ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, 26 ઓગસ્ટના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. જોકે, છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદે માજા મૂકી છે. સતત મુશળધાર વરસાદથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અતિભારે વરસાદના (Heavy Rain In Gujarat) કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. રાજ્ય સરકારની સાથે હવે કેન્દ્ર સરકાર પણ મદદ માટે જોતરાઈ ગઈ છે. ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) સાથે ટેલિફોનિક વાત કરીને સમીક્ષા પણ કરી છે.
સોમવારે (26 ઓગસ્ટ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ટેલિફોનિક વાત કરી છે. તેમણે વરસાદને લઈને રાજ્યની શું સ્થિતિ છે તે અંગેની સમીક્ષા પણ કરી હતી. મુખ્યમંત્રી સાથે અમિત શાહે વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ, રાહત બચાવ કામગીરી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સાથે જ તેમણે રાજ્યને શક્ય તમામ મદદ આપવા માટેનું આશ્વાસન પણ આપ્યું હતું. નોંધવા જેવુ છે કે, ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. અનેક લોકોને રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને તમામ મદદ લોકો સુધી પહોંચાડી રહી છે.
30 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદના ઘાટલોડિયા અને નારાયણપુરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. તે સાથે જ સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદના કારણે પાણી જમા થવા લાગ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રની સાથે રાજ્ય સરકાર પણ આ તમામ વિસ્તારો પર ધ્યાન રાખી રહી છે. તે સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ અને ભાવનગરમાં પણ અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે.
નોંધનીય છે કે, હવામાન વિભાગે (Meteorological Department) કરેલી આગાહી અનુસાર, હજુ પણ વરસાદનનું જોર વધી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ તેના માટે જવાબદાર છે. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચે ઉદ્ભવેલી સિસ્ટમ આગળ વધવાનું શરૂ થતા આગામી 30 ઓગસ્ટ સુધી આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેના પગલે તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક જિલ્લાના કલેકટર સાથે ચર્ચા કરીને આ અંગે અસરકારક પગલાં લેવા માટેની સૂચના પણ આપી દીધી છે.