તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન યાત્રાએ હતા. અહીં રાજધાની કિવમાં તેઓ રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને પણ મળ્યા. યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિને તેમણે સાંત્વના આપી અને મદદ કરવાનો ભરોસો આપ્યો. આખા વિશ્વએ આ બંને નેતાઓની મુલાકાત જોઈ. જોકે થોડા દિવસો પહેલાં જ વડાપ્રધાન મોદીએ રશિયાની પણ મુલાકાત લીધી હતી. તે સમયે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત અને બંને નેતાઓના ગળે મળવાનાં દ્રશ્યો જોઇને પશ્ચિમી દેશોને પેટમાં તેલ રેડાયું હતું. ત્યારે હવે વડાપ્રધાનની યુક્રેન મુલાકાત વખતે તે દ્રશ્યને ફરી યાદ કરવામાં આવ્યું અને વિદેશ મંત્રી એસ જયશંકરને આ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો તેમણે રસપ્રદ જવાબ પણ પછીથી આપ્યો.
આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ભારતને ટાર્ગેટ કરવામાં કુખ્યાત એવા BBCના રિપોર્ટર દ્વારા. જોકે BBCના આ પત્રકાર મુદ્દાને અવળા પાટે લઈ જાય તે પહેલાં જ વિદેશ મંત્રીએ એવો જવાબ આપ્યો, કે પત્રકારની મનશા પર જાણે પાણી ફરી વળ્યું. પત્રકારે વિદેશ મંત્રીને પૂછ્યું હતું કે, પીએમ મોદી રશિયા મુલાકાત દરમિયાન વ્લાદિમિર પુતિનને ગળે મળ્યા હતા. પશ્ચિમી દેશોમાં તેની ‘ટીકા’ થઈ રહી હોવાનો દાવો કરીને પત્રકારે આગળ કહ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે આ પ્રકારે વાતચીત થતી જોઈને ઘણા નારાજ થયા હતા. આ પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે તેમને સંસ્કૃતિનો પાઠ ભણાવ્યો હતો.
સવાલ પામી ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે જવાબમાં કહ્યું હતું કે, “અમારે ત્યાં જ્યારે બે વ્યક્તિ મળે છે, તો તેઓ એક બીજાને ગળે મળે છે. તે તમારી સંસ્કૃતિનો હિસ્સો નહીં હોય, પણ અમારી સંસ્કૃતિનો ભાગ ચોક્કસ છે. કિવમાં મેં જોયું, તેઓ (મોદી) અન્ય અનેક નેતાઓને ગળે મળ્યા છે.”
#WATCH | Kyiv: On PM Modi's hug to President Putin in Moscow, EAM Dr S Jaishankar says, "In our part of the world when people meet people they are given to embracing each other. It may not be part of your culture, it is part of our culture…" pic.twitter.com/PJOwrJIFIo
— ANI (@ANI) August 23, 2024
વિદેશ મંત્રી એસ જયશંકરે આગળ જણવ્યું કે, “મને લાગે છે કે આપણી વચ્ચે આ શિષ્ટાચાર મુલાકાતોને લઈને સંસ્કૃતિક અંતર છે.” આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ યુક્રેન યાત્રાને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ એક મહત્વપૂર્ણ પ્રવાસ છે. તેમણે માહિતી આપી કે, “પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ચર્ચાઓ એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી થઈ. દરમ્યાન બંને દેશો વચ્ચે વેપાર, આર્થિક મુદ્દા, રક્ષા, મેડિકલ, કૃષિ અને શિક્ષણ પર મહત્વના કરારો પણ કરવામાં આવ્યા હતા.”
રશિયા પર પ્રતિબંધ વિશે તેમણે જણાવ્યું કે, “હું કહીશ કે ભારત સામાન્ય રીતે કોઈ દેશ પર પ્રતિબંધ નથી લગાવતો. આ અમારી રાજનૈતિક અને કૂટનૈતિક પરંપરાનો ભાગ ક્યારેય નથી રહ્યો.” તેમણે કહ્યું કે, ભારતે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે અનેક વાર તણાવ વધશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ વિશ્વ સામે તેના દુષ્પ્રભાવ વિશેના વિચારો વ્યક્ત કર્યા જ હતા. તેમણે એમ પણ કહ્યું કે, ભારતનું માનવું છે કે બંને પક્ષોએ પરસ્પર વાતચીત કરીને સમાધાન કાઢવું જરૂરી છે.
આ સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન મોદીના યુક્રેન પ્રવાસને લઈને કહ્યું હતું કે, પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું છે. આમે આશા કરીએ છીએ કે તેઓ પોતાની અનુકુળતાએ ભારતનો પ્રવાસ કરશે.