Thursday, September 19, 2024
More
    હોમપેજરાજકારણવિનેશ ફોગાટ, બજરંગ પુનિયાના રાજકારણને મળ્યો અખાડો, કોંગ્રેસની ટીકિટ પરથી હરિયાણા ચૂંટણી...

    વિનેશ ફોગાટ, બજરંગ પુનિયાના રાજકારણને મળ્યો અખાડો, કોંગ્રેસની ટીકિટ પરથી હરિયાણા ચૂંટણી લડશે તેવા અહેવાલો: રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસીઓ સાથે મુલાકાત

    દિલ્હીમાં વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ બજરંગ પુનિયાને બાદલી બેઠક પરથી ટિકિટ આપવાનો નિર્ણય થયો હોવાનું કહેવાય રહ્યું છે. તે સિવાય વિનેશ ફોગાટને જુલાના બેઠક પરથી ટિકિટ આપવાનો નિર્ણય થયો હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -

    પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંને ખેલાડીઓ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડશે. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે બંનેની મુલાકાત થઈ હતી અને તે બાદ જ આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત બંનેની બેઠકોનો પણ નિર્ણય થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, આ અંગેની કોઈ આધિકારિક જાહેરાત નથી થઈ, પરંતુ મીડિયા અહેવાલોમાં આવા દાવા થઈ રહ્યા છે.

    અહેવાલો અનુસાર, બુધવારે (4 સપ્ટેમ્બર) રાજધાની દિલ્હીમાં વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ બજરંગ પુનિયાને બાદલી બેઠક પરથી ટિકિટ આપવાનો નિર્ણય થયો હોવાનું કહેવાય રહ્યું છે. બાદલી બેઠક હરિયાણાના ઝજ્જર જિલ્લામાં આવેલી છે. તે સિવાય વિનેશ ફોગાટને જુલાના બેઠક પરથી ટિકિટ આપવાનો નિર્ણય થયો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, સીટ આપવાને લઈને પણ કોઈ આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.

    બંને પહેલવાનોએ રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસના સંગઠન મહાસચિવ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ બંનેની ટિકિટને લઈને અંતિમ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, મીડિયા રિપોર્ટમાં વિનેશ ફોગાટને લઈને જે બેઠક પર દાવો કરવામાં આવી રહ્યો છે, તે જ બેઠક હેઠળ ફોગાટનું સાસરું પણ આવેલું છે અને તે સીટ પર મોટી સંખ્યામાં જાટ મતદારો પણ છે. બીજી તરફ બાદલી સીટ ઝજ્જર જિલ્લામાં છે, જે બજરંગ પુનિયાનો ગૃહ જિલ્લો પણ છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સતત કેન્દ્ર સરકારનો વિરોધ કરતાં રહ્યા હતા. બંને ખેલાડીઓ કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંઘના વિરોધમાં પ્રદર્શન કરનારા મુખ્ય નેતાઓ રહ્યા છે. બંનેના પ્રદર્શન અને તેમના વલણને કોંગ્રેસ નેતા ભુપિન્દર સિંઘ હુડ્ડાનું ખુલ્લુ સમર્થન પણ હતું. તાજેતરમાં જ પેરિસ ઓલમ્પિકમાં વજન વધુ હોવાના કારણે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ મેડલ વિના જ ભારત પરત ફર્યા હતા. જોકે, ખાપાઓએ તેમને એક મેડલ આપ્યું હતું. તેમની વાપસીનું સ્વાગત પણ ભુપિન્દર હુડ્ડાના પુત્ર અને સાંસદ દિપેન્દ્ર હુડ્ડાએ કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં