ઘણા સમયથી ચાલતું હતું.
મુસ્લિમ પત્રિકાઓમાં કરી ગીતા સળગાવવાની વાત, જ્યારે હિંદુઓએ જવાબ આપ્યો તો થયા તોફાનો
આ આખો મામલો એક ઇસ્લામિક પત્રિકા ‘લાહૌલ’ દ્વારા પ્રકાશિત એક કવિતાથી શરૂ થયો હતો. આ કવિતામાં શ્રીમદ ભગવદ્ ગીતાને સળગાવવાની અને ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી તોડવાની વાત કરવામાં આવી હતી. આ જ પત્રિકામાં મુસ્લિમોને તલવારો લઈને હિંદુઓ પર હુમલો કરવા, તેમના અસ્તિત્વને નષ્ટ કરવા અને હિંદુ દેવી-દેવતાઓની તસવીરોને સળગાવી નાખવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. તેના જવાબમાં ‘સનાતન ધર્મ સભા’ના જીવનદાસે ‘કૃષ્ણ સંદેશ’ નામનો પત્ર પ્રકાશિત કર્યો હતો. આ પત્રમાં કાબાની જગ્યાએ વિષ્ણુ મંદિર બનાવવાની વાત કરવામાં આવી હતી અને મુસ્લિમોને તેમની નમાજની ચાદર સાથે અરેબિયા પાછા જવાની સલાહ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ મુસ્લિમો દ્વારા હિંદુઓ અને હિંદુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવેલી ઉશ્કેરણીજનક ટિપ્પણી અને હિંદુઓના નરસંહાર માટે ઉશ્કેરણી, તેના જવાબમાં આ સલાહ એ ખુબ નજીવી બાબત હતી. આવા 1000 પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે પછી મુલ્લા-મૌલવીઓ તેમની સામે પગલાં લેવા માટે બ્રિટિશ અધિકારીઓને મળ્યા હતા. આ બાદ જીવનદાસની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. હિંદુ સમાજે ભૂલ સ્વીકારી અને માફી માંગી, પરંતુ મુસ્લિમ સમાજની માંગ પ્રમાણે તેઓએ પેમ્ફલેટ ના સળગાવ્યા કારણ કે, તેના પર ભગવાન કૃષ્ણના ફોટા હતા.
આ પછી મુલ્લા-મૌલવીઓએ મુસ્લિમોને ઉશ્કેરવા માટે મસ્જિદોનો ઉપયોગ કર્યો અને તેમને શરિયતનો હવાલો આપ્યો. હાજી બહાદુર મસ્જિદોમાં મુસ્લિમોએ એક વિશેષ પ્રતિજ્ઞા લીધી કે જો તે તેમના મજહબને નહિ બચાવી શકે, તો તેમની પત્નીઓને તલાક આપી દેશે. 8 સપ્ટેમ્બરની રાતથી જ મુસ્લિમ ટોળાં હથિયારો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પહેલા મુસ્લિમ યુવકોએ પથ્થરમારો શરૂ કર્યો અને જેમના પુત્ર સાથે મુસ્લિમ યુવતી ભાગી ગઈ હતી, તે સરદાર મકન સિંહના ઘરને સળગાવી દીધું હતું.
સ્વ-બચાવમાં, હિંદુ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક પથ્થરબાજના મૃત્યુ પછી તો જાણે મુસ્લિમ ટોળાને હિંદુઓને નિશાન બનાવવાનું બહાનું મળી ગયું હતું. તે રાત્રે તો પોલીસે ભીડને વિખેરી નાખી, પરંતુ બીજા દિવસે 4000 મુસ્લીમોના ટોળાએ સમગ્ર હિંદુ વિસ્તારને આગ ચાંપી દીધી. આ આગને ઠંડી પાડવામાં એક સપ્તાહનો સમય લાગ્યો હતો. 12 હિંદુઓની હત્યા કરી નાખવામાં આવી હતી, 13 ગુમ થયા હતા, પરંતુ તેમની પણ હત્યા જ કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધીએ ઉપવાસ કરીને કરી ઇતિશ્રી, હિંદુઓ મહોરમ પર વહેંચતા હતા મીઠાઈઓ
આવી ઘટનાઓથી અંગ્રેજોને જ ફાયદો થતો હતો, અને તેઓ મુસલમાનોને પોતાના પક્ષમાં માનતા હતા. બીજી તરફ મહાત્મા ગાંધી રાબેતા મુજબ ઉપવાસ પર બેઠા અને 21 દિવસ સુધી ઉપવાસ પર રહ્યા. પરંતુ ગાંધીજીના મનમાં એ વાતનો રંજ પણ હતો કે હિંદુ-મુસ્લિમ એકતાની ઘણી વાતો કરવા છતાં, ખિલાફતને સમર્થન આપવા છતાં તેઓ મુસ્લિમોમાં સહિષ્ણુતા પેદા કરી શક્યા નહોતા. ઘણા મંદિરો ધ્વસ્ત કરાયા, પ્રતિમાઓને ખંડિત કરવામાં આવી હતી. ડિસેમ્બર 1924માં ગાંધી રાવલપિંડીમાં કોહાટના હિંદુઓને મળ્યા અને કહ્યું કે જ્યાં સુધી મુસ્લિમો તેમને સસન્માન પરત ના લાવે ત્યાં સુધી હિંદુઓ પાછા ફરે નહિ. બીજી તરફ મુસ્લિમોએ શૌકત અલીને મળવાની ના પાડી દીધી હતી.
આ રમખાણ એવા વિસ્તારમાં થયું હતું જ્યાં હિંદુઓ મોહરમ પર મુસ્લિમોમાં મીઠાઈ વહેંચતા હતા. પરંતુ, ખિલાફત ચળવળને કારણે ઉલેમા-મૌલવીઓ વધુ મજબૂત બની રહ્યા હતા અને તેમનો સામનો કરવા હિંદુઓમાં રાષ્ટ્રવાદની ભાવના પણ જાગૃત થઇ રહી હતી. 1909માં પણ જ્યારે મુસ્લિમ તહેવાર બારવફત અને સનાતન તહેવાર હોળી એક સાથે હતા ત્યારે કોહાટમાં તોફાનો થયા હતા. આમ સપ્ટેમ્બર 1924ની પટકથા અગાઉથી જ લખવાની શરૂ થઇ ગઈ હતી. ઇસ્લામમાં ધર્મ પરિવર્તન વધતું જતું હતું, જેના કારણે હિંદુઓમાં આક્રોશ પણ હતો.
J Sai Deepak shares his views on the origins of section 295A in the context of Kohat riots of 1924 where a small Hindu population had to be saved by the British from the Muslim mobs over blasphemy. pic.twitter.com/lbRpyuQKGN
— Eagle Eye (@SortedEagle) August 24, 2022
કોહાટ રમખાણોનું પરિણામ એ આવ્યું કે 3000 હિંદુઓને પોતાના બચવા એક મોટા મંદિર પરિસરમાં આશ્રય લેવો પડ્યો. પોલીસ આત્મરક્ષા કરી રહેલા હિંદુઓ વિરુદ્ધ વધુ સક્રિય હતી, અને મુસ્લિમ વિરુદ્ધ ઓછી. જે હિંદુઓએ ઘર છોડવાનો ઇનકાર કર્યો હતો તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. જાન્યુઆરી 1925 પછી, સરકારના ઘણા પ્રયત્નો પછી, કેટલાક હિંદુઓએ પાછા ફરવાનું શરૂ કર્યું. હિંદુ-મુસ્લિમ નેતાઓ વચ્ચે સમજૂતી થઈ, પણ હવે તેનો શું ફાયદો, જ્યારે હિંદુઓને પહેલેથી જ કાઢી મુકવામાં આવ્યા હતા.