કોલકાતાની RG કર મેડિકલ હૉસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે રેપ અને ત્યારબાદ હત્યા મામલે પશ્ચિમ બંગાળ સરકાર પર સતત સવાલો થઈ રહ્યા છે તો બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો લખવામાં વ્યસ્ત છે. જ્યારે હકીકતે કાયદો અને વ્યવસ્થા રાજ્યના વિષય છે. તાજેતરમાં મમતાએ PM મોદીને પત્ર લખીને રેપ અને હત્યા જેવા ગુનાઓ વિરુદ્ધ કડક કાયદા બનાવવા માટે રજૂઆત કરી હતી. હવે કેન્દ્ર સરકારે વળતો જવાબ આપીને આ સ્ટંટ ઊંધો પાડ્યો છે અને કહ્યું છે કે કાયદાઓ પહેલેથી જ બનાવવામાં આવ્યા છે, સરકારોએ માત્ર તેને સંપૂર્ણપણે લાગુ કરવાની જરૂર છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ તાજેતરમાં મમતા બેનર્જીને પત્ર લખ્યો હતો. જેમાં કહ્યું કે, બંગાળ CMના પત્રમાં અમુક માહિતી ખોટી છે અને તેઓ ફાસ્ટટ્રેક સ્પેશિયલ કોર્ટ સ્થાપવામાં સરકાર જે વિલંબ કરી રહી છે તેને ઢાંકવા માટે આ પત્રો લખી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે રેપ અને મહિલા વિરુદ્ધના ગુનાઓ માટે કડક સજાની જોગવાઇ સાથે પહેલેથી જ કડક કાયદાઓ બનાવી રાખ્યા છે અને રાજ્ય સરકારે તેને સંપૂર્ણપણે લાગુ કરવાની જરૂર જણાય રહી છે.
महिलाओं को सशक्त बनाना और उन्हें सुरक्षित वातावरण प्रदान करना भारत सरकार की सर्वोच्च प्राथमिकता है। सरकार महिला सुरक्षा के प्रति पूर्णतः समर्पित है और इसे अपनी प्रमुख जिम्मेदारी मानती है। (1/2) …@narendramodi | @MamataOfficial pic.twitter.com/zKNa1AzNyN
— Annapurna Devi (@Annapurna4BJP) August 30, 2024
પશ્ચિમ બંગાળ સરકારની નિષ્ફળતા ઉજાગર કરતાં કેન્દ્રીય મંત્રીએ પત્રમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે રેપ અને પોક્સો કેસ ચલાવવા માટે એડિશનલ 11 ફાસ્ટટ્રેક કોર્ટ હજુ પણ સ્થાપી નથી. નોંધવું જોઈએ કે PM મોદીને લખેલા પત્રમાં મમતા બેનર્જીએ રેપ અને રેપ-હત્યા કેસમાં સમયસરની તપાસ પૂર્ણ કરીને કેસનો નિકાલ થાય તેવી જોગવાઈઓ કરવાની માંગ કરી હતી.
જેની ઉપર કેન્દ્રીય મંત્રીએ પત્રમાં જણાવ્યું કે, બંગાળમાં રેપ અને પોક્સો કેસના કુલ 48,600 કેસ લંબિત હોવા છતાં રાજ્ય સરકારે વધારાની 11 FTSC શરૂ કરી નથી, જે પોક્સો કોર્ટ અથવા તો રેપ અને પોક્સો કેસ માટે કમ્બાઈન્ડ FTSC તરીકે કાર્યરત થઈ શકે તેમ છે. આગળ કહેવામાં આવ્યું કે, સ્પષ્ટ છે કે તમારા પત્રમાં અમુક માહિતી તથ્યાત્મક રીતે ખોટી છે અને એવું જણાય છે કે રાજ્યમાં FTSC સ્થાપવામાં જે વિલંબ થઈ રહ્યો છે તેને ઢાંકવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે.
સાથે FTSCમાં પરમેનન્ટ જ્યુડિશિયલ ઓફિસર નીમવાની મમતા બેનર્જીની રજૂઆત પર કેન્દ્રીય મંત્રીએ પત્રમાં કહ્યું કે, રેપ અને પોક્સો એક્ટના કેસ માટે એક જ્યુડિશિયલ ઓફિસર અને સાત સ્ટાફ કર્મચારીઓની નિમણૂક માટે પહેલેથી જ દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. જેથી FTSCનો વધારાનો ચાર્જ કોઈ કાયમી જ્યુડિશિયલ ઓફિસર કે કોર્ટ સ્ટાફને ન આપી શકાય, જે બાબતે પહેલાં પણ પશ્ચિમ બંગાળ સાથે સ્પષ્ટતા કરવામાં આવી હતી. સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે, જો કાર્યબળ ઓછું પડતું હોય તો રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો FTSC યોજના હેઠળ ન્યાયિક અધિકારીઓ કે અન્ય કર્મચારીઓની કરાર આધારિત ભરતી કરી શકે છે અને રાજ્યો માટે આ વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો જ છે.
સાથે કેન્દ્રીય મંત્રીએ એ પણ જણાવ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધ ગુના ડામવા માટે કેન્દ્ર સરકારે પહેલેથી જ કડકમાં કડક કાયદાઓ બનાવી રાખ્યા છે. તેમણે આગળ કહ્યું કે, “જો રાજ્ય સરકાર કેન્દ્રીય નિયમોને સંપૂર્ણ રીતે અનુસરે તો ક્રિમિનલ જ્યુડિશિયલ સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં એક મોટી અસર પડશે અને આ પ્રકારના ગુનાઓ આચરનારાઓને સજા પણ ઝડપી મળશે તેમજ પીડિતોને પણ ન્યાય મળશે.” અંતે તેમણે CMને વિનંતી કરતાં કહ્યું હતું કે, તેઓ જો સકારાત્મક અભિગમ અપનાવીને દરેક સ્તરે આવા કેસોનું યોગ્ય સંચાલન થાય અને દિશાનિર્દેશો પ્રમાણે કેસોનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે સુનિશ્ચિત કરે.