EDએ સોમવારે (2 સપ્ટેમ્બર) આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી લીધી છે. દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસ મામલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સોમવારે વહેલી સવારે જ EDની ટીમ અમાનતુલ્લાહના ઘરે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન AAP ધારાસભ્ય અને ED અધિકારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. તે અંગેનો વિડીયો અમાનતુલ્લાહે પોતે શૅર કર્યો હતો. 6 કલાક સુધી ચાલેલા દરોડા બાદ આખરે એજન્સીએ તેમની ધરપકડ કરી લીધી છે.
EDએ 2 સપ્ટેમ્બરના રોજ AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી લીધી છે. હાલ EDની ટીમ તેમની ધરપકડ કરીને કાર્યાલય સુધી લઈ જઈ રહી છે. ઓખલા બેઠકથી AAPના ધારાસભ્ય અમાનતુલ્લાહ પર આરોપ છે કે, તેમણે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદેસર ભરતી કરાવી હતી અને ફંડનો દુરુપયોગ પણ કર્યો. ઉપરાંત આરોપ છે કે, તેમણે વક્ફની સંપત્તિઓને ભાડેથી આપી દીધી હતી. ED આ પહેલાં બે વખત તેમની પૂછપરછ કરી ચૂકી છે. જ્યારે હવે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
#WATCH | Delhi: AAP MLA Amanatullah Khan detained by ED officials.
— ANI (@ANI) September 2, 2024
ED had arrived at his residence to conduct a raid, earlier today. pic.twitter.com/lUCufRTGFh
વહેલી સવારથી ચાલતું હતું સર્ચ ઓપરેશન
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે વહેલી સવારે EDના અધિકારીઓ પહોંચ્યા હતા. જોકે, સવાર-સવારમાં જ અધિકારીઓ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉપરાંત અમાનતુલ્લાહ ખાને વિડીયો પોસ્ટ કરીને મોદી સરકાર અને ED, CBI જેવી એજન્સીઓ પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, એજન્સીના લોકો આખી આમ આદમી પાર્ટીને હેરાન કરી રહ્યા છે. ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે, જુઠ્ઠા કેસ લગાવીને નેતાઓને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનને ટાંકીને ED પર આરોપ લગાવ્યા હતા.
વહેલી સવારથી લઈને બપોરના 12 વાગ્યા સુધી અમાનતુલ્લાહના ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન તેમણે તેમની સાસુ બીમાર હોવાનું પણ કહ્યું હતું અને ધરપકડની શંકા પણ વ્યક્ત કરી હતી. જોકે, 6 કલાક સુધી તેમના ઘરની તપાસ કરવામાં આવી હતી અને આખરે EDએ તેમની ધરપકડ પણ કરી લીધી હતી. હાલ તેમની પૂછપરછ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.