Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘મુસ્તફા કી ગુલામી કા સબૂત પેશ કરેં’: સોશિયલ મીડિયા પર ફરતું થયું...

    ‘મુસ્તફા કી ગુલામી કા સબૂત પેશ કરેં’: સોશિયલ મીડિયા પર ફરતું થયું પેમ્ફલેટ અને એકઠું થઈ ગયું હતું કટ્ટરપંથી મુસ્લિમોનું ટોળું, છતરપુર પોલીસ સ્ટેશન પર પથ્થરમારા મામલે ઘટસ્ફોટ

    પેમ્ફલેટ મળ્યા બાદ તે સ્પષ્ટ થઇ ગયું છે કે મોટી સંખ્યામાં ટોળાં ભેગાં કરવાનું પ્લાનિંગ પહેલેથી જ કરી દેવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર છતરપુરના જુમલા ઉલમા-એ-કિરામ અહલે સુન્નત અને અંજુમન ઇસ્લામિયા કમિટી તરફથી આ પેમ્ફલેટ ફરતાં કરવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    ગત 21 ઑગસ્ટના રોજ મધ્ય પ્રદેશના છતરપુર ખાતે સેંકડો કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરીને હિંસા આચરી હતી. પછીથી સામે આવ્યું કે આ હિંસા કોંગ્રેસી નેતા હાજી શહજાદ અલીના ઈશારે કરવામાં આવી હતી. પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેના કરોડોના મહેલ પર બુલડોઝર પણ ફેરવી દેવામાં આવ્યું હતું. હવે આ મામલે ચાલી રહેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. છતરપુર હિંસાને લઈને તપાસ કરી રહેલી પોલીસને એક પેમ્ફલેટ મળી આવ્યું છે. કહેવાયું છે કે આ પેમ્ફલેટ વાયરલ કરીને જ મુસ્લિમોનાં ટોળાં એકઠાં કરવામાં આવ્યાં હતાં. હિંસા પહેલાં અલગ-અલગ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ પેમ્ફલેટ ફરતું કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    લાઈવ હિન્દુસ્તાનના અહેવાલ અનુસાર, પેમ્ફલેટ મળ્યા બાદ તે સ્પષ્ટ થઇ ગયું છે કે મોટી સંખ્યામાં ટોળાં ભેગા કરવાનું પ્લાનિંગ પહેલેથી જ કરી દેવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર છતરપુરના જુમલા ઉલમા-એ-કિરામ અહલે સુન્નત અને અંજુમન ઇસ્લામિયા કમિટી તરફથી આ પેમ્ફલેટ ફરતાં કરવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. તેમાં મહારાષ્ટ્રના મહંત ગીરી મહારાજ દ્વારા મઝહબી પુસ્તકમાં ઉલ્લેખાયેલી બાબત કહેવાને ‘ઈશનિંદા’ ગણાવીને લોકોને એકઠા થવાની અપીલ કરવામાં આવી હતી. કટ્ટરપંથીઓને શહેરના મસ્તાન શાહ મેદાનમાં ભેગા થઈને ગુલામી મુસ્તફા પેશ કરવાનું (મઝહબ પ્રત્યે પોતાની દ્રઢતા દર્શાવવાનું) કહેવામાં આવ્યું હતી.

    એવું તો શું લખ્યું હતું પેમ્ફલેટમાં કે સેંકડોના ટોળાં એકઠા થઈ ગયાં

    નોંધનીય છે કે જે પેમ્ફલેટ જોઇને સેંકડો કટ્ટરપંથીઓનાં ટોળાંએ થઈને એક આખેઆખા પોલીસ સ્ટેશનને બાનમાં લીધું અને હુમલો કરી દીધો તે પેમ્ફલેટમાં એલાનના મથાળા સાથે લખવામાં આવ્યું છે કે, “બિરાદરાને ઇસ્લામ…અસ્સલામો અલૈકુમ, હઝરત આ ખબર જાણીને આપને સખ્ત તકલીફ થશે કે સુબા મહારાષ્ટ્રમાં ગીરી મહારાજ નામના એક વ્યક્તિએ આપણા પ્યારા આકાની શાનમાં ખોટા અલ્ફાઝ કહીને સખ્ત ગલતી કરી છે. તેના વિરુદ્ધ કાર્યવાહી માટે સિટી પોલીસ સ્ટેશન જવાનું છે. આપ હઝરતને ગુજારીશ છે કે 21 ઑગસ્ટ, 2024 બરોજ બુધ બાદ નમાજ જુહર નસ્તન શાહના મેદાનમાં એકઠા થઈને ગુલામી મુસ્તફાનો સબૂત પેશ કરે.”

    - Advertisement -
    સાભાર Live Hindustan

    આ પેમ્ફલેટને વોટ્સએપ સહિતનાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરશોરથી શૅર કરવામાં આવ્યું હતું. જેના વાયરલ થયા બાદ છતરપુર પોલીસ સ્ટેશન આસપાસ સેંકડો મુસ્લિમો એકઠા થઈ ગયા હતા. તથાકથિત ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગ કરવાની આડમાં ભેગા થયેલા આ કટ્ટરપંથી ટોળાએ જોતજોતામાં આખા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી દીધો હતો અને હુમલો કરી દીધો હતો. ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કરી દેતાં અનેક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ આખો હુમલો અને ટોળું ભેગું કરવાનું કાવતરું કરવાનો આરોપ કોંગ્રેસી નેતા હાજી શહજાદ અલી પર છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

    કોણ છે શહજાદ અલી, કેવી રીતે થઇ ધરપકડ?

    હાજી શહજાદ અલી છતરપુર (Chhatarpur) શહેરના રાણી તલૈયા નજીક નયા મહોલ્લાનો રહેવાસી છે. અહીં તેણે કરોડો રૂપિયાની વેલ્યુ ધરાવતું એક મહેલ જેવું ઘર બનાવ્યું હતું. શહજાદ મુસ્લિમ સમાજનો પૂર્વ પ્રમુખ રહી ચૂક્યો છે અને હાલ તે જિલ્લાનો કોંગ્રેસ પાર્ટીનો ઉપાધ્યક્ષ છે. તેનું નામ આ પહેલાં પણ અનેકવાર પોલીસ ચોપડે ચડેલું છે, તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે. શહજાદ પર આરોપ છે કે તેણે કોતવાલી પોલીસ સ્ટેશનમાં પ્રદર્શન કરી રહેલા ટોળાને ઉશ્કેર્યુ હતું. શહજાદની ઉશ્કેરણી બાદ જ કટ્ટરપંથી ભીડ બેકાબૂ થઇ અને ત્યારબાદ જ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. શહજાદ અલી છેલ્લાં ઘણાં વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત છે. શહજાદને કોંગ્રેસના પૂર્વ નેતા મુન્ના રાજા અને છતરપુર જિલ્લાના પૂર્વ સદર ધારાસભ્ય આલોક ચતુર્વેદીના નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે. સ્થાનિક મુસ્લિમ સમુદાયમાં શહજાદ અલીની મજબૂત પકડ છે અને આ જ કારણ છે કે શાહજાદના ઈશારે પોલીસ સ્ટેશન પર પથ્થરમારાની આ ઘટના બની.

    મંગળવારે (27 ઓગસ્ટ) બપોરે પોલીસે છતરપુર પોલીસ સ્ટેશન પથ્થરમારા મામલે ઘટના બાદથી જ ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી કોંગ્રેસ નેતા હાજી શહઝાદની ધરપકડ કરી લીધી હતી. હાજી શહઝાદ મંગળવારે લગભગ 1 વાગ્યે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરેન્ડર કરવા માટે જઈ રહ્યો હતો. પોલીસતંત્રના ડરના કારણે તેણે કોર્ટમાં સરેન્ડર કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસને આ વિશેની માહિતી પહેલાં જ મળી ચૂકી હતી. તેથી પોલીસે એક ટીમને સિવિલ ડ્રેસમાં કોર્ટની બહાર તહેનાત કરી દીધી હતી. જેવો તે કોર્ટે પહોંચ્યો કે પોલીસે બહારથી જ તેને ઉઠાવી લીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં