વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોલેન્ડ (Poland) અને યુક્રેનના પ્રવાસે છે. બુધવારે (21 ઑગસ્ટ) તેઓ પોલેન્ડ પહોંચ્યા. અહીં તેઓ બે દિવસ માટે રોકાશે. 45 વર્ષ બાદ પ્રથમ વખત કોઇ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની યાત્રાએ પહોંચ્યા છે એટલે આ યાત્રા ખાસ છે, પરંતુ એક બીજા કારણોસર પણ PM મોદીની આ યાત્રા અન્ય વિદેશ યાત્રાઓ કરતાં નોખી છે. કારણ એ છે કે અહીં વડાપ્રધાને ‘જામસાહેબ ઑફ નવાનગર’ મેમોરિયલની (Jamsaheb of Nawanagar Memorial) પણ મુલાકાત લીધી. આ મેમોરિયલ પર જઈને જામસાહેબ દિગ્વિજયસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરનાર તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે.
ઇતિહાસ જાણનારાઓ જાણે છે કે નવાનગરના (આજનું જામનગર) મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજાનું પોલેન્ડ સાથે એક વિશેષ જોડાણ છે. તેઓ (અને તે સમયના ઘણા રાજાઓ) ‘બાપુસાહેબ’ના હુલામણાં નામથી ઓળખાતા. આ બિરૂદ થોપી બેસાડવામાં નહતું આવ્યું પણ પ્રજાવત્સલ રાજવી પ્રત્યેનો પ્રજાનો ભાવ તેમાં જોવા મળતો. ‘મારી પ્રજાનું કલ્યાણ થાજો’ એ જ આવા રાજવીઓનો મંત્ર રહ્યો. ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી હોય કે જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજા, તેઓ ખરા અર્થમાં ‘બાપુસાહેબ’ બનીને રહ્યા, પ્રજાને એક પિતાની જેમ સાચવી. એ જ કારણ છે કે આટલાં વર્ષો પછી પણ તેમનાં નામો આદર-સન્માન સાથે લેવામાં આવે છે. ને દિગ્વિજયસિંહજીએ માત્ર પોતાના રાજ્યની પ્રજાને જ ન સાચવી, વખત આવ્યો ત્યારે સાડા છ હજાર કિલોમીટર દૂર આવેલા દેશ પોલેન્ડના નાગરિકોનો પણ આશરો બન્યા હતા. કોઇ અપેક્ષા વગર તેમણે પોતાનો ધર્મ નિભાવ્યો હતો. આજે આટલાં વર્ષો વીતી ગયાં, પણ પોલેન્ડ હજુ આ મહારાજાને યાદ કરે છે.
કોણ હતા જામસાહેબ દિગ્વિજયસિંહજી?
જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાનો જન્મ 1895માં. રાજકુમાર કોલેજમાં તેમણે શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ લંડનની યુનિવર્સિટી કોલેજમાં પણ અભ્યાસ કર્યો. 1919માં તેઓ બ્રિટીશ આર્મીમાં સેકન્ડ લેફટનન્ટ તરીકે જોડાયા. લગભગ 2 દાયકાની સૈન્ય કારકિર્દી બાદ 1931માં નિવૃત્ત થયા. જોકે, 1947 સુધી તેઓ ભારતીય સેનામાં માનદ પદ પર રહ્યા હતા. નિવૃત્તિના 2 વર્ષ બાદ 1933માં તેમનો કાકા રણજીતસિંહ જાડેજાના ઉત્તરાધિકારી તરીકે નવાનગરના મહારાજા તરીકે રાજ્યાભિષેક કરાયો.
1966માં તેમના નિધન સુધી તેઓ નવાનગરના મહારાજા રહ્યા. જોકે, 1947માં ભારતની સ્વતંત્રતા બાદ અન્ય મહારાજાઓ સાથે તેમણે પણ રજવાડાનું વિલીનીકરણ કરી દીધું હતું. જેથી આમ જોવા જઈએ તો શાસન કરનાર તેઓ જામનગરના અંતિમ મહારાજા હતા. તેમના પુત્ર શત્રુશલ્યસિંહ જાડેજા, જેઓ હાલ જામનગરના રાજવી છે. ઉલ્લેખનીય છે કે રજવાડાં હવે રહ્યાં નથી, પરંતુ હજુ પણ રાજ્યાભિષેક વગેરે પરંપરાઓ યથાવત રહી છે અને વિલીનીકરણ બાદ પણ ચાલતી આવે છે અને પ્રજા પણ રાજાઓને એટલો જ આદર આપતી રહી છે.
પોલેન્ડ સાથે શું છે જોડાણ?
બીજા વિશ્વયુદ્ધ સમયે 1939માં USSR અને જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરી દીધું હતું. પરિણામ એ આવ્યું કે ત્યારની પોલેન્ડની સરકાર ભંગ થઈ ગઈ અને શાસકો લંડન ચાલ્યા ગયા. બીજી તરફ, મહિલાઓ અને બાળકો સહિત હજારો પૉલિશ નાગરિકોને સોવિયેત યુનિયનમાં ડિપોર્ટ કરી દેવામાં આવ્યાં હતાં. જેમાં ઘણા દિવ્યાંગો હતા, અમુક અનાથ બાળકો હતાં અને મહિલા-બાળકો પણ મોટી સંખ્યામાં હતાં.
આ લોકોને શરણાર્થી કેમ્પ અને અનાથાલયમાં રાખવામાં આવતા હતા, જ્યાં રોગો અને ભૂખમરાના કારણે હાલ બેહાલ હતા. લગભગ 2 વર્ષ આવું ચાલ્યું. આ શરણાર્થીઓનું જીવન અત્યંત કપરી અને દયનીય સ્થિતીમાં વીત્યું. આખરે 1941માં આ તમામને માફી આપીને સોવિયેત યુનિયન છોડવાના આદેશ આપવામાં આવ્યા. એટલે હજારો નાગરિકો અને ખાસ કરીને બાળકો મુક્ત તો થઈ ગયાં, પરંતુ ત્યારપછી પણ તેમની પાસે ઝાઝા વિકલ્પો ન હતા.
પછીથી અમુકે મેક્સિકોમાં શરણ લીધું, અમુક ન્યૂઝીલેન્ડ ગયા. અન્ય અમુક દેશોમાં શરણાર્થી બનીને ગયા. આ વખતે બ્રિટનની વૉર કેબિનેટમાં મહારાજ દિગ્વિજયસિંહ જાડેજા હિંદુ ડેલિગેટ હતા. તેઓ આ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ-દુર્ઘટનાઓથી બરાબર વાકેફ હતા. જેવી જાણ થઈ કે તુરંત તેમણે આ પૉલિશ બાળકો અને નાગરિકોની મદદ માટે હાથ લંબાવ્યો. વાતચીત થઈ અને બાળકોને ભારત લાવવા માટે સહમતી બની.
‘તમે ભલે મા-બાપ ગુમાવ્યાં હોય, આજથી હું તમારો પિતા છું’
1942માં પૉલિશ બાળકોનું પહેલું જૂથ નવાનગર ઉતર્યું હતું. કહેવાય છે કે તેમને આવકારવા માટે મહારાજા સ્વયં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે બાળકોને કહ્યું હતું કે, “હવે તમે અનાથ રહ્યાં નથી. ભલે તમે તમારાં મા-બાપ ગુમાવ્યાં હોય, પણ આજથી હું તમારો પિતા છું. તમે હવે નવાનગરના વાસી છો અને હું તમારો બાપુ છું.”
જામસાહેબે તમામ બાળકો માટે રહેવા, જમવા સહિતની વ્યવસ્થાઓ કરી હતી. તુરંત આ બાળકો માટે બાલાચડી નજીક એક કૅમ્પ બનાવવામાં આવ્યો, જ્યાં તેમની સારસંભાળ લેવામાં આવતી હતી. પૂરતી તબીબી સહાય આપવામાં આવી તો શાળાઓ પણ ખોલવામાં આવી. બાળકો તેમની માતૃભાષા ભૂલી ન જાય તે માટે મહારાજા સાહેબે ખાસ પૉલિશ ભાષાનાં પુસ્તકોની એક લાઇબ્રેરી પણ તૈયાર કરાવડાવી હતી.
ન માત્ર સુવિધાઓ ઉભી કરાવી હતી, પરંતુ તેઓ વ્યક્તિગત રીતે તમામ બાબતોનું ધ્યાન રાખતા અને કાયમ મુલાકાત લેતા રહેતા અને પૂરતી વ્યવસ્થા થાય છે કે કેમ તે સુનિશ્ચિત કરતા. મહારાજાએ પોતે આગેવાની લઈને આ બાળકોની નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું હતું. એટલું જ નહીં, જ્યારે કેટલાક પૉલિશ બાળકોએ ભારતના મસાલાયુક્ત ખોરાક અંગે ફરિયાદ કરી ત્યારે મહારાજાએ ખાસ તેમના માટે રસોઈ બનાવવા માટે સાત પૉલિશ રસોઈયા રાખ્યા હતા. તદુપરાંત, તેમના શિક્ષણ માટે પણ પૉલિશ શિક્ષકો રાખવામાં આવ્યા હતા.
પછીથી અન્ય કેમ્પ પણ ખોલવામાં આવ્યો અને વધુ બાળકોને ત્યાં લાવવામાં આવ્યાં. તેમની તમામ પ્રકારની સંભાળ લેવામાં આવી. પછીથી પટિયાલા અને બરોડાના રાજાઓએ પણ આ કેમ્પ માટે આર્થિક સહાય કરી હતી તો ઉદ્યોગ સમૂહ ટાટાએ પણ ભંડોળ આપ્યું હતું. તે સમયે આ પૉલિશ બાળકો માટે લાખો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું, જેથી તેમને કોઇ તકલીફ ન પડે.
વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યાં સુધી આ બાળકો નવાનગરમાં રહ્યાં હતાં. પછીથી જ્યારે બ્રિટને પોલેન્ડની સરકારને માન્યતા આપી તો આ શરણાર્થીઓ પરત ફર્યા. જોકે, તેમાંથી પછી અમુક યુકે, ઓસ્ટ્રેલિયા, યુએસ વગેરે દેશોમાં સ્થળાંતર કરી ગયા હતા. કહેવાય છે કે બાળકોને રવાના કરવા માટે જામસાહેબ સ્વયં હાજર રહ્યા હતા. પૉલિશ બાળકો અને તેમના બાપુસાહેબ, બંને માટે આ ક્ષણો ભાવુક હતી.
આફત સમયે આશરો બનેલા આ મહારાજાને આજે પણ નથી ભૂલ્યું પોલેન્ડ
જામસાહેબે તો પોતાનો ધર્મ નિભાવીને બદલામાં કોઇ અપેક્ષા રાખી ન હતી, પણ આફતના આવા સમયે હજારો બાળકોને આશરો આપનાર અને તેમના ‘બાપુ’ બનીને રહેનાર આ ભારતીય મહારાજાને કૃતજ્ઞ રાષ્ટ્ર પોલેન્ડ આજે પણ ભૂલ્યું નથી. તેમને આજે પણ ત્યાં ‘ગુડ મહારાજા’ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ પોલેન્ડ આ દિવગંત મહારાજાને પૂરેપૂરા આદર-સન્માન સાથે યાદ કરે છે. આ સન્માનના પ્રતીકસ્વરૂપ પોલેન્ડની રાજધાની વોર્સોવમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે, જેનું નામ છે- ‘જામસાહેબ ઑફ નવાનગર મેમોરિયલ’. સ્મારક પર અંકિત પ્રથમ વાક્ય છે- ‘દયાવાન મહારાજાની શ્રદ્ધાંજલિમાં, કૃતજ્ઞ રાષ્ટ્ર પોલેન્ડ તરફથી’.
આ સિવાય જામસાહેબના નામે વોર્સોવમાં એક શાળા પણ છે, જે ભારતીય શૈલીમાં બનાવવામાં આવી છે. ઉપરાંત, એક સ્ક્વેર પણ ‘મહારાજા સ્ક્વેર’ના નામથી સ્થિત છે. આ જ સ્થળે મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. 2022માં પોલેન્ડમાં જામસાહેબના નામે એક ટ્રેન પણ શરૂ કરવામાં આવી હતી.
યુક્રેન યુદ્ધ વખતે પોલેન્ડે ભારતીય વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી મદદ
સમયનું ચક્ર ફરે છે અને વર્ષ આવે છે 2022. યુક્રેનમાં રશિયાના સૈન્ય આક્રમણને પગલે ત્યાં રહેતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુસીબતમાં મૂકાયા હતા. એર સ્પેસ બંધ હતી અને તેમણે બહાર નીકળવા માટે ફરજિયાત જમીન માર્ગે યુક્રેન છોડવું પડે એમ હતું. બીજી તરફ યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે તેમાંથી ઘણા યુક્રેનના પાડોશી પોલેન્ડ પહોંચ્યા હતા. જોકે, ભારતની મોદી સરકારે તુરંત ‘મિશન ગંગા’ શરૂ કરી દીધું હતું, પરંતુ તે દરમિયાન પોલેન્ડે આ ભારતીય વિદ્યાર્થીઓને આશરો આપીને ઋણ ચૂકવવાના પ્રયાસ કર્યા હતા.