હજુ પણ દેશમાં અમુક એવી પરંપરાઓ છે, જે અંગ્રેજોના સમયથી જેમની તેમ ચાલતી આવે છે. સ્વતંત્રતાનાં આટલાં વર્ષો બાદ પણ ભારતીય રીત-રિવાજોથી વિપરીત અલગ ‘સિસ્ટમો’ તંત્રમાં વણાઈ ગઈ હતી. પરંતુ છેલ્લા એક દશકાથી ‘કોલોનિયલ માઈન્ડસેટ’ને પાછળ છોડીને પોતાના અસલ મિજાજમાં આવી રહેલા ભારતમાં ધીમેધીમે નોંધપાત્ર પરિવર્તનો આવી રહ્યાં છે. આવું જ એક મહત્વપૂર્ણ પરિવર્તન હવે શૈક્ષણિક ક્ષેત્રે પણ જોવા મળશે. હવેથી દેશની મેડિકલ કોલેજોમાં ડિગ્રી એનાયત (દીક્ષાંત સમારોહ) (Convocation) કરવાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કાળા કોટ-હેટની (Black Robes) જગ્યાએ ભારતીય પરિધાનમાં જોવા મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ પરિવર્તન મેડિકલ ક્ષેત્રથી શરૂ થવા જઈ રહ્યું છે. સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે (23 ઑગસ્ટ, 2024) એક પરિપત્ર દ્વારા દેશની તમામ મેડિકલ કોલેજોને આ બાબતના નિર્દેશ આપ્યા હતા. જે મુજબ હવેથી દેશની મેડિકલ સંસ્થાઓના દીક્ષાંત સમારોહ વખતે ડિગ્રી એનાયત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કાળા કોટ-હેટની જગ્યાએ ભારતીય પરિધાનમાં આવશે. અહીં નોંધવું જોઈએ કે ભારતમાં આ પ્રથા મૂળ રીતે યુરોપના દેશોમાં અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે હવે ભૂતકાળ બનશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.
It is observed that currently as a matter of practice black robe and cap is being used during convocation by various Institutes of the Ministry. This attire originated in the middle Ages in Europe and was introduced by the British in all their colonies. The above tradition is a… pic.twitter.com/S2hBwsPGdh
— ANI (@ANI) August 23, 2024
પોતાના એક આધિકારિક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું છે કે, “ધ્યાન પર આવ્યું છે કે મંત્રાલય અંતર્ગત આવતાં વિભિન્ન સંસ્થાનોમાં વર્તમાન સમયમાં દીક્ષાંત સમારોહ વખતે વિદ્યાર્થીઓ કાળું ગાઉન અને કાળી હેટ પહેરે છે. આ પ્રકારના પોશાકની ઉત્પત્તિ મધ્યકાલીન યુરોપમાં થઇ હતી અને સમય જતાં તેને અંગ્રેજો દ્વારા ભારતમાં પ્રચલિત કરવામાં આવ્યો હતો. આ પરંપરા કોલોનિયલ લેગસી (ઉપનિવેશવાદ તરફથી મળેલો વારસો) દર્શાવે છે, જેને બદલવાની જરૂર છે. મંત્રાલયે નિર્ણય લીધો છે કે AIIMS અને INI સહિતની ચિકિત્સા શિક્ષણ પ્રદાન કરતી સંસ્થાઓ પોતાના દીક્ષાંત સમારોહમાં જે-તે રાજ્યની પરંપરાઓના આધારે ભારતીય પરિધાનનો ડ્રેસકોડ તૈયાર કરે.”
નોંધનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યુ છે કે શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના દીક્ષાંત સમારોહ માટે એ પ્રકારે ડ્રેસકોડ ડિઝાઈન કરવાનો રહેશે જે સ્થાનિક સંસ્કૃતિને દર્શાવતો હોય. સ્પષ્ટ છે કે આ પરિવર્તનનો ઉદ્દેશ્ય વિદેશી પરિધાનોને દૂર કરીને ભારતની વિવિધ સંસ્કૃતિઓને માન-સન્માન આપી તેનું જતન કરવાનો છે. આ આદેશ બાદ સંસ્થાનોએ પોતાના ડ્રેસ કોડ માટેના પ્રસ્તાવો પોતપોતાના વિભાગોના માધ્યમથી સ્વાસ્થ્ય મંત્રાલયના મુખ્ય સચિવ સમક્ષ મોકલવાના રહેશે.