ગુજરાતમાં જ્યારે-જ્યારે પૂર, વાવાઝોડું કે કુદરતી આફત આવે ત્યારે અમારી જમાત છાકટી થઈ જાય છે. કોઇના માટે આ સોશિયલ મીડિયા પર રીચ મેળવવાનો અવસર છે, કોઇના માટે TRP ખાવાનો, કોઇના માટે ફાંકા ફોજદારી કરીને ફાલતુ સલાહ ઠોકવાનો. જવાબદારીભર્યા વર્તનની આવા વખતે સૌથી વધારે જરૂર હોય છે, પણ આ જમાત પાસેથી આવી આશા રાખવી વધારે પડતી છે. ગયા વરસે વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ આવું જ થયું હતું. આ વખતે વડોદરા અને અમુક શહેરોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયાં છે ત્યારે પણ અમુક આમ જ કરી રહ્યા છે.
ગુજરાતમાં અઠવાડિયાકથી ભારે વરસાદ પડ્યો. જળાશયો છલકાઈ ગયાં અને વડોદરા જેવાં અમુક શહેરોમાં પાણી અંદર ફરી વળ્યાં. કારણ મધ્ય પ્રદેશની પશ્ચિમે અને રાજસ્થાનની દક્ષિણ પૂર્વે યોજાયેલું ડીપ ડિપ્રેશન, જે આ લખાય છે ત્યારે કચ્છ-સૌરાષ્ટ્રથી આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારે વરસાદ પડે. જનજીવન પણ ખોરવાય. રસ્તાઓ પણ તૂટે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થાય.
આવા વખતે સ્વાભાવિક જે થઈ રહ્યું છે એ બતાવવું જ પડે. સવાલો પણ કરવાના જ હોય. જેમકે, શહેરોમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ એ છે કે પહેલાં જ્યાંથી પાણી રસ્તો કરી લેતું ત્યાં પણ હવે લાલચમાં આવીને બિલ્ડિંગો તાણી બાંધવામાં આવ્યાં છે. ટાઉન પ્લાનિંગ હજુ વ્યવસ્થિત થઈ રહ્યું નથી અથવા તો કાગળ પર જે થાય છે એ વ્યવસ્થિતપણે અમલમાં મૂકવામાં આવતું નથી. પાણી તેનો રસ્તો કરી લેશે એ સ્વાભાવિક છે. વ્યવસ્થિત આયોજન સાથે કામ ન કર્યાં એ આપણી ભૂલ છે. આવી બધી બાબતો સામે આવવી જોઈએ, પણ આ જમાત અમુક એવી હરકતો કરે છે, તેના કારણે આવી જેન્યુઇન વાતો પણ ઢંકાય જાય છે.
અમુક સોશિયલ મીડિયા પર તૂટેલા રસ્તાનો ફોટો ફેરવી રહ્યા છે અને ‘ભ્રષ્ટાચાર’ની બૂમો પાડી રહ્યા છે. ભલા માણસ, તું સાથે એ તો કહે કે વરસાદ કેટલો પડ્યો! આટલા ભયંકર વરસાદના કારણે રસ્તા ગમે એવા મજબૂત બન્યા હોય, તેને નુકસાન થાય જ. થોડો કે મામૂલી વરસાદ પડ્યો હોય અને રસ્તા ધોવાય જાય તો સો ટકા સવાલો કરવાના હોય, આ તો એવી વાત થઈ કે 7નો ભૂકંપ આવ્યો અને બિલ્ડિંગો તૂટી પડી તો તેની બાંધકામ ક્ષમતા પર પ્રશ્નો ઉઠાવવા માંડે.
ગુજરાતમાં ઠેર-ઠેર ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સમગ્ર રાજ્યભરમાં વરસાદની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા, નાગરિકોની સલામતીને સુનિશ્ચિત કરવા અને કુદરતી આફત સામે બાથ ભીડવા તંત્ર ખડેપગે તૈયાર છે.
— Rushikesh Patel (@irushikeshpatel) August 28, 2024
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ એમના આહ્વાન… pic.twitter.com/euISdHbfZD
હમણાં વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રાજ્ય સરકારના બે મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા. પાણી ભરાઈ ગયું હોય ત્યાં કાર લઈને ન જવાય એટલી સામાન્ય બુદ્ધિ અમુક ગુજરાતી પત્રકારોમાં નહીં હોય તેમ માનીને આગળ ચાલીએ. તેઓ ટ્રકના કેબિન પર બેસીને શહેરમાં નીકળ્યા હતા. સાથે અમુક અધિકારીઓ હતા, જે સતત માહિતી આપતા રહેતા હતા.
આ નેતાઓના વિડીયો મૂકીને અમુક કહી રહ્યા છે કે તેઓ ફોટો એપોર્ચ્યુનિટી શોધી રહ્યા છે અને આવા સમયમાં પણ ફોટા પડાવવામાં વ્યસ્ત છે. રાત-દહાડો પાર્ટીવિશેષના ધારાસભ્યોની ગુલામી કરતી અમુક ચેનલો વિડીયો પોસ્ટ કરીને મંત્રીઓની મજાક ઉડાવવામાં વ્યસ્ત છે અને પૂછે છે કે તેઓ શું કરી રહ્યા છે અને ફિલ્મોના શૂટિંગમાં આવ્યા છે કે કેમ?
અમુક તથાકથિત પત્રકારો, જેમનું એકમાત્ર કામ ટ્વિટર પર બેસીને છાપાંના કટિંગ મૂકીને મોદીને ગાળો દેવાનું છે તેવાઓ પણ કટાક્ષ કરતા દેખાય છે.
નેતાઓ ન ગયા હોત તો વામપંથનોએ ગામ ગજવ્યું હોત
હવે અહીં પ્રશ્ન એ છે કે આ નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ન ગયા હોત તો? તો આ જ વામપંથનો કેમેરાની સામે ગોઠવાઈ ગઈ હોત અને મોટેમોટેથી બરાડા પાડ્યા હોત કે નેતાઓ ગાંધીનગરમાં બેસી રહ્યા છે, પણ લોકોની ભાળ લેવા માટે આવ્યા નથી. લાંબા-લાંબા વિડીયો બન્યા હોત, જેમાં નકામી અને ફાલતુ સલાહ આપવામાં આવી હોત, જેની સરકારને લેશમાત્ર જરૂર નથી. જે પાર્ટીના નેતાઓની તેઓ ચરણવંદના કરતા રહે છે, તેમાંથી એકાદ નવરા નેતાને પકડીને બાઈટ અપાવી દીધી હોત અને આંખો દિવસ ચલાવી હોત.
કદાચ નેતાઓ વડોદરાની મુલાકાતે ગયા હોત અને જો પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી ન હોત તો? તોપણ રડારોળ તો મચાવી જ હોત. એમ કહીને કે નેતાઓ છેક બરોડા આવ્યા પણ અધિકારીઓ સાથે બેઠક કરીને ચાલતી પકડી, નાગરિકો શું સ્થિતિમાં છે એ જોવાની દરકાર ન લીધી. કદાચ ટ્રક નહીં ને બીજું વાહન કે હોડીમાં ગયા હોત તોપણ બૂમાબૂમ તો કરી જ હોત.
હવે જ્યારે કામ કરી રહ્યા છે તોપણ માત્ર વિરોધ કરવા ખાતર બાલિશ હરકતો થઈ રહી છે. ટૂંકમાં, વિરોધ કરવાનો થાય છે. આ રીતે કે પેલી રીતે. નેતાઓ જોકે આ બધાથી ટેવાઈ ગયા છે અને પ્રજા પણ હવે સમજુ થઈ ગઈ છે.