દેશભરમાં ઉજવાઈ રહેલા ગણેશોત્સવ વચ્ચે મધ્ય પ્રદેશના રતલામમાં સ્થિત મોચીપુરામાં કોઈએ ભગવાન ગણેશની પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો. તેને લઈને હવે ભારે હોબાળો મચી ગયો છે. શનિવારે (7 સપ્ટેમ્બર) રાત્રે, 500થી વધુ લોકોએ સ્ટેશન રોડ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને સૂત્રોચ્ચાર શરૂ કર્યું હતું. પોલીસે પહેલાં લોકોને સમજાવ્યા હતા અને ત્યારબાદ અજાણ્યા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
FIR નોંધ્યા બાદ પોલીસની ટીમો તપાસ માટે ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસની પાછળ-પાછળ લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. SP રાહુલ કુમાર લોઢા લોકોને સમજાવી રહ્યા હતા અને તેમને પરત ફરવા માટે કહી રહ્યા હતા. લોકોએ પરત ફરવાનું શરૂ પણ કરી દીધું હતું. તે દરમિયાન જ કોઈએ ફરીથી પથ્થરો ફેંકવાના શરૂ કરી દીધા હતા. ત્યારબાદ જવાબમાં ત્યાં હાજર લોકોએ પણ સામે પથ્થરો ફેંક્યા હતા.
એક પથ્થર પોલીસના વાહન પર પડતાં તેનો કાચ પણ તૂટી ગયો હતો. પરિસ્થતિ વણસે નહીં તે માટે પોલીસે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો. હાલ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા છે. સુરક્ષાદળોની બે ટુકડીઓને પણ બોલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
શું હતી આખી ઘટના?
પોલીસમાં નોંધાયેલી FIRમાં આખી ઘટનાની વિગતે માહિતી આપવામાં આવી છે. FIR અનુસાર, રાત્રે લગભગ 8.30 કલાકે પૂજા સમિતિના લોકો સાથે ભક્તો ગણેશજીની સ્થાપના માટે ખેતલપુરથી મૂર્તિ લઈને મહેંદીકુઈ બાલાજીથી હાથીખાના મોચીપુરા થઈને જઈ રહ્યા હતા. આ શોભાયાત્રામાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ હતા. જેવા તે લોકો હાથીખાના રોડ પરના મોચીપુરા પહોંચ્યા કે કોઈએ મૂર્તિ પર પથ્થરો ફેંક્યા હતા.
સિટી SP અભિનવ બારંગે જણાવ્યું છે કે, “શોભાયાત્રામાં સામેલ ઘણા લોકોનું એવું કહેવું છે કે, તેમના પર પણ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. તેની ચકાસણી માટે, જે વ્યક્તિએ પથ્થર ફેંકવાનો આરોપ લગાવ્યો હતો તેને CCTV કન્ટ્રોલ રૂમમાં મોકલવામાં આવ્યો હતો. હાલમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને સ્થિતિ પણ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.”
વિરોધ પ્રદર્શનમાં સામેલ વિશ્વ હિંદુ પરિષદ (VHP)નું કહેવું છે કે, તહેવાર આવ્યા પહેલાં જ આ રીતનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. મુસ્લિમ વિસ્તારોમાં હિંદુ સમાજના કાર્યક્રમોને રોકવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમને કહ્યું છે કે, મોચીપુરામાં કેટલાક કટ્ટરપંથીઓએ પથ્થરમારો કર્યો હતો. પ્રશ્ન એ છે કે, કોઈને કોઈએ તો પથ્થરો ફેંક્યા જ હતા. હાલ પોલીસ તે દિશામાં તપાસ કરી હોવાનું સામે આવ્યું છે.