કર્ણાટકની (Karnataka) કોંગ્રેસ (Congress) સરકારે રાજ્યની એક પ્રિ-યુનિવર્સીટી કોલેજના પ્રિન્સિપાલને આપવામાં આવનાર ‘શ્રેષ્ઠ પ્રિન્સિપાલ’ના એવોર્ડ પર રોક લગાવી દીધી છે. પ્રિન્સિપાલને સરકાર દ્વારા જ આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFIની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (SDPI) દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. SDPI દ્વારા પ્રિન્સિપાલે કોલેજમાં હિજાબ (Hijab) પર પ્રતિબંધ મૂકવા માટે લીધેલા નિર્ણયને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આખરે કોંગ્રેસ સરકારે ‘તકનીકી સમસ્યા’ હોવાનું કહીને એવોર્ડ પર રોક લગાવી દીધી.
કર્ણાટકના શિક્ષણ વિભાગે 3 સપ્ટેમ્બરના રોજ ‘બેસ્ટ પ્રિન્સિપાલ’ પુરસ્કારની જાહેરાત કરી હતી. આ માટે રાજ્યના બે પ્રધાનાચાર્યોના નામની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી એક ઉડુપી કુંડાપુરની સરકારી પ્રિ-યુનિવર્સીટી કોલેજના પ્રિન્સિપાલ બી.જી. રામકૃષ્ણ હતા. રામકૃષ્ણ ઉપરાંત અન્ય એક શિક્ષક એ રામ ગૌડાનું નામ પસંદ કરવામાં આવ્યું હતું. 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે તેમને આ એવોર્ડ અપાવાનો હતો. પરંતુ આ મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકારે જાહેરાત કરીને કહ્યું કે ‘ટેકનિકલ સમસ્યાઓ’ના કારણે અવોર્ડ આપવામાં ‘વિલંબ’ થઈ શકે છે, પરંતુ તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નથી.
ಹಿಜಾಬ್ ಧರಿಸಿದ ಕಾರಣಕ್ಕಾಗಿ ಮುಸ್ಲಿಂ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರನ್ನು ಗೇಟ್ನಿಂದ ಹೊರಗಟ್ಟಿ ತಿಂಗಳುಗಳ ಕಾಲ ಬಿಸಿಲಿನಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದ, ಮುಸ್ಲಿಂ ದ್ವೇಷವನ್ನೇ ಉಸಿರಾಡುವ ಕುಂದಾಪುರ ಸರಕಾರಿ ಕಾಲೇಜಿನ ಪ್ರಾಂಶುಪಾಲರಾದ ರಾಮಕೃಷ್ಣ ರವರು ಕನಿಷ್ಠ ಪ್ರಾಧ್ಯಾಪಕರಾಗಲೂ ಸಹ ನೈತಿಕತೆ ಇಲ್ಲದ ಕೋಮುವಾದಿ. ಇಂತಹ ವ್ಯಕ್ತಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರವು 1/2 pic.twitter.com/JkZVQqJMwa
— Anwar Sadath Bajathur (@Shadathbajathor) September 4, 2024
અવોર્ડ આપ્યા પહેલાં જ પ્રતિબંધિત કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFIની રાજકીય પાંખ SDPIએ આચાર્ય રામકૃષ્ણને અવોર્ડ આપવાનો વિરોધ કર્યો હતો. SDPIએ દલીલ કરી હતી કે જે કોલેજમાં રામકૃષ્ણ પ્રિન્સિપાલ છે, ત્યાંની વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશતાં રોકવામાં આવી હતી. તેથી તેમને આ અવોર્ડ ન આપવો જોઈએ. SDPI ઉપરાંત ઘણા કથિત એક્ટિવિસ્ટોએ પણ આ મામલે હોબાળો મચાવી દીધો હતો.
દક્ષિણ કન્નડાના SDPI અધ્યક્ષ અનવર સાદાતે X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “કુંડાપુર સરકારી કોલેજના પ્રિન્સિપાલ રામકૃષ્ણએ મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા બદલ મહિનાઓ સુધી બહાર તડકામાં ઉભી રાખી હતી. તે મુસ્લિમ વિરોધી છે અને પ્રોફેસર હોવા છતાં સાંપ્રદાયિક છે, કોંગ્રેસ સરકાર આવા વ્યક્તિને અવોર્ડ આપી રહી છે.”
આ વિવાદ બાદ રામકૃષ્ણએ એમ પણ જણાવ્યું હતું કે તેમને અનામી નંબરો પરથી નફરતભર્યા મેસેજ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા વર્ગમાં હિજાબ પહેરવાના આગ્રહને લઈને હોબાળો થયો હતો, જે વિવાદ બહુ લાંબો સમય ચાલ્યો હતો. આ મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક કોલેજમાં છ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને ક્લાસમાં બેસતાં અટકાવવામાં આવી. ત્યારબાદ અમુક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવાની જીદે ચડી અને મામલાએ રાજકારણનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ વિવાદ વર્ષ 2022માં શરૂ થયો હતો અને 2023ની વિધાનસભા ચૂંટણીમાં પણ ચાલ્યો હતો.
વિવાદ વધી જતાં સરકારે ગણવેશ માટે ચોક્કસ નિયમો બનાવ્યા હતા, જે અનુસાર હિજાબ ગણવેશનો ભાગ નહોતો. આ મામલે હિજાબના પક્ષકારો હાઇકોર્ટમાં ગયા હતા, પરંતુ કોર્ટે પણ સરકારનો નિર્ણય માન્ય રાખ્યો હતો. પરંતુ વર્ષ 2023માં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવતાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરતાં કહ્યું હતું કે રાજ્યમાં હિજાબ પર રોક નહીં હોય. ભાજપે બીજી તરફ આ નિર્ણયને કટ્ટરપંથીઓને ખુશ કરવાના પ્રયાસ ગણાવ્યા હતા.